રાજ્ય સરકારના આ પ્રોજેક્ટથી ખેડૂતોને વર્ષે 15000ની વધારાની આવક થશે

PC: khabarchhe.com

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ની નવમી શૃંખલામાં આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ ફોરમ અંગે યોજાયેલ પરિસંવાદમાં વૈશ્વિક સૌર ઉર્જાની જરૂરિયાતો ઉપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞો, બિઝનેશ લીડર્સ અને તજજ્ઞ રાજનીતિજ્ઞોએ વિચાર વિમર્શ કર્યો હતો. આ પરિસંવાદમાં નવા સંશોધનો તેમજ તે અન્વયે થનારા રોકાણો અને સંબંધિત રાષ્ટ્રોની આ સંદર્ભમાં જરૂરિયાત અંગે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ માટે દુનિયાભરમાં 1000 ગીગાવોટની સોલાર જનરેશન કેપેસિટી માટે વર્ષ-2030 સુધીમાં સોલાર એનર્જીમાં રૂ. એક લાખ કરોડ ડોલરનું મૂડીરોકાણ મેળવવામાં આવશે.

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું કે, સોલાર એનર્જી ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પુરૂ કરવા ગુજરાતે પહેલ કરી છે. ભારત સરકારના વર્ષ-2022 સુધીમાં 175 ગીગાવોટ પુન:પ્રાપ્ય ઉર્જા ઉત્પાદનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા ગુજરાત સરકારના આયોજનની વિગતો આપતાં તેમણે ઉમેર્યું હતું કે, પુન:પ્રાપ્ય ઉર્જા ઉત્પાદન માટે ગુજરાતે વિન્ડ સોલાર હાઈબ્રિડ પાર્ક સ્થાપવા અંગેની પોલિસી-2018 તૈયાર કરી છે. આ હાઈબ્રિડ પાર્કમાં 10 વર્ષમાં 30 હજાર મે.વો. પુન:પ્રાપ્ય ઉર્જા ઉત્પાદન કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.

ઉર્જા મંત્રીએ જણાવ્યું કે, રાજ્યની હાલની કુલ સ્થાપિત વીજ ક્ષમતામાં પુન:પ્રાપ્ય ઉર્જાનો હિસ્સો 7645 મે.વો. એટલે કે 28 ટકા કે જે વર્ષ-2022 સુધીમાં વધારીને 22922 મે.વો. એટલે કે 53 ટકા સાથે બમણો કરવાનો લક્ષ્યાંક છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં આગામી ત્રણ વર્ષમાં 15 હજાર મે.વો. પુન:પ્રાપ્ય ઉર્જા ઉત્પાદિત કરવા માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે. રાજ્યમાં પસંદ કરાયેલા 50 સબ સ્ટેશનોની આસપાસની જમીનોમાં સૌર ઉર્જાના પ્લાન્ટ દ્વારા 3000 મે.વોટ સૌર ઉર્જા ઉત્પાદિત કરાશે, એટલું જ નહીં સ્મોલ સ્કેલ ડીસ્ટ્રીબ્યુટર સોલાર પ્રોજેક્ટ હેઠળ કોઈ પણ વ્યક્તિ,પેઢી, સહકારી મંડળી અડધા મે.વોટથી 4 મે.વો. સૌર ઉર્જા ઉત્પાદિત કરે તો તેને ખરીદવા સરકાર 25 વર્ષનો કરાર કરશે. જેના દ્વારા 2000 મે.વો. સૌર ઉર્જા ઉત્પાદનનો અંદાજ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

સૌરભ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં સૂર્ય શક્તિ કિશાન યોજના(SKY) અમલી બનાવવામાં આવી છે. હાલમાં 50 ફિડર પાયલોટ પ્રોજેકટ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. જેને પરિણામે ખેડૂતોને વીજ બિલ ભરવામાંથી મુક્તિ મળવા સાથે દર વર્ષે અંદાજે રૂ. 15,000/- જેટલી વધારાની આવક થશે. આ યોજનામાં રાજ્યના ખેડૂતો મહતમ રીતે જોડાઈ રહ્યાં છે.

અમેરિકાના ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિકના એક્ઝિક્યુટિવ સેક્રેટરી અરમિંદા સાલ્શીસાહ, અલીસઝાહ બાનાએ તેમના મનનીય વિચારો વ્યક્ત કર્યાં હતા. આ પ્રસંગે ન્યુ એન્ડ રીન્યુએબલ મંત્રાલયના સચિવ આનંદકુમાર, વિવિધ દેશોના રાજદૂતો અને ઓસ્ટ્રેલિયા, નાઈજીરીયા, ટ્યુનેશિયા, યુ.એ.ઈ., યુગાન્ડા અને કોમનવેલ્થના પ્રતિનિધિઓએ પરિસંવાદમાં પોતાના વિચારો રજૂ કર્યાં હતા. આ તજજ્ઞોએ સૌર ઉર્જા ક્ષેત્રે સશક્તિકરણ સંદર્ભે દેશનો દ્રષ્ટિકોણ, ઉર્જા વહનના ભાવિ આયોજન સંબંધિત રાષ્ટ્રોની ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ પાસે અપેક્ષા તથા સૌર ઉર્જા ક્ષેત્રે વિવિધ રાષ્ટ્રોની આવશ્યકતા સંદર્ભે વિશાળ પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ પાસાઓની ચર્ચાઓ કરી હતી.

સૌર ઉર્જા ક્ષેત્રે ઉપલબ્ધતાનો નિર્દેશ કરતાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સના આઈ.ડી.જી. ઉપેન્દ્ર ત્રિપાઠીએ કહ્યું હતું કે, આઈ.એસ.એ. દ્વારા સમગ્ર વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવવાના સઘન પ્રયાસો થઈ રહ્યાં છે અને તેમના રાષ્ટ્રોમાં ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા અને સૌર ઉર્જા ક્ષેત્રે રોકાણની શકયતાઓ સંદર્ભે મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે. આને પરિણામે સંબંધિત રાષ્ટ્રોમાં સમગ્રતયા વિકાસ અને ક્લિન એનર્જી ક્ષેત્રે બેવડા લાભ મળશે. સૌર ઉર્જા ક્ષેત્રે ઉપલબ્ધ તકો સંદર્ભે ભારત સરકાર અને ગુજરાત સરકાર નિષ્ઠાપૂર્વક સાતત્યપૂર્ણ કામગીરી કરી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત એક એવું એદભૂત પ્લેટફોર્મ છે કે જયાંથી સ્વચ્છ, સાતત્યપૂર્ણ સૌર ઉર્જાના ઉજજવળ ભવિષ્યનો સંદેશ આપે છે. ભારતના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચાર બીજ સમી સમિટ દ્વારા વૈશ્વિક સોશિયલ ઈકોનિમિક ડેવલપમેન્ટ માટે ગહન ચિંતનનો મંત્ર બની છે. તેમની આ વિચારધારાના પરિણામ સ્વરૂપે નોલેજ શેરિંગ અને વિવિધ રાષ્ટ્રોની સહભાગિતાને પ્રોત્સાહન મળ્યુ છે.

ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સનું વિઝન અને મિશનનું તેમના સભ્ય રાષ્ટ્રોને સૌર ઉર્જાના ઉપયોગ અને તેની ઉત્પાદન જરૂરિયાતને પહોંચી વળવાના સંદર્ભમાં સલામત ઉપયોગી અને કિફાયતી રીતે સૌર ઉર્જા કાયમી ધોરણે ઉપયોગી થાય તે પ્રકારનું રહ્યું છે. ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ એ સૌર ઉર્જા આધારિત 121 દેશોનું સહયોગી સંગઠન છે. વર્ષ-2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદેએ પેરિસમાં ઈન્ટરનેશનલ એલાયન્સની રચના કરી હતી. જેને વિશ્વમાં સોલાર એનર્જી સેકટરમાં ભારત અને ફ્રાન્સની મોટી પહેલરૂપ ગણવામાં આવે છે.

ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ કર્ક અને મકર રેખાની વચ્ચે આવનાર દેશોનું સમૂહ છે. આ દેશોમાં આખા વર્ષ દરમિયાન સૂર્ય પ્રકાશ અર્થાત કે તડકો રહે છે. આ બધા દેશો સૌર ઉર્જાના ક્ષેત્રે ભેગા મળી કામ કરી રહ્યાં છે. ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ બહેતર અને સસ્તી સોલાર ટેક્નોલોજી ઉપલબ્ધ થાય સોલાર ઉર્જાની જરૂરિયાત વધારવા સોલાર પ્રોજેકટ માટે નાણાની વ્યવસ્થા, સોલાર ટેક્નોલોજી મિશન સહિત આઈ.એસ.એ.ને મજબૂત કરીને ગતિશીલ બનાવવા માટે કામ કરી રહ્યું છે. એલાયન્સમાં સામેલ તમામ દેશોને સસ્તી, ક્લિન અને રિન્યુએબલ એનર્જી ઉપલબ્ધ કરાવવાની સાથે ગ્રીન, ક્લિન અને સતત ઉર્જાને સુનિશ્ચિત કરવાનું છે.

રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્‍ય સચિવ રાજગોપાલે ઉપસ્‍થિત સૌનો આભાર વ્‍યકત કરતાં ગુજરાતના વાયબ્રન્‍ટ વિકાસ વિશે પ્રકાશ પાડતાં કહ્યું કે, રિન્‍યુએબલ એનર્જી એટ્રેકટિવ ઇન્‍ડેક્ષ-2017 મુજબ વિશ્વમાં ભારત બીજા ક્રમે છે, વર્ષ 2022 સુધીમાં ભારત સમગ્ર વિશ્વમાં પુનઃપ્રાપ્‍ય ઊર્જાના ઉત્‍પાદનમાં ત્રીજુ સ્‍થાન પ્રાપ્‍ત કરશે. સમગ્ર ભારતમાં પુનઃપ્રાપ્‍ય ઊર્જાના ઉત્‍પાદનમાં ગુજરાત 12 ટકા જેટલું યોગદાન આપે છે, જે ખૂબ જ પ્રસંશનીય અને કાબીલે તારીફ છે. ગૌરવની વાત તો એ છે કે, પવન ઊર્જાના ઉત્‍પાદનમાં ભારતભરમાં ગુજરાત બીજા સ્‍થાને છે તેમજ ભારતમાં થતાં કુલ સૌરઊર્જાના ઉત્‍પાદનમાં આઠ ટકા હિસ્‍સો ધરાવે છે. પુનઃપ્રાપ્‍ય ઊર્જાના ઉત્‍પાદન માટે ગુજરાત અંદાજિત 100 ગીગા વોટની ક્ષમતા ધરાવે છે.

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટની ફલશ્રુતિ વર્ણવતાં તેમણે જણાવ્‍યું કે, વર્ષ 2003માં પ્રથમ વાયબ્રન્‍ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારથી લઇને અત્‍યાર સુધીમાં ઊર્જા ક્ષેત્રે ગુજરાતમાં 100થી વધુ મોટા રોકાણો થયા છે, જેમાં કુલ રૂા.40,000 કરોડનું રોકાણ થયું છે. આ ઉપરાંત રાજગોપાલે ગુજરાતના ઊર્જા ક્ષેત્રના વિકાસની રસપ્રદ માહિતી પૂરી પાડતાં કહ્યું કે, પુનઃપ્રાપ્‍ય ઊર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રોજેકટ સ્‍થાપીને ગુજરાત હંમેશા અગ્રેસર રહયું છે. ગુજરાતે પાટણ જિલ્‍લાના ચારણકામાં પ્રથમવાર બહુમુખી સુવિધા ધરાવતો 600 મે.વો. અલ્‍ટ્રા મેગા સોલાર પાર્ક, ગાંધીનગરમાં ગ્રીડ કનેકટેડ પ્રોજેક્ટ તેમજ વડોદરામાં કેનાલ પર સોલાર પ્રોજેકટ સ્‍થાપવામાં આવ્‍યો છે.

ગુજરાત સરકારે ધોલેરા ઓસઆઇઆરમાં 5000 મે.વો.નો અલ્‍ટ્રા મેગા સોલાર પાર્ક સ્‍થાપવાની જાહેરાત કરી છે, જે દરિયા કિનારાની ખારાશવાળી જમીનમાં સ્‍થાપવામાં આવશે. જેમાં જીયુવીએનએલ દ્વારા પ્રથમ 1000 મે.વો.ની ક્ષમતા ધરાવતા પ્રોજેકટ સ્‍થાપવાની દરખાસ્‍ત કરવામાં આવનાર છે. ભારતનો સૌપ્રથમ 1000 મે.વો. પવન ઊર્જા ઉત્‍પાદનની ક્ષમતા ધરાવતો પ્રોજેકટ ગુજરાતના દરિયા કિનારે આવેલા ખંભાતના અખાતમાં સ્‍થાપવા દેશના જાણીતા રોકાણકારોએ પણ રસ દાખવ્‍યો છે.

આ કન્‍ટ્રી સેમિનારમાં ઓસ્‍ટ્રેલિયાના ભારત ખાતેના હાઇ કમિશનર હરિન્‍દ્ર કૌર સિંધુએ ભારતમાં પવન ઊર્જા ઉત્‍પાદન માટેના ખર્ચ પર પોતાનો દ્રષ્‍ટિકોણ રજૂ કર્યો હતો, જયારે મોરોકકોના ઊર્જા સચિવ મોહમ્‍મદ રઝા અલી, નાઇજિરીયાના ભારત ખાતેના હાઇ કમિશનર કિસ સન્‍ડી ઇઝે, ટુનિશિયાના એમ્‍બેસેડર નિઝામુદૃીન લખલ, યુગાન્‍ડાના ભારત ખાતેના હાઇ કમિશનર એકોલો ડીન્‍ચ ગ્રેસ સહિત વિષય તજજ્ઞોએ ઊર્જા ક્ષેત્રની તકો અને સંભાવનાઓ પર પ્રકાશ પાડયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp