26th January selfie contest

દીકરો મારો લાડકવાયો ...ના રચનાકાર કૈલાસ પંડિત એટલે અવગણાયેલો અમૂલ્ય હીરો

PC: khabarchhe.com

કદાચ જ કોઈ મા એવી હશે જેણે પોતાના દીકરા માટે "દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે..." હાલરડું નહિ ગાયું હોય. ભલે પછી એ પારણું સોનાનું હોય કે લાકડાનું પણ મા ની મમતા તો એકસરખી જ હોય. રાતોની રાતો જાગી હશે અને આ હાલરડું ગાયું હશે. અલબત્ત, મેં મારી દીકરી માટે મુકેશ માલવણકર રચિત "દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર ગાયું હશે..." પણ ભાવ તો દરેક મા નો એ જ હોય છે.

દરેક મા માટે એનો દીકરો એ દેવનો દીધેલ જ છે. આવી અપ્રતિમ રચનાનાં માલિક કૈલાસ પંડિતની  જન્મજયંતિ પર એમને સાદર વંદન જ હોઈ શકે. કૈલાસ સાહેબની આ રચનાને પોતાનો મખમલી કંઠ આપીને  મનહર ઉધાસે આ રચનાને અમર કરી દીધી પણ ખબર નહિ કેમ મને હંમેશા લાગ્યું છે કે કૈલાસ સાહેબ એટલે એક અવગણાયેલો અમૂલ્ય હીરો. એમ પણ ગુજરાત એના રત્નોને પારખવામાં મોટાં ભાગે થાપ ખાતું રહ્યું છે એનું વધુ એક ઉદાહરણ.

આવી ગઝલિયતનાં શહેનશાહ  કૈલાસ સાહેબ માટે અન્યની પ્રમાણમાં ભાગ્યે જ કશું લખાયું હશે. તોય એમની અમુક રચનાઓ કે મુક્તક લોકજીભે એની સરળતાને લીધે વહેતા થયા છે જેમાંનું એક મુક્તક,

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?

મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?

અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?

સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

– કૈલાસ પંડિત

એમના માતાનું નામ કસ્તુરીબેન અને પિતાનું નામ ચંદ્રિકાપ્રસાદ. 23 ડિસેમ્બર, 1941 જબલપુરમાં જન્મેલાં આ ગઝલકાર જો હજી વધારે જીવ્યા હોત તો ચોક્કસ વધારે પ્રસિદ્ધિ પામ્યા હોત. એમને ગયાને આજે આશરે 27 વર્ષનાં વહાણાં વહી ગયાં. અડધી સદી તો માંડ જીવ્યા હશે પણ આટલાં ટૂંકા ગાળામાં પણ "દીકરો મારો લાડકવાયો", "ચમન તુજને સુમન", "ન આવ્યું આંખમાં આંસું", "અર્થનો અવકાશ હોવો જોઈએ" જેવી તો કંઈકેટલીય રચનાઓથી ગુજરાતી ગઝલ સાહિત્યને શણગારતાં ગયાં.

આજે પણ કેટલીય એમની રચનાઓ લોકજીભે રમે છે. તેમના કાવ્યસંગ્રહમાં 'દ્વિધા', 'સંગાથ', 'ઉમકળો' અને 'ખરા છો તમે' નો સમાવેશ થાય છે. "અમર મુક્તકો" નામનું સંપાદન પણ જાણમાં છે. "ઈર્શાદ" સાહેબ સાથે મળીને ‘સુખનવર’ શ્રેણી અંતર્ગત ૨૦ ગઝલકારોનું સંપાદન તેમણે આપ્યાનું ધ્યાનમાં છે.

ભલે કૈલાસ સાહેબ સદેહે આપણી વચ્ચે હાજર નથી પણ  મનહર ઉધાસનાં સ્વરથી આપણી વચ્ચે જીવંત છે.  મનહર ઉધાસ ગુજરાતી ગઝલ ક્ષેત્રે પ્રેરણા આપવાનો યશ કૈલાસ પંડિત સાહેબનાં ફાળે જાય છે. આ આખોય પ્રસંગ મને સુરેશભાઈ જાનીનાં પ્રતિભાવ વિભાગમાંથી સાંપડ્યો તો થયું આપ સહુ સાથે વહેંચું. કૈલાસ સાહેબ મૂળ જબલપુરનાં વતની અને મનહર સાહેબનું વતન રાજકોટ પાસેના ચરખડી નામનું ગામ. મુંબઈમાં કૈલાસ સાહેબ અને મનહર સાહેબ એક જ કંપનીમાં સાથે જોબ કરતાં.

મનહર સાહેબને એ સમયે ગુજરાતી ગઝલ વિશે કંઈ જ ખબર ન હતી. આથી કૈલાસ સાહેબ પોતાની ગઝલો રિસેસ અથવા સાંજે જમવાનાં સમયે મનહર સાહેબને નિયમિત સંભળાવતા અને એ રીતે ગઝલથી પરિચિત થયા. એ અરસામાં મુંબઈમાં યોજાતા મુશાયરામાં ખ્યાતનામ શાયરો ઘાયલ સાહેબ, બેફામ સાહેબ, ગની દહીંવાળા, મરીઝ સાહેબ વગેરે આવતા ત્યારે કૈલાસ સાહેબ મનહર ભાઈને પણ સાથે અચૂક લઈ જતાં.

મુશાયરામાં ગઝલ પઠનથી અને તરન્નુમમાં જ શાયરોને જે દાદ મળતી એ સાંભળી મનહર ભાઈને આશ્ચર્ય થયું અને ગુજરાતી ગઝલ પ્રત્યે અદમ્ય આકર્ષણ થયું. મુંબઈમાં વિધ્યા ભવનમાં દર મહિને નિયમિત "આ માસના ગીતો" નામનો કાર્યક્રમ થતો. કાર્યક્રમની વિશેષતા એ હતી કે કાર્યક્રમમાં નવા ગીતો અને નવોદિત ગાયકોને રજૂ કરવામાં આવતા.

આમ એક દિવસ વિધ્યા ભવન તરફથી મનહર ભાઈને પણ ગાવાનું આમંત્રણ મળ્યું ત્યારે મનહર ભાઈએ કાર્યક્રમમાં કૈલાસ સાહેબની કેટલીક ગઝલોને કમ્પોઝ કરી રજૂઆત કરી તો શ્રોતાઓ તરફથી આશ્ચર્યજનક રીતે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. અને આમ પછી ૧૯૭૦માં કૈલાસ સાહેબ થકી પોલિડોર કંપની દ્વારા "પ્રીતના શમણાં" ની સૌ પ્રથમ E P રેકોર્ડ અને આપણાં સહુના માનીતાં અને લાડલા શ્રી મનહર ઉધાસની ભેટ મળી.

પોતાને ગુજરાતી ગઝલ ગાવાની પ્રેરણા મળી હોવાથી કદાચ આ જ કારણોસર મનહર સાહેબ પણ એમની રચનાઓને મહત્તમ અવાજ આપ્યો હશે. મારાં માટે એમની એક રચના ખૂબ જ વિશેષ છે અને મારી અત્યંત પ્રિય પણ છે. ઘણી વાર એ રચના ગાઈ પણ હશે અને આ રચનાએ મને ઘણી વાર ઈનામો પણ જીતી અપાવ્યા છે અને એ ખાસ રચના છે,

હે... ક્યારે પૂરા થશે મનના કોડ ?

કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ...

ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં,

ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં

ભમરાની જેમ તો ય માની જો જાય તો

કહેવી છે વાત એવી મારે પણ કાનમાં

હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ

કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

શાળા કે કોલેજકાળ દરમ્યાન આ રચનાએ મને પણ થોડી ઘણી નામના અપાવેલી એટલે અંતરમનથી એક વાર વિશેષ આભાર મારે પણ માનવો જ રહ્યો. ગુજરાતી ગઝલ સાહિત્ય ક્ષેત્રે એમનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે ત્યારે ફરીફરીને એક વાર એમનો જ શેર ટાંકવાનું મન થાય છે કે,

એકાદ એવી યાદ તો છોડી જવી હતી

છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી

વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે

થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

- કૈલાસ પંડિત

એમની જન્મજયંતિ પર આ અદનાં શાયરને સ્મરણાંજલિ સહ સાદર વંદન..!!

- વૈભવી જોશી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp