માત્ર 26 વર્ષ જીવીને કવિ કલાપીએ બક્ષ્યું ગુજરાતી ગઝલને અમરત્વ

PC: wikimedia.org

કલાપીનો જન્મ 26-1-1874ના રોજ સૌરાષ્ટ્રના લાઠીમાં થયો હતો અને અવસાન 9-6-1900ના રોજ થયું હતું. એટલે કે કલાપી માત્ર 26 વર્ષ 5 મહિના અને 11 દિવસ જીવ્યાં હતા, જે દરમિયાન તેમણે 1 મહાકાવ્ય, 11 ખંડકાવ્ય, 59 ગઝલો અને 188 છંદોબદ્ધ કવિતા-ઉર્મી ગીતો લખ્યાં હતા અને એમાંય જો માત્ર તેમનું ગદ્ય સર્જન ગણવા બેસીએ તો તેમણે 15000 જેટલી પંક્તિઓનું વિપુલ સર્જન કર્યું છે. આ ઉપરાંત તેમનું પ્રવાસ વર્ણન અને પત્ર સાહિત્ય વધારાનું! મજાની વાત એ છે કે કલાપીએ આ તમામ સાહિત્યનું સર્જન માત્ર દસ વર્ષના ગાળામાં જ કર્યું હતું.

કલાપીની કેફિયત અને સાહિત્યપ્રીતિ વિશે જોઈએ એ પહેલા તેમના અંગત જીવન પર એક નજર કરવી અત્યંત જરૂરી બને છે. કારણ કે કલાપીનું સમગ્ર સાહિત્ય સર્જન તેમના જીવનમાં બનેલા પ્રસંગો પર કે તેમના અંગત જીવનના અનુભવો પર જ આધારિત છે. વર્ષ 1874માં જન્મ બાદ કલાપીએ બાળપણમાં જ તેમના માતા-પિતા ગુમાવી દીધા હતાં, જ્યાં અનુક્રમે 1886માં પિતા તખ્તસિંહજી અને 1888માં માતા રામબાનું અવસાન થયું હતું. ઉલ્લેખનિય છે કે, કવિના માતા-પિતાને ઝેર આપવામાં આવ્યું હતું. કલાપી બાળપણથી જ વિવિધ રાજકીય ખટપટોનો ભોગ બનતા આવેલા. આ ખટપટો તેમના અંત સુધી નડી અને તેમનું મોત પણ આવી જ રાજકીય ખટપટમાં વિષ ભેળવેલા પેંડા ખાવાથી થયું હતું.

વર્ષ 1882માં આઠ વર્ષની ઉંમરથી કલાપીએ રાજકોટની ખ્યાતનામ રાજકુમાર કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો. આ અભ્યાસ દરમિયાન કલાપીએ રાજકોટમાં ઘણું વાંચ્યું અને અહીંના અભ્યાસ દરમિયાન જ તેમની સાહિત્યપ્રીતિ પણ કેળવાઈ. અલબત્ત અભ્યાસકાળ દરમિયાન કલાપીએ કોઈ સર્જન કર્યું ન હતું. તેમના અભ્યાસ દરમિયાન જ વર્ષ 1889 કચ્છના રોહાના રાજકુમારી રમાબા અને કોટડા સાંઘાણીનાં કુવરી આનંદીબા સાથે તેમના ખાંડા લગ્ન લેવાયા. કલાપીના લગ્ન દરમિયાન પણ કવિના પટ્ટરાણી માટે પણ રાજકીય રમત રમાઈ હતી. જો કે એ બધી વાતો અહીં અસ્થાને છે. કલાપી જે સમયમાં જીવતા હતા એ સમયમાં ભારતભરમાં અંગ્રેજોની પકડ અત્યંત મજબૂત થઈ ગઈ હતી, જેમનો પ્રભાવ ભારત-સૌરાષ્ટ્રના રજવાડાં પર પણ વર્તાતો હતો. અંગ્રેજોએ તે સમયે ઘડેલા કાયદા મુજબ કલાપી જ્યાં સુધી એકવીસ વર્ષના નહીં થાય ત્યાં સુધી તેઓ લાઠીની રાજગાદીઓ આરૂઢ થઈ શકે એમ ન હતું. વળી, અંગ્રેજોએ એક નિયમ એ પણ ઘડયો હતો કે કોઈપણ રાજકુમારે સત્તારૂઢ થયાં પહેલા એકવાર સમગ્ર ભારતનો પ્રવાસ કરવો અત્યંત જરૂરી હતો.

અંગ્રેજોનો આ નિયમ યુવાન સૂરસિંહજીને ભારે ફળ્યો કારણ કે ભારતદર્શન દરમિયાન તેમની આંતરિક ચેતનાનો ભારે વિકાસ થયો હતો. એમાંય તેમના કાશ્મીરના પ્રવાસ દરમિયાન ત્યાંના વાતાવરણ અને ચોમેર ફેલાયેલી કુદરતથી પ્રભાવિત થઈને કલાપીએ તેમના ગુરુને પ્રવાસવર્ણન કરતા લાંબાં પત્ર લખ્યાં. સાહિત્યના જાણકારો અને સંશોધકો આ બાબતે કલાપીનું પદ્ધતિસરનું સાહિત્ય સર્જન માને છે, જ્યારબાદ જ કલાપીએ મબલક સાહિત્ય સર્જન કર્યું હતું.

હવે આવીએ કલાપીની કેફિયત પર. જાણકારો કહી રહ્યા છે કે, કલાપીને તેમના પત્ની રમાબા અને તેમના દાસી મોંઘી (જેમને પાછળથી કલાપીએ પોતાની પ્રિયતમા તરીકે ઓળખાવ્યા હતા અને કવિએ તેમને શોભના નામ પણ આપ્યું હતું.) પાસેથી લખવાની ઘણી પ્રેરણા મળી હતી. કલાપીના સાહિત્ય અને તેમના જીવન પર તલસ્પર્શી અભ્યાસ કરનારા અને કલાપીથી અત્યંત પ્રભાવિત એવા મુંબઈના રહેવાસી રાજેશ પટેલ જણાવે છે કે, 'કલાપીને આવેશ આવે એટલે તેઓ માત્ર ત્રણ મિનિટમાં કવિતા કે ગઝલ લખી નાંખતા. મજાની વાત એ છે કે કલાપીની તમામ રચનાઓ છંદબદ્ધ હોય છે.'

રાજેશ પટેલ તો અમને એમ પણ જાણકારી આપે છે કે, વલી પછી ગુજરાતી સાહિત્યમાં કલાપી બીજા એવા કવિ છે, જેમણે ગુજરાતીમાં ગઝલ લખી હોય. ગઝલ જેવા અન્ય ભાષાઓમાં પ્રચલિત સાહિત્ય પ્રકારોને કલાપી ગુજરાતી અત્યંત અસાનીથી લાવી શક્યા એની પાછળનું કારણ એ જ હતું કે, કલાપી ગુજરાતી, હિન્દી ઉપરાંત ફારસી, અંગ્રેજી અને સંસ્કૃતનું ઉંડું વાંચન ધરાવતા હતાં. એક સંદર્ભની વાત માનીએ તો કલાપીએ વિવિધ ભાષાના પાંચસોથી વધુ પુસ્તકોનું વાંચન કર્યું હતું. કલાપીને લગતી બીજી મહત્ત્વની વાત એ કે, આજે ગુજરાતમાં જે 'ગુજરાતી સાહિત્ય પરિષદ'નું અસ્તિત્વ છે એનો મૂળ વિચાર કલાપીના ફળદ્રુપ મનની ઉપજ હતો. કલાપી વર્ષોથી એવું ઈચ્છતા હતા કે તેમને તેઓ ગુજરાતભરના સાહિત્યકારોને લાઠમાં બોલાવીને એક અધિવેશન બોલાવે અને એ તમામ સાહિત્યકારોનું સન્માન કરે.

આ માટે ગોવર્ધનરામ ત્રિપાઠી ('સરસ્વતિચંદ્ર' વાળા!)એ આખી સંકલ્પના તૈયાર કરી હતી, જે પાછળથી પરિપૂર્ણ પણ થઈ હતી. આ કારણે જ કલાપીના અવસાન (વર્ષ 1900) પછી વર્ષ 1903માં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશ લાઠીમાં જ ભરાયું હતું. આજે ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય પરિષદે જે વિકાસ કર્યો છે તેનો પૂરો જશ કલાપીને જ આપવો પડે. કલાપી ગુજરાતના એક માત્ર એવા કવિ છે, જેમના પુસ્તકોની એકવીસ એકવીસ આવૃત્તિઓ થઈ છે. આ કવિના ઘટનાપ્રચુર જીવન પર ગુજરાતીમાં નાટક ('રાજવી કવિ કલાપી') જ નહીં પરંતુ ગુજરાતી ફિલ્મ પણ તૈયાર થઈ છે. કલાપીના ચાહકો કહે છે કે, કવિનું ભલે નાની વયે અવસાન થયું હોય પરંતુ ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી કલાપીની રચનાઓ જીવવાની. એનો અર્થ એ જ થાય કે આપણી ભાષા તો અમર રહેવાની એટલે કલાપીનું સાહિત્ય પણ અમર રહેવાનું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp