દિલીપ ઝીંઝુવાડીયાની બેનમૂન કલાકૃતિનો તાજ 9 વર્ષે બન્યો

PC: khabarchhe.com

બેનમૂન તાજ મહલની કલાકૃતિ બનાવનાર દિલીપ ઝીંઝુવાડીયા કહે છે કે, ‘મેં તાજમહેલ ક્યારેય જોયો નથી. ફોટોમાં જોયો હતો. છતાં તાજ મહેલ બનાવી આપ્યો છે. તાજની તમામ વસ્તુ આબેહુબ બની છે. ક્યાંય બેલેન્સ તૂટતું નથી. હું ઈશ્વરની ભક્તિ કરતો નથી, પણ ભગવાન મારી સાથે રક્ષા કરે છે. પ્રેમની ભાષા તાજ મહાલમાં છે, તેવી ભાષા મારી કલામાં બોલે છે.’

તેમણે મિનિ તાજ મહેલની કલાકૃતિ બનાવી છે. આ એક મેટલ આર્ટ છે. ખરા અર્થમાં તે બેનમૂન છે. તેના જેવી કૃતિ કોઈ બનાવી શકે તેમ નથી. હવે ફરીથી દિલીપ ઝીંઝૂવાડીયાને આવી જ કલા કૃતિ બનાવવાનું કહેવામાં આવે તો તે પણ બનાવી શકે તેમ નથી. એવી આ અદભુત કલા કૃતિ છે. તાંબા પર બનેલી આ કલા કૃતિનું વજન 120 કિલો છે. એક પુસ્તકમાંથી નકલ કરીને આયાત લખી છે. 8 દરવાજા છે. જેની કોતરણી એટલી અદભુત અને બારીક છે કે આવું કામ દુનિયામાં કોઈ કરી શકે તેમ નથી.

2015થી 2018મા તાજમહેલ બનાવ્યો હતો. કૂલ 9 વર્ષ લાગ્યા છે. તેનું કામ 2018માં સપ્ટેમ્બરમાં પૂરું કર્યું છે. તેમના જેવું કામ બીજું કોઈ કરી શકતું નથી. ખંત અને એકાગ્રતા આ કામ માટે જોઈએ તે કઈ રીતે મેળવાતાં હતા તે એક આશ્ચર્ય છે. અતિ સૂક્ષ્મ કામ કરેલું છે. આખા તાજ મહેલના કૂલ 21 ભાગ કર્યા છે. એટલા મજબૂત છે કે તૂટી શકે તેમ નથી.

કુરાનની આયાતની કલા

2009થી કુરાનની આયાત 8 દરવાજા પર કોતરીને બનાવવાનું શરૂ કર્યું જે 2015 સુધી આયાત બનાવવાનું ચાલ્યું હતું. કુરાનની આયાતના 8 દરબાજા છે. એવું મૂળ તાજમાં પણ છે. તેઓ આયાતો લખવા રાતના 12થી સવારે 5 વાગ્યા સુધી કામ કરતાં હતા, તેમને એક મુસ્લિમ તરફથી એવું કહેવામાં આવ્યું હતું. દિવસે ક્યારેય કુરાનની કોતરણી કરી નથી. આરીથી જમણી સાઈડથી લખવાનું ચાલુ કર્યું હતું.

ઘણાં મુસ્લિમ લોકોએ તેમણે કોતરેલી આયાત વાંચી છે. એક મુસ્લિમ કુરાન વાંચી ગયા તેમણે કહ્યું હતું કે, આ તાજમહાલની કોઈ કિંમત નાણાંમાં કરતાં નહીં. અમૂલ્ય છે. તે એટલી અદ્દલ છે કે મૂળ આયાત જેવી છે અને તેમાં કોઈ ભૂલ નથી. અમદાવાદ હાટ પર મુસ્લિમ દ્વારા આયાત વાંચવામાં આવી હતી. તેમણે તે મંજૂર કરી હતી. અઢી કલાક વાંચી તેમણે પ્રમાણિક કરી હતી.

કાર્વિંગ માટે કયા સાધનો વપરાયા

કોઈ હથિયાર નહીં માત્ર પાના, ડ્રીલ અને આરીથી જ કામ કર્યું છે. સૌથી અગત્યનું તેના હોલ કરવા ડ્રીલ પાના હતા. આવા 1500 પાના વપરાયા છે. એક પાનની કિંમત રૂ.6.50 હતા. 80, 60, 30 સાઈઝના પાના છે. જર્મની બનાવટના પાના છે. આરી કટીંગ કામ છે. સોલ્યુશનની 40 બોટલ વાપરી છે. કોઈ મશીનનો ઉપયોગ થયો નથી.

અદભુત હેન્ડિક્રાફ્ટ હસ્તકલા

કાર્વિંગથી આરી કટીંગ છે. હોલ પાડીને તેમાં આરીથી કટીંગ કરવું પડે છે અને તેથી કાર્વિંગ થાય છે. તાજમહેલમાં 22 ગેઝનું આરી કટીંગ કર્યું છે. જે કોઈ પણ વ્યક્તિ આરીથી કરી ન શકે. તે માટે ધીરજ જોઈએ. એકાગ્રતા જોઈએ. કોપરમાં આરી કટીંગ કરવું મુશ્કેલ છે. કોપર પર લેઝરથી ક્યારેય કટીંગ થઈ શકશે નહીં. આજે પણ કોપરમાં લેઝર કટીંગ થઈ શકતું નથી. એક્રેલીક અને કોપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરનો દેખાવ કોપર છે અંદર લાઈડ એક્રેલીક છે. સંપૂર્ણ હેન્ડિક્રાફ્ટ છે. ત્રણ જ હથિયારથી તેમણે બેનમૂન કલાકૃતિ બનાવી છે.

ફરી આવો તાજ નહીં બને

દિલીપ ઝીંઝુવાડીયા કહે છે કે, ‘મેં આ કરી નાંખ્યું. હવે આ જ બનાવવું હોય તો હું ન બનાવી શકું. તાજમહાલ બનેલો ત્યારે એક ભાઈ આવેલાં અને તેમણે કહ્યું કે તમારા હાથ કાપી નાંખવામાં આવેલાં તેથી તમે આજે તે બનાવી રહ્યાં છે. કેટલાંક લોકોએ આ અંગે ભવિષ્ય ભાખેલું હતું. 8 દરવાજામાં મારીથી એક ભૂલ થઈ છે. વાળ જેટલી જ તે એક માત્ર ભૂલ છે. જે કોઈ શોધી શકે તો પણ તેમને કહીશ કે તેને કુરાન વાંચતા આવડે છે. મારી અપેક્ષા પુરી થશે તો હું તાજમહાલ વેચીશ નહીં. મારી કલા અહીં મૂકીશ છે. હોલ સેલ કામ હું કરી શકતો નથી. એક જ વસ્તું બનાવું પછી તેના જેની બીજી વસ્તુ ન બનાવી શકું. પહેલાથી જ આવું કરતો આવ્યો હતો. કોઈ જે કંઈ કહે તે બનાવી આપી શકું છું. એ મારો શોખ છે.’

દિલીપ ઝીંઝુવાડીયાના ગુરુએ 2001માં કહેલું કે તે એક અનેરી વસ્તુ બનાવશે. જે 2009માં સ્વપ્ન પૂરું થયું હતું. આમ તો તેમના પ્લાનિંગ પ્રમાણે 2021માં તાજ મહાલનું કામ પૂરું થવાનું હતું. મોગલ બાદશાહ શાહજહાંને તાજ બનાવતાં 1650થી 1658 વર્ષ થયા હતા. પણ દિલીપ ઝીંઝુંવાડીયાને તે જ તાજમહાલ જેવી અલભ્ય કલાકૃતિ એકલા હાથે બનાવતાં 9 વર્ષ થયા છે.

અમૂલ્ય કે રૂ.100 કરોડ મૂલ્ય

રૂ.5થી 5.50 લાખનો ખર્ચ તાજમહાલ બનાવવામાં થયા છે. તાજની કલાકૃતિની રૂ.100 કરોડની કિંમત આંકવામાં આવી છે. સુવર્ણકાર સંઘના એક હોદ્દેદારે આવું કહ્યું હતું. ગુજરાત સ્વર્ણકાર સંઘના અધ્યક્ષ દિલીપ રાણપુરા, મહાસચિવ રમણીકભાઈ પારેખ અને રતિભાઈ સોનીએ લેખિત આપ્યું છે કે, આર્ટિસ્ટ દિલીપ ઝીંઝુવાડીયાનો તાજ જોવા માટે આગ્રાની જેમ કલાપારખું અમદાવાદ આવશે. તાજની કલાકૃતિ માટે અનેક ખિતાબ મળશે એવું કામ તેમણે કહ્યું છે. રૂ.100 કરોડના અધિપતિ હશે. તે બધા સુવર્ણકારો કરતાં દિલીપ ઝીંઝુવાડીયા શ્રીમંતાઈ ધરાવે છે. કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગમાં આઈ. ખાન અને સી જે પટેલ ઉદ્યોગભવનમાં અધિકારી હતા. તેમના પ્રોત્સાહનાના કારણે આ કામ થઈ શક્યું હતું.

સીદ્દી સૈયદની જાળી

સીદ્દી સૈયદની જાળી જેવી જ આબેહુબ જાળી તેમણે તાંબાની ધાતુ પર બનાવી છે. અસલ જેવું જ નકશી કામ કરવું અત્યંત મુશ્કેલ છે. આ કામ માટેનો રાષ્ટ્રીય એવોર્ડ અને. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ મળેલા છે. 8-10 ઈંચના 18 ગેજના તાંબાના પતરા પર આરીકટીંગથી વેરીને બેનમૂન સીદ્દી સૈયદની જાળી બનાવી છે. જે અસલ જાળી કરતાં પણ સુંદર દેખાય છે. આ જાળી બનાવવા માટે તેમને પાંચ મહિનાનો સમય લાગી ગયો હતો. શિલ્પ ગુરુ અને માસ્ટર ક્રાફ્ટ પર્સન તરીકે એવોર્ડ સીદ્દી સૈયદની જાળી માટે મળેલો છે.

વર્ડ સ્મોલેસ્ટ ફાઉન્ટન પેન અને બોલ પેન

દુનિયાની સૌથી નાની ફાફન્ટન પેન અને બોલ પેન બનાવવાનો લીમ્કા બુક, ઈન્ડિયા બુક અને યુનિક વર્ડ રેકર્ડ થયેલો છે. આ પેનની લંબાઈ 1 ઈંચની છે. સોના ચાંદીના મિશ્રણ વાળી આ પેન છે. જાડાઈ 18 ગેજ છે. તેમાં નીબ નાંખીને શાહી ભરીને લખી શકાય છે.

મિનિયેચર ગાંધી

ગાંધીજીનું વ્યક્તિત્વ અને વિચાર તેમને ગમે છે. તેથી ઘણાં વર્ષો સુધી સાબરમતી આશ્રમ તેઓ જતાં હતા. ત્યાંથી તેમને પ્રેરણા મળતી રહે છે. તેમણે ગાંધીજી અંગે કેટલીક કલા કૃતિ બનાવી છે. ગાંધીજીનો ચરખો, ઉભો ચરખો, ગાંધીજી જાતે બનાવીને પહેરતાં હતા તેવા મિનિ ચપ્પલ, લાકડી અને ચશ્મા આ પાંચ મિનિએચર બનાવ્યા છે. આ તમામ વસ્તું ચલાવી શકાય છે. જે ગાંધી આશ્રમને રાજ્યપાલના હાથે ભેટ આપી દીધી છે. સાબરમતી આશ્રમના હ્રદય કુંજ, નાના ચરખા બનાવ્યા છે. મીરા કુટીર અદભુત રીતે બનાવ્યા છે. ગાંધીજી જે રીતે 11 ભાષામાં સહી કરતાં હતા તેની આબેહુબ કલાકૃતિ બનાવી છે. ઘણાં એન્ટીક પીસ તેમની પાસે છે. અમુક જાહેર કર્યા નથી.

સોની આર્ટ ગેલેરી બનાવવી છે

આર્ટ ગેલેરી બનાવવાનું તેમનું સ્વપ્ન છે. દુનિયા યાદ કરે એવી ગુજરાતના સોની કામની કલા અહીં રાખવામા આવશે. એફિલ ટાવર સોનાનો બનાવીને અહીં મૂકવામાં આવશે. તેઓ હવે માત્ર સોનાનું જ કામ કરશે, જે આ આર્ટ ગેલેરીમાં જોવા મળશે. આ ગેલેરી ગુજરાતની શ્રેષ્ઠ મેટલ આર્ટ ગેલેરી હશે. સોનીના પુરાણા સાધનો રાખવામાં આવશે. તેમને સોનાની વસ્તુ બનાવતાં તાર પટ્ટીની એક જ વસ્તુની જરૂર પડે છે. બાકીની કોઈ ચીજની જરૂર પડશે નહીં. અતુલ્ય કલા બનાવી ને આ ગેલેરીમાં રાખશે. ગુજરાત સરકાર પોતે અહીં આર્ટ ગેલેરી જોવા મોકલશે. કલા પારખું દુનિયામાંથી આવશે. લાઈવ ઘરેણા અહીં બની શકશે. અહીં વીંટી બનતી હશે જે પાલીસ વગરની હશે. જે એટલી સુંદર બનશે કે તેને પાલીસ કરવાની જરૂર નહીં પડે. એન્ટીક વર્ક અહીં જ થશે.

મેટલ આર્ટિસ્ટ, દિલીપ ઝીંઝુવાડીયાનો પરિચય

બચપણ અને શિક્ષણ

મૂળ હળવદના સોની જયંતિલાલ ચમનીલાલના બીજા નંબરના 60 વર્ષના પુત્ર દિલીપ ઝીંઝુવાડીયાનો જન્મ 1958માં થયો હતો. 10 ધોરણ ભણીને 1975માં રાજકોટ ખાતે હુન્નર શાળામાં સોની કલાની કામગારી જેવી કે છોલ, નકશી કામ, બંગડી કટીંગ, આરી કટીંગની તાલીમ 6 મહિના લીધી હતી. જે ત્રણ વર્ષે શિખી શકાતું હોય છે. આરી કટીંગ 24 કલાકમાં શિખી ગયા હતા.

રાજકોટમાં સોની કામ શરૂ કર્યું, અમદાવાદ ફળ્યુ

રાજકોટમાં જ તેમણે સોનાની કામગીરી શરૂ કરી હતી. તેમના પિતાની બદલ અમદાવાદ થતાં તેઓ 1978માં અમદાવાદ આવ્યા હતા. નાનપણથી જ પોતાની આગવી કારીગરી દ્વારા કંઈક નવું કરવાની નેમ રહી છે. ધંધાને તેમણે કલાના શોખમાં ફેરવી દીધો છે. શ્રેષ્ઠ કરવું એ જ તેમની કાયમ ધુન રહી છે. આખા અમદાવાદમાં તેમની આગવી ઓળખ છે. કોઈ ન કરી શકે તે જ કામ કરવું તે તેની પ્રાથમિકતા રહી છે. તેમણે બનાવેલી અદભુત વીંટી આજે પણ લોકો યાદ કરે છે.

ઓસ્ટ્રેલિયા સામે પડકાર ફેંક્યો

તેઓ ઓસ્ટ્રલિયા સોની કામ માટે બે વર્ષ માટે ગયા હતા. વિઝા લંબાવી આપવામાં આવ્યા નહીં. વધું સરકારે તેમને વિઝા આપવાની ના પાડી હતી. તેઓ શાળા સુધીનું જ શિક્ષણ મેળવેલું હોવાથી તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, ડીગ્રી વગરના લોકોને કામ આપતાં નથી. ત્યારથી તેમણે નક્કી કર્યું હતું કે તે ઓસ્ટ્રેલિયન સરકાર સામે એવું કંઈક કરી બતાવશે કે જેની નોંધ સમગ્ર દુનિયા લેશે. આજે તેમણે જાત બનાવી દીધો છે.

1980થી સોની કામ

અમદાવાદમાં સોનીનું કામ 1980થી 2001 સુધી 20 વર્ષ કર્યું હતું. વીંટી સારી બનાવતા હતા. ડાયમંડ સેટીંગ અને વીંટી તથા એન્ટીકનું પણ કામ કરતાં હતા. ઓફ સીજી રોડ પંજાબી હોલ પાસે 1995થી 1998માં સુવર્ણકલા કોમ્પલેક્સ બનાવવામાં આવ્યું હતું. શહેરમાં વારંવાર કોમી તોફાનો થતાં હતા તેથી આ કોમ્પલેક્ક્ષ બનાવ્યું હતું. કારીગરોને અહીં લાવવામાં આવ્યા હતા. સોનીઓ તે ચલાવે છે. પ્રવિણ પાટડીયા તેના ચેરમેન છે. એનટીસીથી બનેલું છે. નફાનુકસાન વગર તે બન્યું હતું. સુવર્ણકલા એવન્યું એશોસિશન દ્વારા તે કોપ્લેક્ક્ષ બનાવાયું હતું.

વીંટીમાં માસ્ટર

વીંટી તેઓ જે બનાવતાં તેના જેવી હાલ પણ કોઈ બનાવી શકતા ન હતા. ઘનમેટલ વીંટી બનાવવાની તેમની માસ્ટરી હતી. કાચબાની વીંટી બનાવી હતી. વીંટીનો જમાનો વૈભવશાળી રહ્યો હતો. કોઈ વીંટી ત્રણ થી ચાર કલાકમાં તેઓ બનાવી શકતા હતા. પાંચ હજાર રોજના કમાઈ લેતાં હતા.

સોનીનું કામ મેણું મારતાં છોડ્યું

દિલીપ ઝીંધુવાડીયા લાગણીશીલ વ્યક્તિ છે. તેની સામે કોઈ ખોટું કરતાં હોય તો તે ક્યારેય સહન કરી શકતાં નથી. પોતાના વ્યવસાયમાં હંમેશા પ્રમાણિક રહ્યાં છે. એક સાચો કલાકાર જીવ તેમની અંદર છે. સોની કામ 2001-02માં આવા એક કારણસર છોડી દીધું હતું. સોની પોતાની દિકરીને પણ સોનાની છેતરપીંડીમાં ન છોડે. એવું એક ગ્રાહક તેમને કહી ગયા હતા. ત્યારથી સોની કામ છોડી દીધું હતું. જે આજ સુધી કર્યું નથી. હવે આર્ટ ગેલેરી બનાવવા માટે સોની કામ ફરીથી શરૂ કરવાના છે. તેમણે અનેક ઉગતા કલા-કારીગરોને તૈયાર કર્યા છે. અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પોતાની કલા શિખવી છે.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp