નર્મદા કેનાલના ભ્રષ્ટાચાર સામે પગલાં ભરો

PC: connectgujarat.com

બનાસકાંઠામાં પૂર કરતાં નર્મદા મુખ્ય કેનાલોમાં વ્યાપક પ્રમાણમાં પડેલાં ભંગાણ કે ધોવાણથી સર્જાયેલી તબાહી માટે ભાજપ સરકાર સીધી જવાબદાર છે.

બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિથી સર્જાયેલી ભારે તારાજીમાં બનાસ નદીનાં પૂર કરતાં નર્મદા મુખ્ય કેનાલમાં વ્યાપક પ્રમામમાં પડેલાં ભંગાળ અને ધોવાણથી અનેક માનવ-પશુ મૃત્યુ સહિતની સર્જાયેલી તબાહી માટે ભાજપ સરકાર જ જવાબદાર હોવાનો સીધો આરોપ મુકતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, આ કેનાલોમાં હલકી ગુણવત્તા સાથે ભ્રષ્ટાચાર કરી ગુનાહીત બેદરકારી દાખવનાર તત્કાલીન મુખ્યમંત્રી, નર્મદા મંત્રી, નર્મદા નિગમ અને કોન્ટ્રાક્ટર સામે ન્યાયિક તપાસ કરાવવા માંગણી કરી છે.

ભાજપ સરકારનાં મુખ્યમંત્રી સહિત અડધા મંત્રીમંડળે પાંચ દિવસ બનાસકાંઠા, પાટણ જિલ્લાનાં પૂરપિડીતો સાથે રહેવાનો કરેલો નિર્ણય માત્ર રાજકીય સ્ટંટ છે. વાસ્તવમાં ડેમ કે બનાસ નદીનાં પૂર કરતાં નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડાં પડવા સાથે વ્યાપક પ્રમાણમાં થયેલાં ધોવાણથી અરેરાટીભરી તારાજી સર્જાઈ છે. સેંકડો માનવ મૃત્યું અને હજારો પશુધનનાં મોત સહિતની સર્જાયેલી તબાહી માટે ભાજપ સરકાર જ જવાબદાર હોવાનું જણાવતાં તેમણે પ્રશ્ન કર્યો છે કે, 32 કિલોમીટરનાં પટ્ટામાં અડધો ડઝન ઠેકાણે ગાબડાં પડવા સાથે પાંચ – દસ કિલોમીટર સુધી નર્મદા મુખ્ય કેનાલનું નામોનિશાન કેવી ગુણવત્તાનાં કારણે મટી ગયું… ? તળીયાં સાથે જમીનદોસ્ત થઈ ગયેલી અહીંની નર્મદા કેનાલમાં 300 કરતાં વધારે નાના-મોટાં ભંગાણો પડવા સાથે હજુ પાણીમાં ગરકાવ કેનાલોમાં નુકસાનની તો ગણતરી જ થઈ શકી નથી.

નર્મદા યોજનામાં ડેમનાં દરવાજા બંધ કરીને હરખપદુંડી થઈ ગયેલી ભાજપ સરકારે 20 વર્ષમાં નર્મદાની પેટા કેનાલોનાં નેટવર્કની કામગીરી પૂર્ણ નહીં કરીને ખેડૂતો સાથે અન્યાય કરવા સાથે પ્રજાને પીવાનાં પાણીથી વંચિત રાખી છે. આ ઉપરાંત ભાજપ સરકારે જ્યાં પણ કેનાલો બનાવી છે તેમાં ઠેર ઠેર ગાબડાં પડવાનાં બનાવ વારંવાર બની રહ્યાં છે. જે પૂરવાર કરે છે કે, ભાજપ સરકારે ગુનાહીત બેદરકારી દાખવી તેમનાં મળતીયાંઓને આપેલાં કામમાં ખૂબ જ હલકી – ગુણવત્તાવાળું બાંધકામ કરી માનવીઓને મોતને ઘાટ ઉતારવા સાથે ખેડૂતોની ખેતી – જમીનનું નામોનિશાન મિટાવી દીધું છે. સને 2000નાં વર્ષ પહેલાંની કેનાલો સલામત છે ત્યારે 2004-05 અને તે પછી નર્મદા કેનાલોમાં પડી રહેલાં ગાબડાઓ, ભંગાણ અને ધોવાણ માટે ન્યાયિક તપાસ પંચ નીમી જવાબદાર ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં ભરવાં જોઈએ. આ ઉપરાંત સેંકડો માનવ મૃત્યુ માટે જવાબદારો સામે માનવ અધિકાર પંચને પણ તપાસ કરવા તેમણે માંગણી કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp