કરપ્શન સામે લડતી 8 સંસ્થાઓ લાકડાની તલવાર

PC: indianexpress.com

ભારતમાં ભ્રષ્ટાચાર સામે લડતી આઠ જેટલી માતબર સંસ્થાઓ નખ અને દાંત વિનાના સિંહ જેવી છે. ગરજે છે પરંતુ વરસતી નથી. ઝીરો ટોલરન્સ એટલે કે સહેજ પણ ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાની નિતીના છોડીયા ઉડી રહ્યાં છે. રાજનેતાનું નામ આવે એટલે ફાઇલ બંધ થઇ જાય છે. વગદાર ઓફિસરનું નામ ખુલે એટલે ફાઇલ પર પેન્ડીંગ લખવામાં આવે છે. મોટાભાગના ફરિયાદો સામે તપાસ શરૂ થાય તે પહેલાં જ બઘું સગેવગે થઇ જાય છે, કારણ કે તપાસ કરતી એજન્સીમાં પણ ફુટેલા કર્મચારીઓ હોય છે જે બાજી બગાડી નાંખે છે.

ભારતમાં ભ્રષ્ટાચાર સામેની લડતનું નેતૃત્વ 1. પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ, 2. સ્વતંત્ર સેન્ટ્રલ વિજીલન્સ કમિશન, 3. કોમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ, 4. જજીસ (ઈન્ક્વાયરી) એક્ટ, 5. લોકપાલ અને લોકાયુક્ત એકટ 2013, 6. વ્હિસલ બ્લોઅર્સ પ્રોટેકશન એકટ- 2011, 7. પ્રિવેન્શન ઓફ મની/લોન્ડરીંગ એકટ અને 8. બેનામી આર્થિક વ્યવહાર (નિયંત્રણ) ધારા જેવા વૈધાનિક માળખા દ્વારા ચાલી રહ્યું છે. આ કાયદા હેઠળ ગૂનાખોરી અને લાંચ-રૂશ્વતના અનેક ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. તમામ સનદી અધિકારીઓને તેમની મિલકતો વાર્ષિક ધોરણે જાહેર કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ દરેક ચૂંટણી વખતે પોતાની મિલકતો જાહેર કરવાનું ફરજીયાત બન્યું છે, જો કે તેમાં આવકનો સ્ત્રોત સમાવવામાં આવ્યો નથી.

સરકારે કાળું નાણું અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે ઊંચા મૂલ્યની ચલણી નોટો નાબૂદ કરવા જેવા પગલાં લીધા છે પરંતુ તેમાં કાળું નાણું બહાર આવ્યું નથી. જેટલી નોટો બંધ કરી તેટલી નોટો જમા થઇ ગઇ છે. સરકારે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે પરંતુ તેનો હેતુ બર આવતો નથી. સ્વીસબેન્કમાં ભારતનું એટલું બઘું કાળું નાણું છે કે પાછું મેળવવામાં આવે તો પ્રત્યેક નાગરિકના બેન્ક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા જમા કરાવી શકાશે તેવું હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી વખતે ભાષણોમાં કહ્યું હતું પરંતુ વિદેશી એજન્સીઓ કે બેન્કો ભારતના સહકાર આપતી નથી.

જનધન યોજના કે આર્થિક બાબતોમાં મોદી સરકારે જાહેર કરેલી અન્ય યોજનાઓનો જોઇએ તેટલો ફાયદો થયો નથી. કાળું નાણું ભારતમાં પણ છે. તેને બહાર કાઢવા માટે સરકાર દ્વારા પ્રયાસો થાય છે પરંતુ સબંધો આડા આવે છે. સરકારની ટીકા કરતા લોકોને સકંજામાં લેવાય છે પરંતુ તે વ્યક્તિ સરકારના ગુણગાન ગાય એટલે તેની સામેની તપાસ ઢીલી કરી દેવામાં આવે છે. કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાએ વિદાય લઇને ભાજપના વખાણ શરૂ કર્યા ત્યારે તેમની સામે સીબીઆઇની ઇન્કવાયરી બંધ કરી દેવામાં આવી છે.

સરકાર મધ્યસ્થ તકેદારી પંચ (Central Vigilance Commission-CVC) મારફતે ભ્રષ્ટાચાર અટકાવવાની કામગીરી કરી રહી છે. સરકાર સીવીસી મારફતે કેટલાક પ્રતિબંધક કદમ ઉઠાવવામાં આવ્યા છે. આવા કદમમાં સરકારી ઈ-માર્કેટ (GEM) દ્વારા જાહેર ખરીદી, જવાબદેહિતા અને પ્રમાણિકતામાં સુધારો કરવામાં સહાય મળી છે. રાજ્યોમાં પણ તકેદારી આયોગની રચના કરવામાં આવી છે પરંતુ તેમાં પુરતો સ્ટાફ ન હોવાથી સમયસર તપાસ થઇ શકતી નથી.

સરકારી કામકાજમાં પારદર્શકતા લાવવા માટે નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવ્યા છે. આવા પ્રયાસોમાં રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ (RTI) એ હક્ક આધારિત કાયદો છે અને તેના દ્વારા દેશના વહિવટમાં નાગરિકોની મજબૂત ભાગીદારી ઊભી કરવામાં આવી છે. માહિતી મળવાને કારણે નાગરિકો નિર્ણય કરવાની પ્રક્રિયાનો હિસ્સો બન્યા છે પરંતુ હવે એનડીએ સરકારમાં આરટીઆઇનો કાયદો બુઠ્ઠો બન્યો છે. મોટાભાગના કેસોમાં કોઇને કોઇ બહાને માહિતી આપવામાં આવતી નથી.

વ્હિસલ બ્લોઅર્સને કાનૂની સુરક્ષા પૂરી પાડવાના હેતુથી સરકારે વ્હિસલ બ્લોઅર્સ એકટમાં બે વર્ષ પહેલાં સુધારા કર્યા છે. આ સુધારાઓમાં દેશની અખંડતા અને એકતાને પૂર્વગ્રહયુક્ત અસર કરી શકે તેવી જાહેર સુરક્ષા અને માહિતી જાહેર કરવા સામે મજબૂત સુરક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં બેનામી ટ્રાન્ઝેક્શન્સ (પ્રોહિબિશન) એકટ- 1988માં સુધારા કરીને આવકવેરા અધિકારીઓને બેનામી મિલકતો જપ્ત અને કબજે કરવાની સત્તા આપવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને સક્ષમ અદાલત દ્વારા બેનામી આર્થિક વ્યવહાર કરવા બદલ ગૂનેગાર જાહેર કરવામાં આવે તો તેને જેલની આકરી સજા થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. સુધારેલો કાયદો અમલમાં આવ્યા પછી કેટલાક બેનામી આર્થિક વ્યવહારો ઓળખી કાઢવામાં આવ્યા છે, જો કે આ બઘું મંથર ગતિએ ચાલે છે.

ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો પહેલાં ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ સામે પગલાં લઇને સફાઇ શરૂ કરવી જોઇએ. ગુજરાતમાં તકેદારી આયોગ છે. લોકાયુક્ત છે. એન્ટી કરપ્શન બ્યુરો છે. સીબીઆઇની કચેરી છે. ઇન્કમટેક્સ અને ઇડીની ઓફિસો છે પરંતુ ભ્રષ્ટાચારના કેસોમાં તપાસ કરવાની થાય છે ત્યારે મેનપાવરનો અભાવ જોવા મળે છે. નાના નાના કર્મચારીઓને પકડતી આ સંસ્થાઓ મોટા મગરમચ્છ સામે પગલાં લઇ શકતા નથી. ગુજરાતમાં કેટલું કાળું નાણું છે તે આજદિન સુધી શોધી શકાયું નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp