ગુજરાતના IAS ઓફિસરો બદલીના રડારમાં, મોટા ફેરફારો સંભવ

PC: khabarchhe.com

ગુજરાતના વહીવટી તંત્રમાં પંચાયત અને મહેસૂલ વિભાગમાં ફેરબદલ કર્યા પછી રાજ્ય સરકારે વિભાગોમાં પણ ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. સિનિયર મોસ્ટ કહી શકાય તેવા સનદી ઓફિસરોની બદલીઓ તોળાઇ રહી છે, જે આ સપ્તાહના અંત સુધીમાં થાય તેવી સંભાવના છે.

ગુજરાત સરકારે પોલીસ અને ગુજરાત વહીવટી સેવાના અધિકારીઓની સામૂહિક બદલીઓ કર્યા પછી હવે સિનિયર ઓફિસરોની ફાઇલ હાથ પર લીધી છે. મુખ્યમંત્રીના અગ્રસચિવ તરીકે નિમાયા પછી એમ.કે.દાસ પાસે વધારાના હવાલા તરીકે ઉદ્યોગ અને ખાણ વિભાગનો પણ ચાર્જ છે. તેમને આ વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવે તેમ મનાય છે.

આ ઉપરાંત સરકારના વિભાગોમાં જ્યાં વધારાના ચાર્જ છે ત્યાં તેમજ બોર્ડ-કોર્પોરેશનમાં પણ વધારાના ચાર્જ હોય તેવા અધિકારીઓને બદલાવનું નક્કી કર્યું છે. ખાસ કરીને ત્રણ કે તેથી વધુ વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની બદલી નિશ્ચિત મનાય છે, કારણ કે ભારતના ચૂંટણી પંચની સૂચના છે કે ત્રણ કે વધુ વર્ષથી એક જ જગ્યાએ હોય તેવા ઓફિસરોની ફરજીયાત બદલી કરવી.

વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને મુખ્યમંત્રી તેમના સચિવાલયના વહીવટી તંત્રમાં ફેરફારો કરી શકે છે. હાલ મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ કે.કૈલાસનાથન રજા પર છે તેઓ પરત આવે ત્યારે એટલે કે 6ઠ્ઠી પછી સનદી અધિકારીઓની બદલી તોળાઇ રહી છે.

બદલી થવાની છે તેવા સંભવિત અધિકારીઓમાં એડિશનલ ચીફ સેક્રટેરી, પ્રિન્સિપલ સેક્રેટરી અને સેક્રેટરી રેન્કના ઓફિસરો આવે છે. અધિક મુખ્ય સચિવની રેન્કમાં આવતા અધિકારીઓમાં એમ.એસ.ડાંગુર, અનિલ મુકિમ, અરવિંદ અગ્રવાલ, સુજીત ગુલાટીનો સમાવેશ થાય છે, જ્યારે પ્રિન્સિપલ સેક્રટેરીમાં રાજીવ ગુપ્તા, પી.ડી.વાધેલા, એસ.જે.હૈદર જેવા ઓફિસરો આવે છે. આ સાથે રાજ્ય સરકાર બોર્ડ-કોર્પોરેશનમાં પણ કેટલાક ફેરફારો કરી શકે છે. જો કે હજી ગુજરાતના મુખ્ય શહેરોના પોલીસ કમિશનરોની બદલીની ફાઇલ પણ પેન્ડીંગ છે. ચૂંટણીની આચાર સંહિતા આવતાં પહેલાં આ બદલીઓ થવા સંભવ છે, કેમ કે ત્યારપછી શોધી શોધીને ચૂંટણી પંચ અધિકારીઓની બદલી કરવાના મૂડમાં છે કે જેમને ગુજરાત સરકારે બદલ્યા નથી. સૌથી મોટી મુશ્કેલી ગુજરાતના પોલીસ વડાની છે, સરકારે ગીથા જોહરીને કાર્યકારી ડીજીપી બનાવ્યા છે પરંતુ આ જગ્યાએ ચૂંટણી પહેલાં ફાઇનલ પોસ્ટીંગ થવું પણ જરૂરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp