ચૂંટણીની ટીકીટ મેળવવામાં IPS અધિકારીઓ ચૂકી ગયા ગાડી

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાઇ ગયા છે અને એ તમામ યાદી પર નજર રાખીએ તો એક સમયના ત્રણ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટો ચૂંટણી લડે એવી વકી હતી, પરંતુ આ રાજકારણમાં તેમના જ એન્કાઉન્ટર થઇ ગયા લાગે છે. આ ત્રણ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટો એટલે વણઝારા, અમીન અને બારોટ.

આઇપીએસ અધિકારીઓ ડી.જી. વણઝારા, એન.કે અમીન અને તરુણ બારોટ ચૂંટણી લડવા માટે થનગની રહ્યા હતા. જો કે આ ત્રણે પોલીસ અધિકારીઓમાં વણઝારા ઇશરત જહાં કેસમાં ધરપકડ પામ્યા હતા. તેમણે જેલ મુક્તિ બાદ અનેક રેલીઓ કાઢી હતી અને એ વખત રાજકારણમાં છોછ ન હોવાના ગાણા પણ ગાયા હતા, એ વખતે એમ લાગતું હતું કે વણઝારા હવે રાજકારણમાં વહેલામોડા ઝંપલાવશે, એ જ રીતે હાલ જામીન પર મુકત વણઝારા ગુજરાતમાં આવ્યા ત્યાર પછી ટૂંકા ગાળામાં તેમણે ૫૭ જેટલી રેલીઓ કરી હતી, અને અમદાવાદના ટાગોર હોલમાં તેમનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો, જેનું નામ જ અબ તક છપ્પન હતું.

વણઝારા ઉપરાંત, એન્કાઉન્ટર કેસના અન્ય આરોપી પોલીસ અધિકારી એનકે અમીન અને તરુણ બારોટ પણ આ ચૂંટણી લડવા ઈચ્છુક હતા. તરૂણ બારોટ વર્ષોથી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે, અને તેઓ બાપુનગર બેઠક પરથી જ ચૂંટણી લડવા ઈચ્છતા હતા. તેઓ રાજકોટ પણ યશસ્વી ફરજ બજાવી ચૂકયા છે.

તરૂણ બારોટ અને એન.કે. અમીનને નિવૃત્તિ બાદ પણ સરકારે કોન્ટ્રાકટ આધારિત નિમણૂંક આપતા તેઓ ભાજપની ખૂબ નજીક હોવાની પણ ચર્ચા હતી. જોકે, આ વખતની ચૂંટણીમાં તેમનો નંબર નથી લાગ્યો. જોકે, હાલના સંજોગોમાં તો ભાજપ અને કોંગ્રેસે આ તમામ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તેમણે હજુ વધારે રાહ જોવી પડશે.

એમ લાગે છે કે ભાજપે આ ત્રણે પોલીસ અધિકારીઓને ચૂંટણી જંગમાં ઉતારીને કપરાં ચઢાણને વધુ કપરાં બનાવવાનું ટાળ્યું છે. સ્વાભાવિક છે કે આ ત્રણે અધિકારીઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવા એટલે તેમના એન્કાઉન્ટરને માન્યતા આપવા બરાબર ગણાય અને એમ કરવા જતા કેટલાક મતો અવશ્ય તુટે અને એની ખોટ ભરપાઇ કરવી મુશ્કેલ બની જાય અને એ કારણથી જ ભાજપે એ ત્રણે પોલીસ અધિકારીઓને જંગમાં ઉતારવાનું ટાળ્યું છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp