પેટ્રોલ બાદ હવે ડીઝલની સદીઃ અહીં ડીઝલ 100.05 રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે

PC: Businesstoday.com

ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી એકવાર વધારો થયો છે. ત્યાર બાદ ઈંધણનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. પેટ્રોલ-ડીઝલ વિક્રેતા કંપનીઓએ સતત બીજા દિવસે ઈંધણના ભાવ વધાર્યા છે. ઇંધણ વિક્રેતાઓના નોટિફિકેશન અનુસાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ક્રમશઃ 27 પૈસા/લીટર અને 22 પૈસા/લીટર ઉછાળો આવ્યો છે. આ પહેલીવાર છે જ્યારે ડીઝલના ભાવે 100 રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પાર કર્યો છે.

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ડીઝલ 100.05 રૂપિયા પ્રતિ લીટરે વેચવામાં આવી રહ્યું છે. બીજી બાજુ પેટ્રોલની કિંમત 107 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઇ છે. 4 મે 2021 પછી આ 24મી વાર છે જ્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. જે બાદ પેટ્રોલની કિંમત 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 6.46 રૂપિયા પ્રતિ લીટર વધી છે.

12 જૂન 2021ના રોજ 5 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ

  • દિલ્હી- પેટ્રોલ 96.12 રૂપિયા તો ડીઝલ 86.98 રૂપિયા
  • મુંબઈ- પેટ્રોલ 102.30 રૂપિયા તો ડીઝલ 94.39 રૂપિયા
  • ચેન્નઇ- પેટ્રોલ 97.43 રૂપિયા તો ડીઝલ 91.61 રૂપિયા
  • કોલકાતા- પેટ્રોલ 96.06 રૂપિયા તો ડીઝલ 89.83 રૂપિયા
  • બેંગલોર- પેટ્રોલ 99.33 રૂપિયા તો ડીઝલ 92.21 રૂપિયા

દિલ્હીની વાત કરીએ તો ત્યાં પેટ્રોલની કિંમત 95.85 રૂપિયાથી વધીને 96.12 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઇ છે અને ડીઝલની કિંમત 86.76થી વધીને 86.98 પ્રતિ લીટર સુધી પહોંચી ગઇ છે. બધા મહાનગરોમાં સૌથી મોંઘુ ઇંધણ મુંબઈમાં વેચાઇ રહ્યું છે. જ્યાં એક લીટર પેટ્રોલની કિંમત 102.30 રૂપિયા છે. તો ડીઝલ 94.39 પ્રતિ લીટર પહોંચી ગયું છે.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં અમુક સ્થાને જ્યાં વેટની ઉંચી દરોને કારણે ઇંધણની કિંમતો દેશના અન્ય રાજ્યોની તુલનામાં હંમેશા વધારે હોય છે. જણાવી દઇએ કે, રાજસ્થાન એવું પહેલું રાજ્ય છે જ્યાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 107 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ 100.05 રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે.

જોવાની વાત તો એ છે કે, દેશમાં ભારે વિરોધ હોવા છતાં પણ ફરી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. તો સરકારને જાણે કોઇ પડી જ ન હોય તેવું જણાઇ રહ્યું છે. સતત વધી રહેલા ભાવને લઇ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નથી. જેને લઇ સામાન્ય નાગરિકોમાં ઘણો રોષ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp