માત્ર સોનું જ નહીં...ચાંદીએ પણ મચાવી ધમાલ, અબજપતિએ જણાવ્યું કિંમત વધવાનું કારણ

PC: indiatoday.com

દેશમાં એક તરફ સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, તો બીજી તરફ કિંમતી ચાંદીના ભાવમાં પણ રેકોર્ડ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ ચાંદી રૂ. 1 લાખ પ્રતિ કિલોના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી હતી. એક તરફ જ્યાં તહેવારોની સિઝનમાં માંગમાં વધારો અને સોનાના ભાવમાં વધારાનો ટેકો ચાંદીને મળી રહ્યો છે, તો બીજી તરફ તેની કિંમતમાં તીવ્ર વધારા પાછળ બીજું કારણ પણ છે. ભારતીય અબજોપતિ અને વેદાંત ગ્રૂપના અધ્યક્ષ અનિલ અગ્રવાલે આ અંગે વિગતવાર ખુલાસો કર્યો છે.

સૌથી પહેલા આપણે ચાંદીના ભાવમાં ચાલી રહેલા વધારાની વાત કરીએ, તો તમને જણાવી દઈએ કે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર, ગયા શુક્રવારે 5 ડિસેમ્બરે એક્સપાયર થતા ચાંદીની કિંમત 97,269 રૂપિયા હતી. જો કે, તેની કિંમતમાં ચોક્કસ થોડો ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે ચાંદીનો ભાવ ગયા સપ્તાહે જ રૂ. 1,00,289 પ્રતિ કિલોગ્રામ તેના સર્વોત્તમ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. એક સપ્તાહમાં તેની કિંમતમાં 1866 રૂપિયાનો વધારો થયો છે. ગત 18 ઓક્ટોબરે તે રૂ. 95,403 પ્રતિ કિલો હતો.

વર્ષ 2024માં શેરબજાર અને સોના-ચાંદીના ભાવોએ નવી ઊંચાઈ હાંસલ કરી છે. હાલમાં, જો આપણે ચાંદી વિશે વાત કરીએ, તો 1 જાન્યુઆરી, 2024ના રોજ MCX પર તેની કિંમત 79,417 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 97,269 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. જો આપણે તે મુજબ ગણતરી કરીએ તો, આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 17,852 રૂપિયાનો વધારો થઇ ચુક્યો છે.

જ્યારે છેલ્લા એક વર્ષમાં ચાંદીના ભાવમાં થયેલા વધારા પર નજર કરીએ તો, તે 10-20થી નહીં પરંતુ 30,000 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે. ગયા વર્ષે ઑક્ટોબર 2023ના ત્રીજા સપ્તાહમાં ચાંદીની કિંમત 72,000 રૂપિયા પ્રતિ કિલો હતી, જે 24 ઑક્ટોબર, ગુરુવારે 1,00,289 રૂપિયા પર પહોંચી ગઈ હતી.

અબજોપતિ અનિલ અગ્રવાલે ચાંદીના ભાવમાં વધારાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને ચાંદીને ભવિષ્યનું એક મહત્વપૂર્ણ ખનિજ ગણાવ્યું છે અને તેને કિંમતોમાં વધારાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. તેમણે 24 ઓક્ટોબરે પોતાના એક ટ્વિટ (હવે X) પોસ્ટમાં લખ્યું હતું કે, 'ચાંદી ચમકી રહી છે, ભારતમાં ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ કિલોને વટાવી ગયા છે! ગત વર્ષથી માંગ પણ બમણી થઈ ગઈ છે.'

તેમણે આગળ લખ્યું કે, 'ચાંદીની માંગ માત્ર તેના પરંપરાગત ઉપયોગોને કારણે વધી નથી, પરંતુ ઔદ્યોગિક માંગ પણ મોટા પાયે વધી રહી છે. આજે, ચાંદીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં વધી ગયો છે અને તેનો ઉપયોગ નવીનીકરણીય ઉર્જા માટે સૌર પેનલમાં, ઇલેક્ટ્રિક વાહનો (EV), અદ્યતન આરોગ્યસંભાળ સેવાઓમાં અને ઇલેક્ટ્રોનિક્સ સહિત અન્ય ઘણી તકનીકોમાં કરવામાં આવે છે. આ ભવિષ્યનું નવું મહત્વનું ખનિજ છે.'

ચાંદીના ભાવમાં વધારાના કારણો પર નજર કરીએ તો, એવા ઘણા કારણો છે જેણે ચાંદીના ભાવને સમર્થન આપ્યું છે. તેમાં વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે જ્યારે સોનું ચમક્યું છે, ત્યારે ચાંદીની ખરીદીમાં પણ વધારો થયો છે. સ્થાનિક બજારમાં પણ ચાંદીની માંગમાં તીવ્ર વધારો થયો છે અને તહેવારોની સિઝનમાં તે ઝડપથી વધી છે. સોનાના ભાવમાં વધારાથી પણ ચાંદીના ભાવને ટેકો મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp