6થી 7 હજાર કરોડમાં આ મ્યૂચ્યુઅલ ફંડ હાઉસ વેચી દેવાની તૈયારી ચાલી રહી છે

PC: https://www.tatamutualfund.com

દેશની મ્યૂચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં 9મા નંબરનું સ્થાન ધરાવતી IDFC મ્યૂચ્યુઅલ ફંડના વેચાણની તૈયારી ચાલી રહી છે. IDFC બોર્ડે એની મંજૂરી પણ આપી દીધી છે. જાણવા મળેલી માહિતી મુજબ આ ફંડ 6 થી 7 હજાર કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી શકે છે.

IDFC  મ્યૂચ્યુઅલનું અસ્સેટ અંડર મેનેજમેન્ટ (AUM)  જૂન મહિનાના ત્રિમાસિક ગાળામાં 1.26 લાખ કરોડ રૂપિયા હતું. આમાં 27 હજાર કરોડ રૂપિયા ઇક્વિટીનું AUM છે. બાકીનું  AUM ડેબ્ટ અને હાઇબ્રિડ સ્કીમમાં છે. IDFC બોર્ડે આના માટે એક પેનલ બનાવી છે જે ઇન્વેસ્ટમેન્ટ બેંકરની નિમણુંકથી માંડીને તેની દરેક પ્રક્રિયાનું કામ કરશે.  રોકાણકારોના જેટલા રૂપિયા છે તેનો મતલબ AUM છે.

વર્ષ 2018માં પણ IDFC મ્યૂચ્યુઅલ ફંડ વેચી દેવાની નોબત ઉભી થઇ હતી. તે સમયે Avendus Capital Private Limited સાથે તેની ડીલ થઇ રહી હતી. પરંતુ વેલ્યૂએશન ઉંચા હોવાને કારણે ડીલ સફળ થઇ શકી નહોતી. એ પછી IDFC બોર્ડ તેના વેલ્યૂએશનને લઇને ડીલની શોધ કરી રહ્યું હતું. સાથે જ IDFC  IPO લાવવાનું પણ વિચારી રહી હતી, પણ તેની મુરાદ પુરી થઇ શકી નહી.

હકિકતમાં, IDFC મ્યૂચ્યુઅલ ફંડમાં જે સંસ્થાકીય રોકાણકારો છે તે આ ફંડમાંથી બહાર નિકળવા માંગે છે એટલે IPO દ્રારા અથવા અન્ય ડીલ માટે બોર્ડને દબાણ કરી રહ્યા છે. કેટલાંક રોકાણકારોએ IDFC બોર્ડ મેનેજમેન્ટને ડીલને લઇને સમયનો પણ ખુલાસો કરવા કહ્યું છે. નિવેશકો ઇચ્છે છે કે નક્કી કરેલા સમયમાં ડીલ થઇ જાય. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ  આ વખતે IDFC બોર્ડ કોઇ પણ રીતે વેચવાની પ્રક્રિયા પુરી કરશે.

મ્યૂચ્યુઅલ ફંડ બિઝનેસનું મૂલ્યાંકન તેના AUM પર આધારિત હોય છે. AUMની તુલનામાં 5થી 6 ટકાના વેલ્યૂએશન પર સોદા કરવામાં આવે છે. IDFC પાસે ઇક્વિટી  અને ડેબ્ટમાં સારી મેનેજમેન્ટ ટીમ છે. IDFC નફાકારક ફંડ છે. કંપનીએ માર્ચ 2021માં સમાપ્ત થયેલાં નાણાંકીય વર્ષમાં રૂપિયા 144 કરોડનો નફો કર્યો હતો. જે આગલા વર્ષની સરખામણીએ 81 ટકા વધુ હતો.

દેશમાં કમાણી કરનારા ફંડ હાઉસમાં SBI મ્યૂચ્યુઅલ ફંડ,ICICI   પ્રૂડેન્શિયલ, HDFC મ્યૂચ્યુઅલ ફંડ, નિપ્પોન ઇન્ડિયા, કોટક મહિન્દ્રા મ્યુ. ફંડ, બિરલા ફંડ એવા અનેક ફંડો છે. મ્યુ. ફંડ બિઝનેસમાં આવેલી તેજીને કારણે અનેક નવી કંપનીઓ આ બિઝનેસમાં આવી છે. એમાં ઝીરો બ્રોકરેજ ઓફર કરવા વાળી કંપનીઓમાં જેરોધા, સેમકો, નાવી અને એનજે સામેલ છે. જો કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક ફંડો વેચાઇ પણ ગયા છે. જયારે કેટલાંકની સ્થિતિ કફોડી છે.

IDFC મ્યુ. ફંડને ખરીદવામાં વર્તમાન ફંડ હાઉસોને મુશ્કેલી પડી શકે છે, કારણ કે માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો મુજબ, કોઇ પણ ફંડ એક કેટેગરીમાં એકથી વધારે સ્કીમ રાખી શકે નહી. જે ફંડ IDFC મ્યુ. ફંડને ખરીદશે તેની પાસે એ જ કેટેગરીમાં અનેક સ્કીમ થઇ જશે. પછી તેણે સ્કીમને મર્જ કરવી પડી એટલે ખરીદનાર ફંડ હાઉસને મુશ્કેલી ઉભી થઇ શકે.

દેશની મ્યુ. ફંડ ઇન્ડસ્ટ્રીઝ ખાસ્સી ગ્રોથ કરી રહી છે. છેલ્લાં 10 વર્ષમાં 7 ગણી વૃધ્ધિ થઇ છે. 2016માં ફંડ ઇન્ડસ્ટ્રીઝનું AUM 15.18 લાખ કરોડ રૂપિયા હતી. ઓગસ્ટ 2021માં આ ઇન્ડ. 36 લાખ કરોડને પાર કરી ગઇ હતી. ICICI સિક્યોરીટિઝે અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં ભારતની મ્યુ.ફંડ ઇન્ડસ્ટ્રીઝ રૂપિયા 100 કરોડને પાર કરી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp