અમેરિકામાં એવું તે શું થયું કે જેવું ખૂલ્યું કે તરત ક્રેશ થયું ભારતીય શેરબજાર?
ભારતીય શેરબજાર 19મી ડિસેમ્બરે ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. માર્કેટમાં આ ઘટાડો ત્યારે જોવા મળ્યો, જ્યારે અમેરિકાની સેન્ટ્રલ બેંકે એક દિવસ અગાઉ વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડાનું એલાન કર્યું હતું. આ સમાચાર લખાય છે ત્યાં સુધી, જ્યારે BSE સેન્સેક્સ 925 પોઇન્ટના ઘટાડા સાથે 79,256 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો, ત્યારે નિફ્ટી 50 પણ 309 પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. હાલમાં તે 23,899 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.
કેટલાક મોટા શેર્સની વાત કરીએ તો વિપ્રોના શેરમાં 2.64 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે, શ્રીરામ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ હિન્દાલ્કો, ONGC, ઇન્ફોસિસ અને ટાટા સ્ટીલ્સના શેરમાં પણ 2 ટકા સુધીનો ઘટાડો થયો હતો. ભારત ઈલેક્ટ્રોનિક્સ, SBI અને કોલ ઈન્ડિયાના શેરમાં પણ ઘટાડો થયો હતો.
એવી આશંકા સેવાઈ રહી છે કે, ડૉલર મજબૂત થવાને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજાર છોડી શકે છે. વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડૉલરની સ્થિતિ પર નજર રાખતો ડૉલર ઇન્ડેક્સ હાલમાં 118ના સ્તરે પહોંચી ગયો છે. આ બાજુ, જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસ સાથે સંકળાયેલા VK વિજયકુમારે કહ્યું કે, માર્કેટમાં આવેલો આ ઘટાડો અસ્થાયી છે, માત્ર એક નાની હલચલ બજારને સાચા ટ્રેક પર લાવી દેશે.
વિજયકુમારે એમ પણ કહ્યું કે, અર્થતંત્ર અને શ્રમ બજાર અંગે US રિઝર્વ બેંકના ચીફની ટિપ્પણીઓ સકારાત્મક જ હતી. આનો અર્થ એ થયો કે, અમેરિકન અર્થતંત્ર પાટા પર પાછા આવવા માટે તૈયાર છે. પરંતુ હંમેશા જેમ થાય છે તેમ, આ વખતે પણ રોકાણકારો ગભરાઈ ગયા છે, કારણ કે વ્યાજ દરમાં કરવામાં આવેલો ઘટાડો તેમની અપેક્ષા મુજબ નથી થયો.
આ દરમિયાન, અમેરિકન શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 1,123 પોઈન્ટ ઘટીને 42,336 પર પહોંચ્યો છે. નાસ્ડેકમાં પણ 716 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. તે 19,392 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. આ બાજુ, S&P 500 178 પોઈન્ટ ઘટીને 5,872 પર પહોંચ્યો છે. અમેરિકન માર્કેટમાં આ ઘટાડો ક્રિસમસ પહેલા આવ્યો છે. એવી આશંકા છે કે, તહેવારોની સિઝન પણ બજારને ઠીક કરી શકશે નહીં. અહીં જાપાન, ચીન અને દક્ષિણ કોરિયાના શેરબજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp