લોકડાઉન વિના શ્રમિકોની ફરીથી હિજરત...કામ નથી અને કોરોનાનો ભય સતાવી રહ્યો છે

PC: khabarchhe.com

કોરોના સંક્રમણનો વધતો જતો ફેલાવો છતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર લોકડાઉન કરવાના મૂડમાં નથી પરંતુ જે નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે તે લોકડાઉન કરતાં ઓછા નથી તેથી ગુજરાતમાં રોજીરોટી માટે પાછા આવેલા પરપ્રાંતિય શ્રમિકો ફરીથી તેમના વતન ભણી દોડી રહ્યાં છે. ગયા વર્ષના માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ કર્યા પછી જે રીતે શ્રમિકોએ ઉચાળા ભર્યા હતા તેવી રીતે લોકડાઉન વિના પણ શ્રમિકો ટ્રેન અને અન્ય વાહનો દ્વારા સ્થળાંતર કરી રહ્યાં છે.

ગુજરાતના અમદાવાદ અને સુરતના શ્રમિકોએ વતન જવાનું શરૂ કર્યું છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી આ સ્થળાંતરને અટકાવવામાં નહીં આવે તો ફેક્ટરીઓ અને ઉદ્યોગ-ધંધા ફરી પડી ભાંગવાની દહેશત છે. રાજ્યમાં આ વખતે શ્રમિકો સ્થળાંતર કરી રહ્યાં હોવાનું મુખ્ય કારણ રાજ્યમાં વધી રહેલા કોરોના પોઝિટીવના કેસો છે. બીજું કારણ રાજ્યમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે 50 ટકા સ્ટાફથી ચલાવી લેવાનો નિયમ છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ, ટેક્સટાઇલ, ઓટોમોબાઇલ, ડાયમન્ડ અને અન્ય ફેક્ટરીઓમાં ઓછા સ્ટાફથી ચલાવવાનું શરૂ થયું છે તેથી બેકારી વધવાની સંભાવના છે.

અમદાવાદ, રાજકોટ, સુરતમાંથી પોતાના વતન તરફ જનારા શ્રમિકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પ્રતિદિન રાજ્યમાંથી 35000 થી 40000 લોકો પોતાના વતનમાં જવા રવાના થઈ રહ્યાં છે. જેના કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે, રેલવે દ્વારા વેઈટિંગ ટિકિટ વાળા પેસેન્જરોને રેલવે સ્ટેશનથી રવાના કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે પરપ્રાંતિયોએ ટ્રેનના બદલે બસોમાં પોતાના વતનની વાટ પકડી છે.

એકમાત્ર સુરતમાંથી રોજના 25000થી વધુ શ્રમિકો રવાના થઈ રહ્યા હોવાના અહેવાલ છે. અલગ-અલગ બસ ઑપરેટરો દ્વારા પ્રતિદિન 100 થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. જ્યારે રેલવે દ્વારા સતત વેઈટિંગની સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ માટે ટ્રેનોની સંખ્યા વધારવાની માંગ કરવામાં આવી છે. જેમાં 15 એપ્રિલે પશ્ચિમ રેલવે દ્વારા સુરતથી 15 ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા માટે દોડાવી છે.

ટ્રેનોમાં સુરતથી થયેલા રિઝર્વેશન મુજબ 18000 લોકો રવાના થયા છે. જ્યારે સુરતથી પણ અનેક ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત મુંબઈ અને અમદાવાદથી સુરતના રૂટ પર જતી જે ટ્રેનો છે, તેમાં પ્રતિદિન 6000થી વધુ શ્રમિકો જઇ રહ્યાં છે. સુરતથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા માટે ખાનગી ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ દ્વારા બસો દોડવાઈ રહી છે  જેમાં પ્રત્યેક બસમાં 120 મુસાફરોને લઈ જવામાં આવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp