PM મોદીના ગવર્નન્સના ડિજિટાઈઝેશનથી 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છેઃ CM

PC: Khabarchhe.com

પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલ બિહારી વાજપેયીનાં જન્મદિવસ 25મી ડિસેમ્બરને, દેશમાં 2014થી સુશાસન દિવસ તરીકે ઉજવવાની પરંપરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવી છે. આ પરંપરાને 2024ના સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ગતિ આપતા સ્વ. અટલજીની ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ પંક્તિઓ સુશાસન દિવસે સાકાર કરીને મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની વિવિધ નવી પહેલોની શરૂઆત કરાવી હતી.

આ પ્રસંગે માહિતી વિભાગ દ્વારા તૈયાર કરાયેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી નાગરિકોને મારી યોજના એક જ ડિજિટલ પ્લેટફોર્મ ખુલ્લું મૂક્યું હતું. આ પોર્ટલને કારણે રાજ્યના છેવાડાના નાગરિકો કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર, સમય અને અંતરના બાધ વિના ઘરેબેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે, જેથી સરકાર અને નાગરિકો વચ્ચેનો સેતુ મજબૂત થશે.

‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપના લોન્ચિંગથી રજૂઆત કર્તાની રજૂઆતો/ફરિયાદોની ગંભીરતા અથવા જટિલતાના આધારે GREEN, YELLOW અને RED ચેનલમાં વર્ગીકૃત કરીને ફરિયાદના નિકાલ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

જો સંબંધિત અધિકારી દ્વારા નિયત સમયમર્યાદામાં જવાબ ન થાય અથવા તો તે સમયમર્યાદા પૂર્ણ થાય તો રજૂઆત એક લેવલ ઉપરના અધિકારીના એકાઉન્‍ટમાં ઓટો એસ્કેલેટ થશે અને ત્યાર બાદ ઉપરના અધિકારી કાર્યવાહી કરશે.

એટલું જ નહિ, રજૂઆતકર્તા જો કાર્યવાહિથી અસંતુષ્ટ હશે તો ફીડબેક આપીને તેનો ઓટો એસ્કેલેટ કરી ઉપરના લેવલ સુધી જઈ શકશે.

આ ઉપરાંત સ્વાગત મોબાઇલ એપ દ્વારા નાગરિકો ઓનલાઇન રજૂઆત કરી શકશે અને પોતે કરેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે.

સાયન્સ અને ટેક્નોલોજી વિભાગની વિવિધ નવી પહેલો શરૂઆત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. જેમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (PDEU), ગાંધીનગર ખાતે ગુજરાત સેમીકન્ડક્ટર પોલિસી હેઠળ સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્ર શરૂ કરાયું હતું. આ તાલીમ કેન્દ્ર ATMP (Assembly, Testing, Marketing, Packaging, Training Centre) આવનારા 5 વર્ષમાં 1 હજાર યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપશે.

આ ઉપરાંત સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાત ફાઈબર ગ્રિડ નેટવર્ક લિ. (GFGNL) મારફતની Bharat Net Phase-2 અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કનેક્ટિવિટી દ્વારા 40,000 ગ્રામ્ય સરકારી સંસ્થાઓને પાટનગર ‘ગાંધીનગર’ સાથે જોડવા, હર ઘર કનેક્ટિવિટી હેઠળ 25,000 ફાઈબર-ટુ-હોમ(FTTH) જોડાણ આપવા અને ‘ફાઈબર-ટુ-ફાર ફલંગ ટાવર્સ’ પહેલ અંતર્ગત 30,000 કિમી ઓપ્ટિકલ ફાઈબર કેબલ લીઝ કરી 1,000થી વધુ ગ્રામીણ ટાવર્સને જોડી રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ કવરેજ અને કનેક્ટિવિટીની ગુણવત્તામાં વધારો કરવામાં આવશે.

રિજીયોનલ સાયન્સ સેન્ટર, ભુજ ખાતે અમેરિકાની પ્રતિષ્ઠિત કમ્પની "પ્લેન વેવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ" દ્વારા નિર્મિત દેશની પહેલી સ્પેસ ઓબ્ઝર્વેટરી કાર્યરત કરવામાં આવી છે. તેમાં દેશમાં નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સુલભ સૌથી મોટું સી.ડી.કે. 24 (CDK24) ટેલિસ્કોપ શરૂ કરવામાં આવ્યુ છે.

આ ઉપરાંત ભારત સરકારના ડિજિટલ લર્નિગ પ્લેટફોર્મ i-GOT કર્મયોગી પોર્ટલ પર ગુજરાતનું સ્ટેટ પેજ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મોડ્યૂલ મળી રહે તે માટે ભારત સરકારના ડિજિટલ લર્નિગ પ્લેટફોર્મ i GOT કર્મયોગી પોર્ટલ પર ગુજરાતનું સ્ટેટ પેજ કાર્યરત થયું છે.

આ પ્રસંગે રાજ્યની 34 નગરપાલિકાઓમાં નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહે તે માટે સિટીઝન સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં છે.

આ અવસરે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્ય સરકારની કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સીટી દ્વારા 100 ડ્રોન રાજ્યની 19 આઇ.ટી.આઇ.માં ડ્રોન પાયલોટ ટ્રેનિંગ માટે આપવામાં આવ્યાં છે.

સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા થતી પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે માટે કનેક્ટ ગુજરાત (Connect Gujar@t) અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. કનેક્ટ ગુજરાતથી લોકોને સરકારની કામગીરીનો, વિવિધ કાર્યક્રમોની જાણ થશે અને સરકારને પણ ક્યાંક ક્ષતિ રહેતી હોય તેનો સાચો ફિડબેક મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની સુરાજ્ય ક્રાંતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ ગવર્નન્સ, એમ-ગવર્નન્સ અને ઈ-ગવર્નન્સના આયામોથી ટેકનોલોજી ડ્રિવન ગુડ ગવર્નન્સ બનાવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન દ્વારા ગવર્નન્સના ડિજીટાઈઝેશનથી સમાજના છેવાડાના માનવી સુધી હક્કો પહોંચાડવા સરળ થયા છે અને તેના પરિણામે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે.

મુખ્યમંત્રીએ આ વર્ષના સુશાસન દિવસને સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની 150માં વર્ષની ઉજવણી, બંધારણની 75મી વર્ષગાંઠ તેમજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિના સુભગ સમન્વયનો સુશાસન દિવસ ગણાવ્યો હતો. વડાપ્રધાને અમૃતકાળને મોટા સંકલ્પો લઇને આગળ વધવાનો કર્તવ્યકાળ ગણાવ્યો હતો અને રાજ્ય માટે આ કાળને મોટા સંકલ્પો સાથે આગળ વધવાનો સુભગ સમન્વય છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ સામાન્ય લોકો માટે શરૂ કરાવેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમથી અનેક લોકોના પ્રાણપ્રશ્નોનું નિવારણ આવ્યું છે. હવે સ્વાગત 2.0 મોબાઇલ એપ ફરિયાદ નિવારણ અને ફિડબેક મિકેનિઝમ માટે ખૂબ ઉપયોગી નિવડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુડ ગવર્નન્સ માટે નાગરિક અને સરકાર સૌ પોતાના કર્તવ્યનું પાલન કરીને સૌનો સાથ, સૌનો વિકાસનો ધ્યેય સાકાર કરવા કર્તવ્યરત રહે તેવો તેમણે અનુરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp