દાનવીરઃ લારી-ગલ્લાવાળાને રૂ.2000ની મદદ કરી, 4000 લોકોને રૂ.10 લાખ વહેંચી દીધા

PC: economictimes.indiatimes.com

કલા નગરી વડોદરામાં નાતાલના પર્વની ઉજવણી થતી હતી ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક પાનના ગલ્લાનો માલિક અને લારીવાળો બંને દુઃખી હતા. નાઈટ કર્ફ્યૂને કારણે માલ પડી રહ્યો હતો અને ગ્રાહકો ઘટતા જતા હતા. આ વાતચીત નજીકમાં રહેતા 52 વર્ષના વિશાલ જૈન (નામ બદલ્યું છે)ના કાને પડી. આ સંવાદને કાને પડઘાયા બાદ તેઓ થોડી વાર અટક્યા અને પછી બાઈક લઈને ત્યાંથી નીકળી ગયા.

એ જ દિવસે રાત્રે દાબેલીવાળાની લારી પર આઠેક વાગ્યા આસપાસ એક વ્યક્તિ ગયો અને દાબેલી પાર્સલ કરવા માટે કહ્યું. વેપારીએ પાર્સલ આપતા જ વ્યક્તિએ રૂ.500ની નોટ મૂકી અને ત્યાંથી નીકળી ગયો. કંઈ બોલ્યો નહીં. વેપારીએ બાકીના પૈસા પરત દેવા માટે બૂમ પણ પાડી પણ પાછળ વળીને બાઈક ચાલકે જોયું અને લારીવાળાએ એની આંખો વાંચી લીધી. ક્રિસમસના દિવસે આ બાઈકચાલક વેપારી માટે ખરા અર્થમાં સાંતા ક્લોઝ બનીને આવ્યો હતો. વેપારીને થયું કે, પ્રભુએ ખરેખર પ્રાર્થના સાંભળી લીધી. એ બાઈકમાં બીજું કોઈ નહીં પણ વિશાલ જૈન જ હતા. સાદા કપડાંમાં વિશાલભાઈ જાણવા અને માણવા જેવા માણસ સાબિત થયા. સાયન્સમાં સ્નાતક થયા બાદ એક ખાનગી કંપનીમાં નોકરી હેતું જોડાયા હતા. જેની માસિક આવક રૂ.1 લાખ છે. પરિવારમાં એક પત્ની અને પુત્ર છે. લોકડાઉનના કપરાકાળમાં તેમણે 68 દિવસમાં આ રીતે નાના વેપારીઓથી લઈને શ્રમિકોને ખૂબ મદદ કરી છે. જેઓ આ વર્ગ માટે ભામાશા બન્યા હતા. કુલ 68 દિવસમાં તેમણે 4000 લોકોને રૂ.10,00,000 વહેંચી દીધા છે. બીજી તરફ લોકડાઉનના સમયમાં ચા-ભજિયાની લારી બંધ રહેતા એક ભાઈએ શાકભાજી વેચવાનું શરૂ કર્યું.

વિશાલભાઈ એક દિવસ આ ભાઈની લારી પર આવ્યા. લારી પર મૂકેલી પૈસાની પેટીમાં તેમણે રૂ.2000ની નોટ મૂકી દીધી. લારીવાળા વેપારીને થોડું અજુગતું લાગ્યું. વિશાલભાઈએ 10 અને 20 રૂપિયાની નોટ વચ્ચે રૂ.2000ની નોટ મૂકી દીધી હતી. એ સમયે વિશાલભાઈએ કહ્યું હાલમાં લોકડાઉન છે. વતનમાં ન જતા. અહીંયા જ રહેજો અને પરિવારને પણ સાચવજો. બે દિવસથી માંડ રૂ.100 કમાતા વેપારીના જીવમાં જીવ આવ્યો. શાકભાજીના વેપારીએ કહ્યું કે, બીજા દિવસે વિશાલભાઈ ફરી લારી પર આવ્યા અને રૂ.500ની નોટ મૂકીને જતા રહ્યા. માત્ર લોકડાઉન જ નહીં પણ અનલોકમાં પણ વિશાલભાઈએ રૂ.40,000 કરતા વધારે પૈસાની મદદ કરી છે. જે કદી ભૂલી ન શકાય એવી મદદ છે. સેવઉસળ વેચતા એક વેપારીએ કહ્યું હતું કે, વિશાલભાઈ દરરોજ ગલ્લામાં રૂ.500ની નોટ મૂકીને જતા હતા. આ રીતે તેમણે રૂ.20થી 25 હજારની આર્થિક મદદ કરી છે. ફૂટપાથ પર બેસીને વાહન રિપેરિંગનું કામ કરતા નાના ગેરેજવાળાથી લઈને રેકડીવાળા સુધી લોકડાઉનના સમયમાં દરરોજ રૂ.100, રૂ.200 અને રૂ.500 આ લોકોને આપી કુલ રૂ,10થી 20 હજાર રૂપિયાની આર્થિક મદદ કરી છે.

જોકે, પોતાની આવી પ્રવૃતિ છતા પ્રસિદ્ધિથી દૂર રહેતા વિશાલભાઈએ કંઈ ન કહેવા માટે નિર્ણય કર્યો હતો. પણ આવી પ્રવૃતિથી બીજાને પણ પ્રેરણા મળે એ વાત ગળે ઊતરતા તેમણે વાત શરૂ કરી. વિશાલભાઈ કહે છે કે, છેલ્લા 20 વર્ષથી હું આ રીતે જરૂરિયાત વાળા લોકોની મદદ કરી રહ્યો છું. રસ્તામાં જતો હોવ અને વ્યક્તિનો ચહેરો જોવ એટલે ખ્યાલ આવી જાય કે, આ વ્યક્તિને ખરેખર મદદની જરૂર છે. કંઈ પણ બોલ્યા વગર હું મારાથી થતી મદદ કરી રહ્યો છું. લોકડાઉનના સમયમાં કેટલા લોકોને મદદ કરી છે એ મને પણ ખબર નથી. આ વાતની જાણ મારા પરિવારને પણ નથી. તેમણે કહ્યું કે, દિવાળીના સમયમાં રૂ.1 લાખ બોનસ પેટે મળ્યા હતા. જે રકમ મેં જરૂરિયાતમંદ વ્યક્તિઓને વહેંચી દીધી. મને બસ મદદ કરવી ગમે છે એટલે હું મદદ કરી રહ્યો છું. આનાથી વધારે હું કંઈ બોલીશ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp