અમદાવાદ પોલીસને સમજાયું દારૂથી વધુ કમાણી કોલ સેન્ટરમાં છે, જાણો કેટલો હપ્તો લેતા

PC: magicbox.com

અમદાવાદમાં બે ખૌફ ચાલી રહેલા એક સો કરતા પણ વધુ કોલ સેન્ટરો દ્વારા વિદેશમાં વસતા નાગરિકોને ડરાવી ધમકાવી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવી રહ્યા છે, તેવી અમેરિકાની સંસ્થા FBIને જાણકારી મળતા 2016મા FBI દ્વારા ભારત સરકારને જાણકારી આપવામાં આવી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે થાણેમાં પાડેલા દરોડોને રેલો અમદાવાદ સુધી પહોંચ્યો હતો અને તપાસમાં જે તથ્યો બહાર આવ્યા, તેમાં જાણકારી મળી કે કોલ સેન્ટરો દ્વારા અમદાવાદ પોલીસને રોજ એક કરોડ રૂપિયા આપવામાં આવતા હતા, જે ગુજરાતની દારૂની કમાણી કરતા અનેકગણા વધારે હતા, જેના કારણે ગુજરાતના કેટલાક ચોક્કસ અધિકારીઓએ પોતાનું નામ પાક સાફ રહે અને પૈસા પણ સારા મળે તે માટે તમામ કામ બાજુ ઉપર મૂકી કોલ સેન્ટરો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

સામાન્ય રીતે ગુજરાત પોલીસની ઉપરની કમાણીનો મોટો મદાર દારૂ-જુગારના પૈસા રહ્યો છે. ગુજરાતની દારૂબંધીએ નેતાઓ અને પોલીસ અધિકારીઓને સમૃદ્ધ બનાવી દિધા છે. પણ સમયની સાથે બદલાયેલા પોલીસ અધિકારીઓને સમજાયું કે દારૂ જુગારમાં પૈસા તો મળે છે પણ તેમાં બદનામી પણ ખાસ્સી થાય છે. તેના કારણે કેટલાક પોલીસ અધિકારીઓ જમીનના કેસમાં પૈસા કમાવવા લાગ્યા અને તેઓ કરોડોના આસામી થઈ ગયા, જ્યારે 2016મા ગુજરાત પોલીસના બહુ ઓછા અધિકારીઓને કોલ સેન્ટરના નામે વિદેશી નાગરિકોને લૂંટવામાં આવતી પ્રવૃત્તી અંગે ખબર પડતી હતી, પણ આ પ્રકારના કોલ સેન્ટરો પાસે કાયદાની એવી છટકબારી હતી કે કોલ સેન્ટર જેમને નિશાન બનાવી રહ્યા હતા, તે તમામ વિદેશમાં હતા અને તેઓ કોલ સેન્ટર સામે કોઈ ફરિયાદ કરતા નહોતા.

આમ ગુજરાત પોલીસની નજર સામે લોકો લૂંટાઈ રહ્યા હોવા છતા ફરિયાદી કોણ છે, તેવું કારણ આપી આ ઘટનાને નજર અંદાજ કરવામાં આવી રહી હતી. પણ કેટલાક અધિકારીઓ સમજી ગયા હતા કે ફરિયાદી ના હોવા છતા ગેરકાયદે પ્રવૃત્તિ હોવાને કારણે તેમાંથી પૈસા મળી શકે તેમ છે. દારૂમાં એક બુટલેગર આખા મહિનામાં કમાય તેના કરતા કોલ સેન્ટરનો માલિક એક દિવસમાં એટલી જ રકમ કમાઈ લે છે. આમ કોલ સેન્ટરની અઢળક કમાણી અંગે ખબર પડતા અમદાવાદ પોલીસ દ્વારા કોલ સેન્ટરના માલિકોને બોલાવી ધમકાવી પૈસાની માગણી શરૂ કરવામાં આવી હતી. જો કે કોલ સેન્ટરમાં લોકોને ઠગતા કોલ સેન્ટરના માલિકો કરતા પોલીસ અધિકારી વધારે હોશિયાર હતા. તેમણે એક જ વખત પૈસા લેવાને બદલે રોજે રોજ હપ્તો આપવાની માગણી કરી હતી. એક જાણકારી પ્રમાણે અમદાવાદમાં ચાલતા એક સો કરતા વધુ કોલ સેન્ટરો પ્રત્યેક કોલ સેન્ટરને રોજના એક લાખ રૂપિયા આપવા પડતા હતા. આમ રોજના એક કરોડ રૂપિયા અમદાવાદ પોલીસના ચોક્કસ અધિકારીઓને મળવા લાગ્યા હતા.

FBI દ્વારા કોલ સેન્ટર ચલાવી રહેલા કેટલાક આરોપીઓની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં આ આખી ઘટના સામે આવી હતી. અમેરિકામાં પકડાયેલા આરોપીઓ દ્વારા અમદાવાદના કયાં પોલીસ અધિકારીને કેટલો હપ્તો આપવામાં આવતો હતો, તેની જાણકારી પણ આપી હતી. FBI દ્વારા ગુજરાત પોલીસના આ સિનિયર અધિકારીઓના નામ પણ ભારત સરકારને આપ્યા હતા. જો કે તે વખતે આ વગદાર પોલીસ અધિકારીઓએ પોતાના સુધી તપાસ આગળ વધતા અટકાવી દીધી હતી, પણ હવે ફરી વખત અમદાવાદમાં પકડાયેલા કોલ સેન્ટરોમાં જૂના ખેલાડી પોલીસ અધિકારીઓના નામ સામે આવ્યા છે, જેમની મહેરબાનીથી આ કોલ સેન્ટરો ફરી ચાલુ થયા હતા.

તાજેતરમાં પૂણે પોલીસે પણ આ પ્રકારનું એક કોલ સેન્ટર પૂણેમાં પકડી પાડ્યુ હતું. આ કોલ સેન્ટર અમદાવાદના સોલા રોડ ઉપર રહેતા બે ભાઈઓ ચલાવતા હતા પૂણે પોલીસે કુલ 121 આરોપીના નામ ખોલ્યા છે, જેમાં નારણપુરા વિસ્તારમાં રહેતા ભાજપના એક વગદાર નેતાનો પુત્ર પણ છે. ભાજપના આ નેતાએ પોતાના પુત્રનું નામ આ કેસમાંથી કઢાવવા માટે પૈસા આપવાની તૈયારી બતાડી હોવા ઉપરાંત દિલ્હી સ્થિત પોતાના રાજકીય આકાની મદદ પણ માંગી છે. આમ કોલ સેન્ટરની અઢળક કમાણીના લાલચમાં પોલીસ અધિકારીઓ અને નેતાઓ પણ બચી શક્યા નથી.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp