અમદાવાદના રેલવે સ્ટેશનને ન્યૂયોર્કના હડસન હાઇલાઇનની ડિઝાઇનમાં વિકસાવાશે
દેશના રેલવે સ્ટેશનો પીપીપી ધોરણે વિકસાવવાની કેન્દ્રની યોજનામાં અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધીનો સંપૂર્ણ સ્ટેશન એરિયા ડેવલપ કરાશે. હાલની રેલવે લાઈન યથાવત્ રાખી તેની ઉપર આધુનિક ટેક્નોલોજીથી એલિવેટેડ રોડ બનશે. આસપાસ ગાર્ડન, બહુમાળી હોટેલ, મોલ, બુકિંગ એરિયા, રેસ્ટ રૂમ સહિત અન્ય સુવિધા ઊભી કરવામાં આવશે.
રેલવે સ્ટેશને પ્રવેશવા માટે કાલુપુર તરફ વિશાળ વિસ્તાર તૈયાર કરવામાં આવશે. અહીંથી સ્ટેશન પર એન્ટ્રી માટે ગેટ બનાવવામાં આવશે. પરિસરની ચારેય તરફ આધુનિક ડિઝાઈન તેમજ ગ્રીનરી માટેની વ્યવસ્થા પણ કરાશે.
કાલુપુર ખાતેના હાલના સ્ટેશનનું નિર્માણ 1966માં એટલે કે 56 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. હાલના સ્ટેશન પર 12 પ્લેટફોર્મ અને 16 ટ્રેક છે અને રોજની 200થી વધુ ટ્રેનની અવરજવર રહે છે. 1930માં બ્રિટિશ રાજ વખતે અમદાવાદનું રેલવે સ્ટેશન આવું હતું. આજના હયાત સ્ટેશનથી કાલુપુર બ્રિજના છેડા તરફ સ્ટેશન આવેલું હતું. એ જમાનામાં વરાળથી ચાલતા એન્જિન હતા અને પ્લેટફોર્મની સંખ્યા પણ મર્યાદિત હતી.
કાલુપુર સ્ટેશનને 4 હજાર કરોડના ખર્ચે નવેસરથી વિકસાવવા માટે રેલવેએ યોજના બનાવી છે. મંગળવારે નિર્માણ કાર્ય મુદ્દે રેલવે, હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન, ગુજરાત મેટ્રો અને મ્યુનિ.ના પ્રતિનિધિઓ વચ્ચે મળેલી બેઠકમાં 94 એકરમાં પીપીપી ધોરણે તૈયાર થનારા સ્ટેશનની ડિઝાઈનનું પ્રેઝન્ટેશન કરાયું હતું. એક વર્ષમાં ફાઈનલ પ્લાન તૈયાર થયા પછી ટેન્ડર બહાર પડાશે. પ્રેઝન્ટેશનમાં કરાયેલી રજૂઆત મુજબ પેસેન્જરની ક્ષમતા હાલના દૈનિક 53 હજારથી ચાર ગણી વધીને લગભગ 2.20 લાખ થવાનો અંદાજ છે. સ્ટેશનમાં પ્રવેશવા માટે કાલુપુર અને સરસપુર એમ બંને તરફથી એન્ટ્રી હશે. રેલવે ટ્રેક ઉપર 82 હજાર ચોરસ મીટર એટલે કે અંદાજે 20 એકરમાં ગ્રીન સ્પેસનું નિર્માણ કરવામાં આવશે. 56 ટકા પેસેન્જર કાલુપુર તરફથી જ્યારે 44 ટકાની અવરજવર સરસપુર તરફથી રહેશે. સમગ્ર ડિઝાઈન આ મુજબ તૈયાર કરાશે.
રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને નવા સ્ટેશનના નિર્માણની કામગીરી સોંપવામાં આવી છે. 2023ના અંતથી કામ શરૂ થશે અને 2035 સુધીમાં સ્ટેશનનું નિર્માણ થઈ જશે. યોજના મુજબ સ્ટેશન પરિસરમાં જ હોટેલ, મોલ, મલ્ટિપ્લેક્સ, રેસ્ટ રૂમ જેવી સુવિધાઓ હશે.
સ્ટેશનને અડીને આવેલા બે ઝુલતા મિનારા હેરિટેજ હોવાથી 100 મીટરની ત્રિજ્યામાં બાંધકામ થઈ શક્તું નથી માટે ઝુલતા મિનારાને યથાવત્ રાખવામાં આવશે. 4 હજાર કરોડના ખર્ચે હોટેલ, મોલ, મલ્ટિપ્લેક્સ સાથેનું નવું સ્ટેશન બનશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp