કરોડોના ફ્રોડના આરોપસર ચિરાગ પટેલની ધરપકડ, MP પરેશ રાવલ સાથેના ફોટા ચર્ચામાં

PC: dainikbhaskar.com

લોકો સાથે વ્હીકલ બુકિંગના નામે કરોડો રૂપિયાની છેતરપીંડી કરનાર ત્રણ આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પડ્યા છે. આ આરોપીઓમાંથી એક ઇસમ એરપોર્ટ ઓથોરિટી કમિટીનો સભ્ય રહી ચૂક્યો છે અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીના ફોટાઓમાં ભાજપના MP પરેશ રાવલ પણ છે. આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદના પાલડીમાં રહેતા નટવરલાલ અખાણીએ પોતાની સાથે 15 કરોડ રૂપિયાની છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ કરાવી હતી. ફરિયાદમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ચિરાગ પટેલ, અમૃત અગોળા અને પ્રિયાંક અગોળા નામના ત્રણ લોકોએ નટવરલાલને ઓટો મોબાઈલના ધંધામાં રોકાણ કરવાના નામે 2012થી 2016 દરમિયાન 15 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.

નટવરલાલે તેમની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આ ત્રણેય આરોપીમાંથી એક ચિરાગ પટેલ નામનો ઇસમ લોકોને ટુ વ્હીલર એડવાન્સ બુકિંગ કરાવીને તેને ઓનમાં વધારે પૈસામાં વેંચીને ધંધો કરતો હતો અને તેમાંથી મળનારા નફામાંથી રોકાણકારોને 4 ટકાનું વળતર આપવાની લાલાચ આપીને પોતાના ધંધામાં કરોડોનું રોકાણ કરાવતો હતો. નટવરલાલની ફરિયાદના આધારે પોલીસે આરોપી ચિરાગ પટેલની ધરપકડ કરી હતી. ચિરાગ પટેલના પિતા દસક્રોઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. લોકોને લોભામણી લાલચ આપીને લોકો સાથે કરોડોની છેતરપીંડી કરનાર ચિરાગ પટેલ પોલીસના હાથે પકડાયો હોવાની જાણકારી મળતા બીજા ત્રણ લોકોએ પણ પોતાની સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી થઈ હોવાની માહિતી પોલીસને આપી હતી.

આરોપી ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવતા કૌભાંડની વાત કરવામાં આવે તો ચિરાગ પટેલ લોકોને વધારે પસંદ હોય તેવી ટુ વ્હીલર અને ફોર વ્હીલરના અમુક પૈસા એજન્સીને ચૂકવી બૂક કરાવી દેતો હતો અને ત્યારબાદ ગ્રાહકો પાસેથી વધારે પૈસા લઈને તેનું વેચાણ કરતો હતો. ચિરાગ પટેલ ટુ વ્હીલર માટે 3 હજાર અને ફોર વ્હીલર માટે 4 હજાર એજન્સીને આપતો હતો. જેમ જેમ ભોગ બનનાર સામે આવતા જાય તેમ તેમ ઠગાઈનો આંક પોલીસના ચોપડે વધતો જાય છે. પહેલા 15 કરોડની છેતરપીંડીની ફરિયાદ નટવરલાલે નોંધાવી હતી. ત્યારબાદ ત્રણ લોકોએ ભેગા મળીને તેમની સાથે 1.30 કરોડની છેતરપીંડી થઈ હોવાની જણાવ્યું હતું. ત્યારે રોકાણકારોના કહેવા અનુસાર એક ભોગ બનનાર સાથે 50 કરોડની છેતરપીંડી થઈ છે અને તે બેથી ત્રણ દિવસોમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપશે તેવી આશંકાઓ પણ વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મળતી માહિતી અનુસાર આ સમગ્ર મામલે રાજ્યભરમાં આ ટોળકીનો ભોગ બનનાર લોકોને સંખ્યા 600 કરતો પણ વધારે હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે ત્યારે અબજો રૂપિયાની કૌભાંડ બહાર આવે તો નવાઈ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp