SVPની ભૂલ, દર્દીને પહેલા રજા આપી પછી રાત્રે પોઝિટિવ કહી દાખલ કરી ભૂલ સ્વીકારી

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોનાના પોઝિટિવની કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની અવારનવાર બેદરકારી સામે આવી રહી છે ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત SVP હોસ્પિટલની અને અમદાવાદ આરોગ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. જેમાં એક કોરોના પોઝિટિવ દર્દીને બે દિવસ સુધી તે પોઝિટિવ હોવાની જાણ નહીં કરવામાં આવતા તે દર્દીનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે અને પરિવારના તમામ સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી બેદરકારીમાં SVPમાં હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીનો રિપોર્ટ નેગેટીવ હોવાનું કહીને તેને રજા આપવામાં આવી હતી, ત્યારબાદ 8 કલાક પછી ફરીથી દર્દીને ભૂલથી રજા આપી હોવાનું કહીને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ભૂલ SVP હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા પણ સ્વીકારવામાં આવી છે. આ બંને ભૂલ એક પરિવારના પિતા અને પુત્ર સાથે થઇ છે. જો કે, પિતા અને પુત્રએ સોશિયલ મીડિયામાં આ બબાતે વીડિયો વાયરલ કરીને તંત્રની બેદકારી છતી કરી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં હાટકેશ્વર વિસ્તારમાં હર્ષ અસરાની તેની પત્ની, માતા અને પિતાની સાથે રહે છે. 16 મેના રોજ હર્ષ અસરાનીએ તેના સાસુ અને સાળાની સાથે ખોખરા અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ કર્યા પછી પણ હર્ષને કોઈ ફોન ન આવતા તેને તેના સાળા પાસેથી અર્બન હેલ્થ સેન્ટરના નંબર લઇને ફોન કર્યો હતો. પહેલા દિવસે કોઈએ ફોન ઉપાડ્યો નહીં અને બીજા દિવસે જયારે ઘણા ફોન કર્યા એક ફોન ઉપાડવામાં આવ્યો અને હર્ષને તેની માહિતીની ચકાસણી કરીને તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. કોરોના પોઝિટિવ હોવા છતાં પણ હર્ષ તેના પરિવારના સભ્યોની બે દિવસ રહ્યો હતો. તેથી હર્ષની પત્ની, માતા અને પિતા તમામ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે હર્ષના આખા પરીવારને SVP હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો છે.

હર્ષે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ વીડિયોમાં જણાવ્યું છે કે, મારો રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં મને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. આ તો મારા સાળાએ મને નંબર આપ્યો એટલે મે ફોન કરીને પૂછતાં મને આ બાબતે જાણ થઇ. જો મે ફોન કર્યો ન હોત તો હું પોઝિટિવ છું તેની મને કોઈ પણ પ્રકારની જાણ થાત નહીં અને મારી સારવાર પણ શરૂ થઇ ન હોત. તંત્રની આ બેદરકારીના કારણે મારી પત્ની, માતા અને પિતા પોઝિટિવ થઇ ગયા છે. મારી આખી ફેમીલી આજે SVP હોસ્પિટલમાં પાંચમાં માળ પર સારવાર લઇ રહ્યા છીએ.

SVP હોસ્પિટલની બીજી બેદરકારીની વાત કરવામાં આવે તો હર્ષના પિતાને SVP હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા 21 મેના રોજ બપોરના બે વાગ્યાના સમયે તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું કહીને તેમને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરીથી સાંજે હર્ષના પિતાને હોસ્પિટલ તંત્ર દ્વાર ફોન કરીને તેમનો રિપોર્ટ પોઝિટિવ છે અને તેમનું નામ બીજા દર્દીના નામ સાથે નામ મેચ થતું હોવાથી ભૂલથી રજા આપી હોવાનું જણાવીને ફરીથી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હર્ષના પિતાને જયારે રાત્રીને સમયે એમ્બુલન્સમ ફરીથી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા હતા ત્યારે તેઓએ પણ એક વીડિયો ઉતારીને તંત્રની પોલ છતી કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp