અમદાવાદમાં બેંકના સિક્યોરિટીએ ખુરશી બાબતે કર્યું ફાયરિંગ, મહિલાને ગોળી વાગી

PC: Youtube.com

અમદાવાદના સરદારનગરમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં એક સિક્યોરિટી ગાર્ડે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બેંકમાં ફરજ બજાવતી એક મહિલા કર્મચારીના માથાના ભાગે ગોળી વાગી હતી. તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 

રિપોર્ટ અનુસાર અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર કુમાર પ્રજાપતિને તેમની પાસબુકમાં એન્ટ્રી કરાવવાની હોવાથી તેઓ પત્ની અને 8 વર્ષની દીકરીને લઈને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ગયા હતા. પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે લાઈન હોવાના કારણે કોન્સ્ટેબલે તેમની દીકરીને બેંકના સિક્યુરિટી ગાર્ડની ખુરશી પર બેસાડી દીધી હતી. પોલીસ કોન્સ્ટેબલની દીકરી શૂઝ પહેરીને બેંકના સિક્યુરિટી ગાર્ડ કમોદસિંહ પરિહારની ખુરશી પર કુદવા લાગી હતી. આ વાતને લઇને સિક્યુરિટી ગાર્ડ રોષે ભરાયો હતો અને તેમને પોલીસ કોન્સ્ટેબલની દીકરી ઇશિકાને ઠપકો આપ્યો હતો. 

આ ઘટના બાદ કોન્સ્ટેબલ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે માથાકુટ થઇ હતી અને તે સમયે સિક્યુરિટી ગાર્ડે કોન્સ્ટેબલ રાજેન્દ્રકુમાર પર ફાયરિંગ કર્યું હતું. તે સમયે ગોળી બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાં ફરજ બજાવતી એક મહિલાના માથાના ભાગે લાગી હતી. આ મહિલાનું નામ સુમન હોવાનું જાણવા મળ્યું હતું. બેંકમાં ફરજ બજાવતી મહિલાને માથાના ભાગે ગોળી વાગી હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 

આ ઘટનાને લઇને કોન્સ્ટેબલ રાજેન્દ્રકુમારે સિક્યુરિટી ગાર્ડ કમોદસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી હતી. આ ઘટનાને લઈને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગોળીબારની ઘટનામાં બેંકમાં ક્રેડિટ કાર્ડ વિભાગમાં નોકરી કરતા મહિલાને માથામાં ગોળી વાગતા તેને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલમાં તેમની તબિયત સુધારા પર છે. સિક્યુરિટી ગાર્ડ કમોદસિંહ મૂળ મધ્યપ્રદેશનો રહેવાનો હોવાનું સામે આવ્યું છે અને તેને જે ગનથી ફાયરિંગ કર્યું હતું તે લાયસન્સ વાળી ગન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp