ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની પૂરજોશમાં તૈયારીઓ, રવિવારે ખાસ વિધિ

PC: khabargujarat.com

જગન્નાથ રથયાત્રા 20 જૂન 2023એ રાતે 10:04 વાગ્યે શરૂ થશે અને 21 જૂને રાતે 7:09એ તેની સમાપ્તિ થશે, પણ એ પહેલા 4 જૂન , રવિવારે જળ યાત્રા કાઢવામાં આવશે.અમદાવાદમાં યોજનાર 146મી આ રથયાત્રામાં આ વર્ષે મુખ્ય મહેમાન પરમાત્માનંદ મહારાજ હશે. આ અવસરે સૌ પ્રથમ ગંગા પૂજન કરવામાં આવશે, ગંગા પૂજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે.

પુરી જગન્નાથ રથયાત્રા ભારતમાં હિન્દુઓ દ્ધારા ઉજવાતો એક મહત્ત્વનો તહેવાર છે. પુરી, ઓડિશા ઉપરાંત ભારતના અન્ય શહેરોમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગુજરાતના અમદાવાદમાં દર વર્ષે ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આખું અમદાવાદ ભગવાન જગન્નાથમાં ઓતપ્રોત થઇ જાય છે. આ ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રાની મૂર્તિઓને રથમાં લઈ જવામાં આવે છે, જેને ભક્તો દ્વારા ખેંચવામાં આવે છે. આ તહેવાર અષાઢ (જૂન-જુલાઈ) મહિનામાં શુક્લ પક્ષની બીજી તિથિએ આવે છે.

ભગવાન જગન્નાથનો રથ 45 ફૂટ ઊંચો છે, તેમાં 16 પૈડાં છે અને તેનું નામ નંદીઘોષ છે. જ્યારે ભગવાન બલભદ્રનો રથ 14 પૈડાવાળો 45.6 ફૂટ ઊંચો હોય છે અને તેનું નામ તાલધ્વજ છે. અને માતા સુભદ્રાના રથને દેવદલન કહેવામાં આવે છે અને તેમાં 12 પૈડાં છે. તેની ઊંચાઈ 44.6 ફૂટ છે.ત્રણેય રથને ભક્તો ખેંચીને લઇ જાય છે.

રથ યાત્રા પહેલા રવિવારે  ધ્વજ પતાકા, 3 બળદ ગાડાઓમાં 108 કળશ સાથે યાત્રા કાઢવામાં આવશે. આ જળયાત્રામાં અમદાવાદના મેયર, કિરિટ પરમાર, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે. દર વખતે અલગ અલગ થીમ પર ભગવાનના વાઘા તૈયાર થાય છે આ વખતે મોરની ડિઝાઇન નક્કી કરવામાં આવી છે.

રથયાત્રાની દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રા પૂર્વે જળયાત્રા એટલે કળશયાત્રા યોજાશે. 108 કળશની જળયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યાં છે. 4 જૂને ભગવાન જગન્નાથજીન જળયાત્રા યોજાશે. જલયાત્રા નિજમદિર થી સોમનાથ ભુદરના આરે પોહચશે.ઉલ્લેખનિય છે કે, 108 કળશની સાથે ભજન મંડળી, રાસ મંડળી, અખાડા અને ભક્તો પણ જોડાશે.

રથયાત્રા સંપૂર્ણ શાંતિ અને હર્ષોલ્લાસ સાથે નીકળે માટે સુરક્ષાને લઇને પણ સઘન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આજે સરસપુર લુહાર શેરીમાં રથયાત્રા પૂર્વે મહોલ્લા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા ક્રાઇમ ACP તેમજ સ્થાનિક પોલીસ અને  સરસપુર વિસ્તારની સ્થાનિક મહિલાઓ પણ હાજર રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp