સુરતના આ 3 તબીબો કોરોના પોઝિટિવ પેશન્ટના દર્દને દવા નહીં પરંતુ આ રીતે દૂર કરે

PC: Khabarchhe.com

કોરાનાની મહામારીએ એ વાત સાબિત કરી છે કે ભગવાન મંદિરોમાં નહી પણ સાક્ષાત પૃથ્વી પર છે અને તે તબીબ સ્વરૂપે કે વોરિયર્સના રૂપમાં જોવા મળે છે. આમ તો કોરોનાનું સંક્રમણુ શરૂ થયું ત્યારથી સવિશેષ જવાબબદારી ડોકટર, પેરામેડિકલ સ્ટાફ,સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી માણસોએ સંભાળી લીધી હતી.લગભગ 4 મહિનાથી સેવાની અવિરત સુંવાસ ફેલાયેલી જ છે,  પણ અમારે આજે એવા તબીબોની વાત કરવી છે જેઓ દવાથી નહીં પણ સંવાદ દ્રારા દર્દીઓના દુખ દુર કરવામાં મદદ કરી રહ્યા છે.ઘણી વાર દવા કરતા સંવાદ વધારે જરૂરી હોય છે અને તે વાત અત્યારે સિવિલના કોરોના પોઝિટિવ દર્દીઓના ચહેરા પર જોવા મળી રહી છે.

 

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ( આરએસએસ) સાથે સંકળાયેલા 3 તબીબ મિત્રોએ સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે દરરોજ બે કલાક ફાળવવાનું નક્કી કર્યુ અને તેમના હાલચાલ પુછીને કે તેમની સાથે ગમ્મત કરીને કોરોના પોઝિટિવ દર્દીઓનું દુખ કુર કરવાનું ભગીરથ કામ આ તબીબ મિત્રો કરી રહ્યા છે અને હવે તેમની સાથે બીજા તબીબ મિત્રો પણ જોડાઇ રહ્યા છે.આ તબીબો એવા છે જેમની પાસે સમયનો અભાવ છે છતા પોતાની સામાજિક જવાબદારી સમજીને કોરોના દર્દીઓ માટે રોજ બે કલાક ફાળવે છે.ડો. ભાવિન ભુવા જેઓ પોતે સર્જન છે. ડો. રિતેશ શાહ પોતે પિડીયાટ્રીશ્યન છે અને ડો. અરવિંદ દુધાત જેઓ ડેન્ટીસ્ટ છે.આ ત્રણેય તબીબ મિત્રો સિવિલમાં દરરોજ 2 કલાક ફાળવીને દર્દીઓના ચહેરા પર મુસ્કાન લાવવામાં નિમિત બની રહ્યા છે.

  સુરતના જાણીતા સર્જન ડો. ભાવિન ભુવાએ અમારી સાથે વાત કરતા કહ્યું હતું કે હમેંશા આપત્તિમાં  લોકોની સેવા માટે કેવી રીતે તત્પર રહેવું તે અમને આરએસએસ પાસેથી શિખવા મળ્યું છે.અમે તબીબી મિત્રો વિચારી રહ્યા હતા કે કોરોના વાયરસની મહામારીમાં આપણે લોકોને કેવી રીતે મદદરૂપ થઇ શકીએ.આખરે નક્કી કર્યુ  કે સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અને દવા તો મળે જ છે, પણ તેઓ પરવારથી દુર એકલા રહે છે તો તેમની સાથે વાત અને સંવાદ કરીશુ તો તેમને કદાચ સારું લાગશે.અમે સિવિલ ઓથોરીટીની પરવાનગી માંગી અને તેમણે અમને દરરોજ બે કલાક કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે વાતચીત કરવાની પરવાનગી આપી.

આ મુલાકાત દરમ્યાન અમે જોયું કે એક જ પરિવારના બે કે 3 વ્યકિતઓ કોરોના પોઝિટિવ હોય અને સિવિલમાં જ દાખલ હોય છતા તેઓ એકબીજાને મળી શકતા નથી.માતા હોય તે તે તેના બાળકોથી 10 દિવસથી વધારે એકલા હોસ્પિલમાં રહી રહ્યા છે.  આવા અનેક લોકો સાથે અમે મળીને તેમના હાલ ચાલ પુછીએ છીએ ત્યારે તેમના ચહેરા પર હાશકારો અને ચમક જોવા મળે છે કે હાશ કોઇએ પુછ્યું તો ખરૂ કે કેમ છો? અમે ઘણા દર્દીઓને પુસ્તક પણ વાંચવા આપીએ છે. તેમની સાથે  આસપાસની ઘણી બધી વાતો કરીએ છીએ જેને કારણે તેમને ઘણું સારું ફીલ થાય છે.આ સેવા માટે અમે સિવિલ કે દર્દીઓ પાસેથી એક પણ રૂપિયો લેતા નથી.માત્ર અમારી સાથે વાત કરવાથી એમને ખુશી મળે એટલું જ અમારા માટે પુરતું છે.

 પિડીયાટ્રીક ન્યુરો ફિઝિશ્યન ડો. રિતેશ શાહે કહ્યું હતું કે સામાન્ય રીતે રક્ષાબંધનમાં બહેનો ભાઇને રાખડી બાંધે છે, પણ અમે ભાઇઓએ બહેનોને રાખડી બાંધી.દર્દીઓને અમે એક ગુલાબનું ફુલ ખાલી ભેટમાં આપી ત્યારે તેમનો ચહેરો સસ્મિત ખીલી ઉઠે એ જોઇને અમે રાજીના રેડ થઇ જઇએ. એ જે ખુશી મળે છે તે અમારા માટે  અમૂલ્ય છે.હવે એનેસ્થેટિસ્ટ ડો. ભાવેશ કાચા અને ડો. ભાવેશ પોસિયા પણ અમારા આ સેવા યજ્ઞમાં જોડાવાના છે.

ડેન્ટીસ્ટ ડો. અરવિંદ દુધાતે કહ્યું કે કોરોના પોઝિટિવ દર્દીઓને સૌથી મોટી મુશ્કેલી એકલતાની હોય છે. કારણ કે આ બિમારીમાં સ્વજનને પણ પાસે જવાની પરવાનગી નથી હોતી. અમે પીપીઇ કીટ પહેરીને તેમની સાથે વાત કરીએ ત્યારે તેમને કોઇ અંગત સ્વજન મળી ગયું હોય એટલી ખુશીનો દર્દી અનુભવ કરે છે. અમને પણ એમ થાય કે બે સારા શબ્દો બોલવાથી કોઇના ચહેરા પર ચમક આવી જતી હોય તો   આવું કામ કરવું  ઘણું સારું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp