દુનિયાની પહેલી નેઝલ કોરોના વેક્સીન ભારતમાં લોન્ચ, જાણો કોણ લઈ શકે છે આ વેક્સીન

PC: livemint.com

દુનિયાની પહેલી નેઝલ વેક્સીન ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. વેક્સીનનું નામ iNCOVACC છે, જેને ભારત બાયોટેકે બનાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે આ વેક્સીનને લોન્ચ કરી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, iNCOVACC પહેલા પ્રાઈવેટ હોસ્પિટલોમાં મુકવામાં આવશે. ભારત બાયોટેકની નેઝલ વેક્સીનને ગત વર્ષે 6 સપ્ટેમ્બરે સરકારે ઈમરજન્સી યુઝની મંજૂરી આપી હતી. જોકે, અત્યારસુધી આ વેક્સીન લગાવવામાં આવી રહી નહોતી. iNCOVACCને રોલઆઉટ કરાયા બાદ હવે અન્ય એક વેક્સીન જોડાઈ ગઈ છે. તેને કોવિન પોર્ટલ પર પણ લિસ્ટ કરી દેવામાં આવી છે. ત્યારબાદ કોવિન પોર્ટલ પર ભારત બાયોટેકની કોવેક્સીન, સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ અને કોવોવેક્સ, રશિયાની સ્પૂતનિક વી અને બાયોલોજિકલ ઈ લિમિટેડની કોર્બેવેક્સ ઉપરાંત, iNCOVACC પણ આવી ગઈ છે.

કેવી છે આ વેક્સીન?

  • આ દુનિયાની પહેલી નેઝલ વેક્સીન છે. આ વેક્સીનને ભારત બાયોટેક અને અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીએ મળીને બનાવી છે. તેને પહેલા BBV154 નામ આપવામાં આવ્યું હતું. હવે તેને iNCOVACC નામ આપવામાં આવ્યું છે.

કઈ રીતે કામ કરે છે આ વેક્સીન?

  • કોરોના સહિત મોટાભાગના વાયરસ મ્યુકોસા દ્વારા શરીરમાં પ્રવેશે છે. મ્યુકોસા નાક, ફેફસા, પાચનતંત્રમાં મળી આવતો ચીકણો પદાર્થ છે. નેઝલ વેક્સીન ડાયરેક્ટ મ્યુકોસામાં જ ઈમ્યુન રિસ્પોન્સ પેદા કરે છે, જ્યારે મસ્કુલર વેક્સીન એવુ નથી કરી શકતી.
  • ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં AIIMSના પૂર્વ ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, નેઝલ વેક્સીન સારી છે કારણ કે, તેને મુકવી વધુ સરળ છે અને તે મ્યૂકોસામાં જ ઈમ્યુનિટી બનાવી દે છે, જેને કારણે સંક્રમણથી શરૂઆતમાં જ બચી શકાય છે.

અન્ય વેક્સીન કરતા કેટલી અલગ?

  • ભારતમાં અત્યારસુધી જેટલી વેક્સીન લગાવવામાં આવી રહી છે, તે તમામ ઈન્સ્ટ્રામસ્ક્લુર વેક્સીન છે. તેને ઈન્જેક્શન દ્વારા હાથ પર મુકવામાં આવે છે.
  • પરંતુ, ભારત બાયોટેકની આ નેઝલ વેક્સીન છે. તેને નાક દ્વારા આપવામાં આવશે. તેનો મતલબ એ છે કે, તેને ડ્રોપની જેમ નાકમાં મુકવામાં આવશે.
  • નેઝલ વેક્સીનને મસ્કુલર વેક્સીન કરતા વધુ અસરકારક માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે, જ્યારે ઈંજેક્શન દ્વારા હાથમાં વેક્સીન લગાવવામાં આવે છે તો તે સંક્રમણથી ફેફસાને બચાવે છે. પરંતુ, નેઝલ વેક્સીન નાકમાં આપવામાં આવે છે અને તે નાકમાં જ વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી બનાવી દે છે જેને કારણે વાયરસ શરીરની અંદર નથી જઈ શકતા.
  • આ વેક્સીનને ડ્રોપ દ્વારા નાકમાં નાંખવામાં આવશે. તેના એક ડોઝમાં ચાર ડ્રોપ નાંખવામાં આવે છે. જો બે ડોઝ જ મુકવાના હોય તો ચાર અઠવાડિયા બાદ બીજા ડોઝમાં ફરીથી ચાર ડ્રોપ નાંખવામાં આવશે.

કેટલી સેફ છે આ વેક્સીન?

  • ત્રણેય ફેઝના ટ્રાયલમાં iNCOVACC અસરદાર સાબિત થઈ છે. કંપનીએ ફેઝ-1ના ટ્રાયલમાં 175 અને બીજા ફેઝના ટ્રાયલમાં 200 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
  • ત્રીજા ફેઝનું ટ્રાયલ બે પ્રકારે થયુ હતું. પહેલું ટ્રાયલ 3100 લોકો પર કરવામાં આવ્યું હતું, જેમને વેક્સીનના બે ડોઝ આપવામાં આવ્યા હતા. તેમજ, બીજું ટ્રાયલ 875 લોકો પર કરવામાં આવ્યું હતું અને તેમને આ વેક્સીન બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી હતી.
  • કંપનીનો દાવો છે કે, ટ્રાયલમાં આ વેક્સીન કોરોના વિરુદ્ધ અસરદાર સાબિત થઈ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ વેક્સીનથી લોકોના અપર રેસ્પિરેટરી સિસ્ટમમાં કોરોના વિરુદ્ધ જબરદસ્ત ઈમ્યુનિટી બની છે, જેનાથી સંક્રમણ થવાના અને ફેલાવાનું જોખમ ખૂબ જ ઓછું છે.

કોણ લગાવી શકે છે આ વેક્સીન?

  • આ વેક્સીન હાલ 18 વર્ષ અથવા તેના કરતા વધુ ઉંમરના લોકો જ લઈ શકે છે. 12થી 17 વર્ષના બાળકોનું પણ વેક્સીનેશન ચાલી રહ્યું છે પરંતુ, તેઓ આ વેક્સીન નહીં લગાવી શકશે.
  • બીજી વાત એ છે કે, તેને બૂસ્ટર ડોઝ તરીકે લગાવી શકાશે. એટલે કે, જો કોઈપણ વેક્સીન ના લીધી હોય તો પણ તેને લગાવી શકાય છે. જોકે, ભારતમાં લગભગ આખી આબાદીનું વેક્સીનેશન થઈ ચુક્યુ છે.
  • પરંતુ, હજુ પણ ઘણી મોટી આબાદીએ બૂસ્ટર ડોઝ નથી લીધો. કોવિન પોર્ટલ અનુસાર, દેશમાં 95.15 કરોડ કરતા વધુ લોકો બે ડોઝ લઈ ચુક્યા છે. પરંતુ, 22.47 કરોડ લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે.
  • આ વેક્સીન લેવા માટે તમારે CoWin પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવુ પડશે. તેને માટે cowin.gov.in પર રજિસ્ટર કરવાનું રહેશે. અહીં જઈને તમે iNOVACCને પસંદ કરી શકો છો.
  • આ વેક્સીન હાલ પ્રાઈવેટ હોસ્પિટલોમાં જ મુકવામાં આવશે. સરકારી હોસ્પિટલ અથવા સરકારી દવાખાનામાં આ વેક્સીન મુકવામાં નહીં આવશે.
  • આ વેક્સીનની કિંમતની વાત કરીએ તો કેન્દ્ર અથવા રાજ્ય સરકારોને આ વેક્સીન 325 રૂપિયામાં મળશે. જ્યારે, પ્રાઈવેટ હોસ્પિટલોને તે 800 રૂપિયામાં મળશે. આ ઉપરાંત, તેના પર GST પણ લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp