ઉત્તર પ્રદેશના અલીગઢના નિવૃત્ત મેડિકલ ઓફિસર સિવિલમાં સારવાર લઈ કોરોનામુક્ત થયા

PC: Khabarchhe.com

સુરતમાં રહેતી દીકરીના ઘરે આવેલા ઉત્તર પ્રદેશના અલીગઢના 64 વર્ષીય નિવૃત્ત મેડિકલ ઓફિસર ડૉ.વિરેન્દ્રસિંહ પાલ કોરોનાગ્રસ્ત થયાં, પરંતુ નવી સિવિલની સારવારથી સ્વસ્થ થયાં છે. સિવિલના તબીબોની સેવાથી ખુશ થઈને હકારાત્મક ઊર્જા સાથે તેઓ સુરતના આરોગ્ય તંત્રને બિરદાવે છે. તેઓ અલીગઢમાં સેન્ટ્રલ હેલ્થ સર્વિસિસમાં સુપર ટાઈમ એડમિનિસ્ટ્રેટીવ ગ્રેડની પોસ્ટ પર ફરજમાં હતા. ભારતીય આર્મીમાં 35 વર્ષ સેવા આપી વર્ષ 2016માં નિવૃત્ત થઈને થઈને હાલ પુણેની આર્મી મેડિકલ કોલેજમાં સાઈકિયાટ્રીસ્ટ મેડિકલ ઓફિસર તરીકે ફરજ પર બજાવતા ડૉ.વિરેન્દ્રસિંહ જણાવે છે કે, 'અંગત કામથી પાલ વિસ્તારમાં આવેલી ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં રહેતી દિકરીને ત્યાં આવ્યો, ત્યારે તા.22મી સપ્ટેમ્બરે મને સામાન્ય તાવ, શરદી જેવા પ્રારંભિક લક્ષણો દેખાતા મેં આરટીપીસીઆરનો રિપોર્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવતા ખાનગી લેબોરેટરીમાં બે વખત એચઆર સિટી સ્કેન કરાવ્યું. જેમાં 30-35 ટકા જેટલું ફેફસામાં કોરોનાનું ઇન્ફેક્શન જણાતા 24 સપ્ટેમ્બરે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો. શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ઓક્સિજનનું પ્રમાણ ઘટતા કોવિડ આઈસીયુમાં શિફ્ટ કરાયો. સિવિલમાં પંદર દિવસ ઓક્સિજન પર રહ્યો. ત્યારબાદ તબિયતમાં સુધારો થતાં જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યો અને નવ દિવસ તબીબી મોનિટરીંગ હેઠળ રહીને તા.17 ઓક્ટોબરે મારૂ ઓક્સિજન લેવલ નોર્મલ થતા રજા આપવામાં આવી.'

ડૉ.વિરેન્દ્રસિંહ પાલ વધુમાં જણાવે છે કે, 'હું ખુદ ડોક્ટર છું, પણ મને મારા જ રિપોર્ટ જાણવાની ખૂબ જ ઉત્સુકતા રહેતી. સિવિલમાં ગવર્નમેન્ટ હોસ્પિટલના પ્રોટોકોલ મુજબ રેમડેસિવિર સહિતની દવા, ઈન્જેક્શન આપવા સાથે રિપોર્ટ કરાતા હતાં. મને જાણ છે કે આઈએલ-6 રિપોર્ટ ખર્ચ અંદાજીત રૂ.3000 જેટલો થાય, જે અહીં તદ્દન નિ:શુલ્ક થયો. મોંઘા ઈન્જેક્શન આપ્યા, દવાથી લઈને તમામ પ્રકારની વિનામૂલ્યે સારવાર, સાથે પૌષ્ટિક ભોજનથી આજે સ્વસ્થ થયો છું. સિવિલના ડૉ.અશ્વિન વસાવાએ મારી ખુબ કાળજી લીધી છે. દિવસમાં દરેક રાઉન્ડમાં આવતી જતી વખતે તમામ દર્દીઓ પર સ્ટાફ તેમજ તબીબોની ટીમનું મોનિટરીંગ રહે છે.

ડૉ.પાલે સંતોષ વ્યકત કરતાં જણાવ્યું કે, સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફથી લઈને ચોથા વર્ગના કર્મચારીઓ, પીપીઈ કિટ, સેનિટાઈઝર, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લોવ્ઝ સહિતની કાળજી રાખવાં છતાં પણ કોરોના સંક્રમણના શિકાર થતા હોય છે. પરંતુ સેવા માટે તેઓ સંપૂર્ણ સમર્પિત હોય છે એ મેં માટે અનુભવ્યું છે. તેઓ 12 કલાક સતત સેવા કરીને નિ:સ્વાર્થભાવે પોતાની નૈતિક ફરજ બજાવે છે. સમયસર શુદ્ધ હાઈઝેનિક ભોજન, દવા, ગરમ પાણી, ઉકાળો, ચા, નાસ્તાથી લઈને તમામ પ્રકાર કાળજી રાખી છે.

કેનેડામાં રહેતો મારો પુત્ર અને અમેરિકામાં રહેતી દિકરી સતત વિડીયો કોલ કરતા ત્યારે કહેતા કે, 'પપ્પા, તમે શું કોઈ સુરતની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ છો.? કેમ કે જ્યારે વિડીયો કોલ કરતા ત્યારે હું અહિંયાના દ્રશ્યો બતાવતો. સિવિલ હોસ્પિટલની સારવાર દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ સમકક્ષ છે એવું હું ગર્વથી કહું છું. હું ધારત તો પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકત. પણ રાજ્ય સરકાર અને સિવિલ તંત્રએ જે રીતે લોકોની સેવા કરીને સાજા કર્યા છે, ત્યારે મને વિશ્વાસ હતો કે હું પણ કોરોનાને હરાવીશ. આજે હું વિજયી બની ઘરે આવ્યો છું એમ તેઓ ઉમેરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp