રથયાત્રા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને ત્યારપછી PM મોદી ગુજરાત આવશે

PC: sabrangindia.in

ગુજરાતમાં રથયાત્રાના પ્રસંગ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. તેઓ અમદાવાદના સાયન્સ સિટીમાં ઉભા કરવામાં આવેલા વર્લ્ડક્લાસ એક્વેરિયમનું લોકાર્પણ કરશે. જો કે તેમના પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.

વડાપ્રધાનનો કાર્યક્રમ 12મી જુલાઇએ યોજાનારી રથયાત્રા પછી બની રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સાયન્સ સિટીના કાર્યક્રમ ઉપરાંત નરેન્દ્ર મોદી ગાંધીનગરનું આધુનિક રેલવે સ્ટેશન અને તેના પર બનાવવામાં આવેલી ફાઇવસ્ટાર હોટલનું પણ ઉદ્દઘાટન કરશે.

તેમની આ મુલાકાતને પગલે વહીવટી તંત્રને કહેવામાં આવ્યું છે કે જે પ્રોજેક્ટ ખુલ્લા મૂકવામાં આવનાર છે તેના કામો સપ્તાહ સુધીમાં પૂર્ણ કરવાના રહેશે. ગાંધીનગરની ફાઇવસ્ટાર હોટલમાં અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એટલું જ નહીં સાયન્સ સિટીના એક્વેરિયમ માટે પણ તંત્ર સજ્જ છે.

અમદાવાદ સ્થિત સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશની માછલીઓ જોવા મળશે. એક્વેરિયમમાં સ્કૂબા ડાઈવિંગ મજા પણ માણી શકાશે. થોડા સમય પહેલાં સાયન્સ સિટીની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 250 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ એક્વેરિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

ગાંધીનગરમાં બની રહેલા રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલને અગાઉ બે વખત ખુલ્લી મૂકવાનું આયોજન વિચારવામાં આવ્યું હતું પરંતુ કોરોના સંક્રમણના કારણે ઉદ્ધઘાટન થઇ શક્યું ન હતું. આ બન્ને પ્રોજેક્ટ ભારતીય રેલવે મંત્રાલયની બનેલી ગરૂડ કંપની કરી રહી છે. હવે 12મી જુલાઇ પછી ગમે ત્યારે વડાપ્રધાન આ બન્ને પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp