કેદારનાથ મંદિરે જતા પહેલા વાંચી લો આ જરૂરી સમાચાર, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ

PC: twitter.com

કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, હવે શ્રદ્ધાળુ મંદિર પરિસરમાં ન તો તસવીરો લઈ શકશે અને ન તો વીડિયો બનાવી શકશે. આ નિર્ણય શ્રીબદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ લીધો છે. હાલમાં જ એક મહિલા બ્લોગર દ્વારા મંદિર પરિસરમાં વિવાદાસ્પદ વીડિયો બનાવવા અને તેને વાયરલ કરવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ મંદિર સમિતિ તરફથી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.

શ્રીબદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ મંદિર પરિસરમાં ઠેર-ઠેર બોર્ડ લગાવ્યા છે, જેના પર લખ્યું છે કે મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશ ન કરો, મંદિરની અંદર કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પૂરી રીતે પ્રતિબંધિત છે અને તમે CCTV કેમેરાની દેખરેખમાં છો. એટલું જ નહીં, મંદિર સમિતિએ કેદારનાથ આવનારા શ્રદ્ધાળુઓને સભ્ય કપડાં પહેરવા અને મંદિર પરિસરમાં તંબુ કે શિબિર લગાવતા બચવા કહ્યું છે. મંદિર પરિસરમાં હિન્દી અને અંગ્રેજીમાં લાગેલા બોર્ડ પર એમ પણ કહ્યું છે કે, આદેશોનું પાલન ન કરનારાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

શ્રીબદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું કે, આ ધાર્મિક સ્થળ છે, જ્યાં લોકો ખૂબ આસ્થાથી આવે છે. ભક્તોએ તેનું સન્માન કરવું જોઈએ. બદ્રીનાથ ધામથી અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ ત્યાં પણ એવા બોર્ડ લગાવવામાં આવ્યા છે. હાલમાં જ મંદિરના ગર્ભગૃહમાં જવા અગાઉ યાત્રીઓના મોબાઈલ સ્વિચ ઓફ કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા, સાથે જ ત્યાં કોઈ કેમેરા લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે આખા મંદિર પરિસરમાં મોબાઈલ ફોનની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

હાલમાં જ એક વીડિયોમાં કપલ ઊભું રહીને ભગવાન શંકરના દર્શન કરી રહ્યું છે. અચાનક છોકરી પોતાના બોયફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરે છે. વીડિયોમાં છોકરો-છોકરી ખુશ છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં તેને લઈને બહેસ છેડાઈ ગઈ હતી. લોકોનું કહેવું છે કે કેદારનાથને સામાન્ય ટૂરિસ્ટ સ્પોટની જેમ ટ્રીટ કરવામાં આવી રહ્યું છે. મંદિર સમિતિ પાસે એવા વીડિયો બનાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. આ દરમિયાન પરિસરમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવવાની પણ માગ ઉઠી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp