26th January selfie contest

કેજરીવાલના હિન્દુવિરોધી પોસ્ટર્સ અને ડૉ. બાબા સાહેબની 22 શપથોમાં શું છે સંબંધ?

PC: khabarchhe.com

(virang bhatt)અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના શહેરોમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને હિન્દુ વિરોધી દર્શાવતા પોસ્ટર્સ લાગ્યા છે. આ પોસ્ટર્સ હિન્દુ હિતરક્ષક સમિતિના નામે લાગ્યા છે. પોસ્ટર્સમાં કેજરીવાલના ફોટા સાથે એવું લખાયું છે કે હું હિંદુ ધર્મને પાગલપન માનું છું....હું શ્રાદ્ધ કે પિંડદાન કરીશ નહીં... આ પોસ્ટર્સ પર લખાયું છે કે આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર. ખરેખર તો આ બધા પોસ્ટર્સ પર જે લખાયું છે કે ડો. બાબા સાહેબ આંબેડકરે જ્યારે બૌદ્ધ ધર્મ અપનાવ્યો ત્યારે તેમણે જે પ્રતિજ્ઞાઓ લેવડાવી તે છે. તેમણે 22 પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી જેમાંથી કેટલીક પ્રતિજ્ઞાઓનો પોસ્ટર્સ પર ઉલ્લેખ છે. તમને એ 22 પ્રતિજ્ઞાઓ વિશે જણાવીશું પરંતુ તે પહેલા આખો ઘટનાક્રમ સમજી લો.

હવે સવાલ એ થાય છે કે આ પોસ્ટર્સ લાગ્યા કેમ. એવું તે શું થયું કે કેજરીવાલને હિન્દુ વિરોધી ચિતરવામાં આવી રહ્યા છે. ખરેખર આની પાછળ દશેરાના દિવસે આમ આદમી પાર્ટીના એક મંત્રીએ દિલ્હીનો યોજેલો એક કાર્યક્રમ છે.

દિલ્હીની કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો હિન્દુ દેવી-દેવતાઓનો બહિષ્કાર કરવાનો વીડિયો વાયરલ થયા બાદ નવો રાજનૈતિક હોબાળો શરૂ થઈ ગયો છે. ત્યારબાદ ભાજપ આમ આદમી પાર્ટી (AAP) પર પ્રહાર કરી રહી છે. વાયરલ વીડિયોમાં ઘણા બૌદ્ધ સંત સેકડો લોકોને હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પ્રવેશ અપાવી રહ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ પણ છે. તેઓ વીડિયોમાં બધાને એમ કહેતા સંભળાઈ રહ્યા છે કે, હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને નહીં માનું. હું રામ-કૃષ્ણની પૂજા નહીં કરું.

હું કોઈ હિન્દુ દેવી-દેવતાઓને નહીં માનું. ત્યારબાદ ભાજપે આમ આદમી પાર્ટી પર ચોતરફી હુમલો શરૂ કરી દીધો છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે, કેજરીવાલના મંત્રી દિલ્હીમાં હિન્દુઓ, હિન્દુ દેવી-દેવતાઓને ગાળો આપી રહ્યા છે અને કેજરીવાલ ગુજરાતમાં જય શ્રી કૃષ્ણ બોલવાનો ઢોંગ કરી રહ્યા છે. મફતમાં સામાન આપીને ગરીબ હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવનારી એજન્સી બની ગઈ છે આમ આદમી પાર્ટી.

ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, તે હિન્દુત્વ અને બૌદ્ધ ધર્મનું અપમાન છે. આમ આદમી પાર્ટીના મંત્રી દંગા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મંત્રીને તાત્કાલિક પાર્ટીમાંથી કાઢી દેવા જોઈએ. અમે આરોપી વિરુદ્ધ ફરિયાદ આપી રહ્યા છીએ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ વીડિયો સાથે લખ્યું કે, ‘ફરી એક વખત આમ આદમી પાર્ટીનો હિન્દુ વિરોધી ચહેરો બેનકાબ. અરવિંદ કેજરીવાલના મંત્રી લોકોને શપથ અપાવી રહ્યા છે કે હું કોઈ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને નહીં માનું.

તો પછી ચૂંટણી દરમિયાન મંદિરોમાં કેમ દર્શન કરવા માટે જાઓ છો? શું હિન્દુ ધર્મ એટલો ખૂંચે છે AAPની આંખોમાં? એટલી નફરત કેમ?’ તો કાર્યક્રમમાં સામેલ રહેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે, ભાજપ રાષ્ટ્ર વિરોધી છે. હું બૌદ્ધ મતમાં વિશ્વાસ રાખું છું. તેનાથી કોઈ વ્યક્તિને શું પરેશાની છે? તેમને ફરિયાદ કરવા દો. સંવિધાન આપણને કોઈ પણ ધર્મનું પાલન કરવાનો અધિકાર આપે છે. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. તે અમારી વિરુદ્ધ માત્ર નકલી કેસ દાખલ કરાવી શકે છે.

જો આપણે રાજકારણને એક બાજુએ મૂકીએ અને ઇતિહાસ પર નજર નાંખીએ તો ડો. બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956માં લાખો સમર્થકો સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તેમણે તે વખતે 22 પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી. પરંતુ આ તમામ પ્રતિજ્ઞાઓમાં ક્યાંય હિન્દુ કે હિન્દુ ધર્મ શબ્દનો ઉપયોગ કરાયો નથી. તેમાં માત્ર ભગવાનોનો ઉલ્લેખ છે. તો વાંચી લો કઇ હતી તે 22 પ્રતિજ્ઞાઓ...

1.હું બ્રહ્મા ,વિષ્ણુ અને મહેશ માં કોઈ વિશ્વાસ નહિ રાખું અને ના હું એમની પૂજા કરીશ

2.હું રામ અને કૃષ્ણ ને ઈશ્વર નહિ માનું ના એમની પૂજા કરીશ

3.હું ગૌરી,ગણપતિ અને હિન્દૂ ધર્મ ના કોઈ પણ ભગવાન ને ભગવાન નહી માનું કે એમની પૂજા નહિ કરું.

4.ઈશ્વર એ અવતાર લીધો એમાં મારો વિશ્વાસ નથી.

5.હું માનું છું કે બુદ્ધ એ વિષ્ણુ નો અવતાર છે એ જૂઠો અને ભ્રામક પ્રચાર છે.

6.હું શ્રાદ્ધપક્ષ નહી કરું અને પિંડદાન પણ નહીં કરું.

7.બૌદ્ધ ધમ્મ સાથે મેળ ન હોય એવાં કોઈ પણ આચારધર્મ નું પાલન નહિ કરું.

8.હું બ્રાહ્મણો ના હાથે કોઈ ક્રિયાકર્મ નહિ કરાવું .

9.બધા મનુષ્ય માત્ર સમાન છે એવુ હું માનું છું .

10.હું સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ.

11.હું બુદ્ધ ના અષ્ટાંગિક માર્ગ નો અનુસરણ કરીશ.

12.હું બુદ્ધ દ્વારા નિર્ધારિત દસ પારમીતા ઓ નું પાલન કરીશ.

13.હું બધા જ જીવિત પ્રાણી ઓ પ્રતિ દયા કરીશ.

14 .હું ચોરી નહિ કરું.

15.હું જૂઠું નહિ બોલું.

16.હું વ્યભિચાર નહિ કરું.

17.હું દારૂ નહિ પીવું.

18.પ્રજ્ઞા,કરુણા અને શીલ આ ત્રણ તત્વો ના સહારે હું મારું જીવન વ્યાપન કરીશ.

19.મનુષ્ય માત્ર ના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માત્ર ને અસમાન તેમજ કોઈને નીચ માનવા વાળા મારા જુના ધર્મ નો હું ત્યાગ કરું છું
અને બુદ્ધ ધમ્મ નો સ્વીકાર કરું છું.

20.બૌદ્ધ ધમ્મ સદ્ધમ્મ છે એનો મને પુરે પૂરો વિશ્વાસ છે.

21.હું માનું છું કે આજે મારો નવો જન્મ થઈ રહ્યો છે.

22.આજ પછી હું બુદ્ધ ની આપેલી શિક્ષા પ્રમાણે જ ચાલીશ.

હવે આ પ્રતિજ્ઞાઓને હિન્દુ ધર્મની વિરુદ્ધ કહેવી કે નહીં તે મોટો સવાલ છે. સુપ્રીમ કોર્ટે જ કહ્યું કે હિન્દુ એ કોઇ ધર્મ નથી પરંતુ તે એક જીવન પદ્ધતિ છે. એટલે હિન્દુ ધર્મમાં રહીને પણ તેના જુદા જુદા ભગવાનોમાં ન માનનારો વર્ગ છે. શૈવ અને વૈષ્ણવો વચ્ચેની લડાઇ કે બીજા સંપ્રદાયો વચ્ચેની લડાઇ જાણીતી છે. હાલ જ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોએ ભગવાન શિવ વિશે અણછાજતી વાતો કરી અને તેનો મોટો વિવાદ થયો હતો. એટલે હિન્દુ ધર્મને સંકીર્ણતામાં જોઇએ તો વિરોધ યોગ્ય છે. પરંતુ જો તેને જીવન પદ્ધતિ તરીકે જોઇએ તો કોઇપણ ભગવાનમાં માનવા કે ન માનવાની છૂટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp