ત્યારે ફટાકડા માટે પૈસા નહોતા, પણ બીજાના ફૂટી રહેલા ફટાકડા જોવાનો આનંદ થતો હતો

PC: telegraph.co.uk

તહેવારો દરમિયાન અનેક વખત થોડીક ક્ષણો રોકાઈ જીંદગીના પાછળના દિવસો યાદ કરું છું, ત્યારે સમજાય છે કે ઘણી વખત પૈસા અને સગવડનો અભાવ પણ સુખનો અહેસાસ કરાવતા હતા, જયારે આપણે પાસે પૈસા અને સગવડો આવી જાય છે ત્યારે મને લાગે કે પેલો જે સુખનો અહેસાસ હતો તેની ગેરહાજરી જોવા મળે છે. મારા માતા પિતા બંને સરકારી નોકર હતા, રહેવા જમવાની તો વ્યવસ્થા બરાબર હતી પણ ત્યારે બાળ માનસ કલ્પના કરે અને ખાસ કરી તહેવારો દરિમાયન ખૂબ બધા ફટાકડા અને મીઠાઈ આપણને મળે તો કેવી મજા પડે તેવુ લાગતુ હતું, અમારી આર્થિક સ્થિતિ સાવ ગરીબ નહોતી પણ એક મધ્યમવર્ગનો પિતા કરી શકે તેવુ તમામ મારા માતા-પિતા અમારા માટે કરતા હતા, આમ છતાં તેમણે આપેલા પૈસામાંથી અથવા તેમણે લાવેલા ફટાકડા અને મીઠાઈ ખૂબ ઓછા છે તેવું લાગતુ હતું, પણ ત્યારે દુખી થવાનો સમય નહોતો, આપણી પાસે ફટાકડા ઓછા છે તો કઈ વાંધો નહીં આપણા પડોશી અથવા આપણા મિત્ર જેમની સ્થિતિ આપણા કરતા સારી છે તેમના ફૂટી રહેલા મોંઘા ફટાકડા જોઈને પણ મન રોમાંચીત થઈ જતુ હતું.

લગભગ દરેક તહેવારના દિવસોમાં ઉભો રહી તે દિવસોને યાદ કરું છું ત્યારે લાગે છે ચારા આનામાં અડધો કલાક ભાડે મળતી સાઇકલો, આકાશ તરફથી જમીન તરફ આવી રહેલી કપાયેલી પતંગ પાછળની દોટ, ઉનાળામાં દિવસોમાં મામાના ઘરની ખુલ્લી અગાશી, ખોચામણી અને નારગોલચ્ચુ જેવી રમતો અને ત્યારે ખુલ્લા પગે દોડતા પગમાં કાંટા વાગે તો પણ તેની વેદના થવાને બદલે આનંદ થતો આવુ કેમ થતુ હતું તે આજે પણ હું સમજવાનો પ્રયત્ન કરું છું પંદર તારીખ પછી પિતા સામે તમે કોઈ માંગણી મૂકો અને તે કહે આખર તારીખ છે તે વાત તો હવે ભૂલાઈ જ ગઈ છે ત્યાર પછી પહેલી તારીખ ક્યારેય આવશે અને પગારના દિવસે પપ્પા શુ ખાવાનું લાવશે તેનો ઈંતઝાર જાણે જીવવાનું બળ આપતો તેવુ લાગે છે. રોજ રોટલી શાક જમતા ત્યારે જોઈ તો કોઈ મહેમાન આવે તો આજે અચુક મમ્મી કંઈક ભાવતુ ભોજન બનાવશે તેવી નાનકડી સમજ જીવવાની તાકાત બની જતી.

મારા પિતા પાસે સાયકલ હતી, પિતા સાયકલ ચલાવતા, મમ્મી પાછળના કેરીયર ઉપર બેસતી તેના ખોળામાં હું અને આગળ ગવન્ડરમાં ભરાવેલા બાસ્કેટમાં મારો ભાઈ બેસતો અને ચારેની સવારી નીકળે ત્યારે જાણે હું ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટમાં મુંબઈ જઈ રહ્યો હોઉ તેવો રોમાંચ થતો હતો ખેર પ્લેનની વાત નિકળી એટલે કહું આકાશમાં ઉડતુ પ્લેન જોવુ આજે પણ મને એટલુ જ ગમે છે, હું બાળપણમાં અમદાવાદ એરપોર્ટની દિવાલ પાસે બહાર ઉભો રહી પ્લેન જોવા જતો તેવું આજે પણ હું અને મારી પત્ની શીવાની અનેક વખત તેવુ કરીએ છીએ પહેલા પ્લેન જોવા સાયકલ ઉપર જતો ફેર એટલો જ છે કે હવે કાર લઈ પ્લેન જોવા જઉ છું ખબર નહીં આજે પણ અમદાવાદ એરપોર્ટની દિવાલ પાસે ઉભો રહું ત્યારે ચાલીસ વર્ષ પહેલાની સુખની અનુભુતી તાજી થાય છે, તે જમાનામાં અમદાવાદમાં જાણીતી ઈન્ટીલીયન બેકરી હતી બેકરી તો આજે પણ છે મારી સ્કુલની બરાબર સામે તેની એક બ્રાન્ચ હતી, તે દુકાનમાં જઈએ ત્યારે કાચની પાછળ મુકેલા કેક, પેસ્ટ્રી અને ક્રીમરોલ મને વિચલીત કરી દેતા હતા.

મારો ભાવતો ક્રીમ રોલ બે રૂપિયામાં જ મળતો પણ રોજ તો ક્રીમ રોલ માટે કેવી રીતે પૈસા મળે જયારે સ્કુલની આખા મહિનાની પાંચ રૂપિયા હતી ત્યારે બે રૂપિયાનો ક્રીમ રોલ મારા પિતાને મોંઘો લાગવો બહુ સ્વભાવીક હતો, મેં નક્કી કર્યુ ક્રીમ રોલ તો ખાવો જ છે, પિતાના ખીસ્સામાંથી પૈસા ચોર્યા અને ક્રીમ રોલ ખાધો, જો કે ત્યાર પછી ચોરી પકડાઈ જતા મમ્મીનો માર પણ ખુુબ ખાધો, પણ તે દિવસ પછી મને તેવો ક્રીમ રોલ ખાવા મળ્યો નથી કદાચ હવે તેવો ઉત્તમ ક્રીમ રોલ બનતા નથી તેવુ હું પોતાને સમજાઈ લઉ છુ કોઈ પુછે ખાવા માટે ચોરી કરવી પડે તો હું કહીશ તે વાત તમને નહીં સમજાય કદાચ મારા બાળકોને પણ સમજાતી નથી., 1974માં પિતાાને ગુજરાત હાઉસીગ બોર્ડના ડ્રોમાં નારણપુરામાં મકાન લાગ્યુ, હજી બાંધકામ ચાલુ હતું હું મારા દાદા સાથે ઉબડખાબડ રસ્તા ઉપર ચાલી રહ્યો હતો, મારા દાદા મનોમન બબડી રહ્યા હતા આવા જંગલમમાં તો મકાન લેવાય, પણ મારા પપ્પાની હેસીયત પ્રમાણે અહિયા જ મકાન મળે તેમ હતું.

એક વર્ષ પછી એટલે 1975 સરકારને એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમારા જેવા માણસો ઉપર દયા આવી તેમણે સોસાયટીના નાકા સુધી પાકો રસ્તો બનાવી આપ્યો અને એએમટીએસ દ્વારા 64-3 નંબરની બસ શરૂ કરવામાં આવી, જે દિવસે પહેલી વખત બસ શરૂ થઈ ત્યારે આખી સોસાયટી અમારે ત્યાં આવેલી લાલ બસ જોવા બસ સ્ટેન્ડ ઉપર ભેગી થઈ હતી ઘણી મહિલાઓ બસ માટે હાર લઈ આવી હતી તો એક મહિલા નારીયળ લઈ આવી હતી, બસના ડ્રાઈવરે બસના આગળના વ્હીલ નીચે નારીયળ મુકે બસ હંકારી ત્યારે નારીયળ ભલે ફાટયુ હોય પણ આનંદની કીકીયારીઓ અમારા હ્રદયમાંથી નિકળી હતી. અમારા આખા વિસ્તારને એવુ લાગતુ હતું જાણે અમે લાલ બસ ખરીદી છે મેં પહેલી વખત કાર ખરીદી ત્યારે પણ તે બસ આવી તે દિવસે આનંદ થયો તેવો થયો નહોતો બસ તો મારી નહોતી તો પણ બસ મને મારી લાગતી હતી

જે સમયને હું રોકી શકયો નથી તેવો સમય દરેક તહેવારે આવી જાણે મારી ચી઼ડવતો હોય તેવુ લાગે છે. આજે ંમારી પાસે હોવી જોઈએ તે તમામ સુવીધાઓ છે.છતાં જે પહેલા હતુ તે પૈકીનું કઈ જ નથી મને ત્યારે થતુ કે પૈસા આવશે એટલે હું વધુ સુખી થઈશ, મારે પૈસા પણ જોઈતા હતા અને સુખ પણ હું આજે દુખી નથી છતાં કઈક મીસીંગ છે તે મને સમજાય છે. કયારેક મને મારા સંતાનોની દયા પણ આવે છે કારણ તેમને આખર તારીખની ખબર નથી, તેમને પગારના દિવસની રાહ જોવી પડતી નથી, તેમના પગમાં કાંટા વાગતા નથી, તેઓ ઘરે કોઈ મહેમાન આવે તેની રાહ જોતા નથી, તેમને પતંગ પકડવા રસ્તાઓ ઉપર દોડવુ પડતુ નથી, અને તેમને ક્રીમરોલ ખાવા માટે મારા ખીસ્સામાંથી પૈસા ચોરવા પડતા નથી આને પણ સુખ કહેવા તે વાતો હવે મારી વારતાઓ પુરતી સિમીત રહી ગઈ છે, તેનો પ્રત્યક્ષ અનુભવ તેમને કયારેય થવાનો નથી, હું સંતાનોને સંપત્તી આપી શકયો પણ મને લાગે છે કે સુખની સમજ આપવામાં ઉણો ઉતર્યો છું,

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp