ધોરણ 1થી ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

PC: Khabarchhe.com

રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે શિક્ષણને લઈને નિર્ણય કર્યા બાદ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓના આરોગ્યના હીતમાં સમગ્ર રાજ્યમાં ધો. 1થી12ના વર્ગમાં ડાયરેક્ટ એજ્યુકેશન એટલે કે ક્લાસ એજ્યુકેશન તા.10 મે સુધી અથવા રાજ્ય સરકારનો આદેશ ન મળે ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. જ્યારે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા સ્થગીત રાખવા માટે નિર્ણય લેવાયો છે. આ સિવાય બાકીના ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે જે વિદ્યાર્થી ધોરણ 9મા છે તેને પ્રમોટ કરીને પરીક્ષા વગર ધોરણ 10મા મોકલવામાં આવશે.

બોર્ડની પરીક્ષા તા.10મે થી 25 મે સુધીમાં યોજાવવાની હતી. જે કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાને લઈને મોકૂફ રાખવામાં આવી છે. રૂપાણી સરકાર આવનારી તા.15મી મેના રોજ કોરોનાની સ્થિતિની ફરી સમીક્ષા કરી આ વર્ગની પરીક્ષાની નવી તારીખ જાહેર કરશે. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને આ માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે. રાજ્યમાં ધો.1થી 9 અને ધો.11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન અપાશે. જોકે, અગાઉ અનેક વાલીઓએ પણ માસ પ્રમોશન આપવા માટે રાજ્ય સરકારને પત્ર લખીને અપીલ કરી હતી.

એક વાલીએ કહ્યું હતું કે, હાલમાં સ્થિતિને ધ્યાને લેતા નાના બાળકો શાળાએ જઈને પરીક્ષા આપી શકે એમ નથી. જ્યારે ઓનલાઈન પરીક્ષામાં ચોરી થાય એવી પૂરી શક્યતા છે. કોઈ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ હેતુ ધો.1થી 9માં માસ પ્રમોશન કરી દેવું જોઈએ. જ્યારે બોર્ડની પરીક્ષા મોડેથી લેવી જોઈએ. જે મેં મહિનાને બદલે જૂનમાં લેવી જોઈએ એવું સૂચન કર્યું હતું. બીજી તરફ ગુજરાત વાલી મંડળ પ્રમુખ નરેશ શાહ કહે છે કે, સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડ CBSEની પરીક્ષા રદ્દ અને મોકુફ રખાઈ છે. રાજ્યના એજ્યુકેશન બોર્ડે પરીક્ષા કેન્સલ કરવાની કોઈ જરૂરિયાત નથી. જે રીતે CBSE બોર્ડે નિર્ણય કર્યો છે એ રીતે ગુજરાત એજ્યુકેશન બોર્ડ પણ કરી શકે છે.

બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં લેવી જોઈએ. CBSE બોર્ડે કેસ વધતા ધો. 10ની પરીક્ષા રદ્દ કરી છે. જ્યારે ધો.12ની પરીક્ષા મોકુફ રાખી છે. તો ગુજરાત બોર્ડની પરીક્ષા મેં મહિનાથી શરૂ થઈ રહી હતી. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત એજ્યુકેશન બોર્ડે હજું સુધી બોર્ડની પરીક્ષાને લઈને ખાસ કોઈ ચોખવટ કરી નથી. માત્ર સ્થગીત કરી છે. બીજું કોઈ આયોજન સ્પષ્ટ કર્યું નથી.

વાલી મંડળે કરી હતી રજૂઆત...

બીજી તરફ, મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસને કારણે મહારાષ્ટ્ર સરકારે બોર્ડની પરીક્ષા સ્થગિત કરી છે. ગુજરાતમાં પણ વધી રહેલા કેસને ધ્યાને લઈને વાલીઓએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો. ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં લેવા નિર્ણય લેવાયો હતો. પણ સતત વધી રહેલા કેસને કારણે વાલીઓની ચિંતા વધી ગઈ છે. વાલી મંડળે સ્પષ્ટતા કરી છે કે, જૂન મહિનામાં આ પરીક્ષાઓ લેવામાં આવે. જ્યારે ધો. 1થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિને ધ્યાને લેતા તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે. મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી. એટલે ધો. 1થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. જ્યારે બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં યોજવામાં આવે. નવું શૈક્ષણિક વર્ષ આમ પણ જૂન મહિનાથી શરૂ થાય છે. કુલ 240 દિવસ ભણતરના શૈક્ષણિક કેલેન્ડર અનુસાર ન મળી શકે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp