CM પટેલે કહ્યું- તમે પ્રગતિ કરીને કેટલા ઉંચા બનો તે મહત્ત્વનું નથી પણ...

PC: khabarchhe.com

સરકારે જણાવ્યું હતું કે, CM ભૂપેન્દ્ર પટેલે ગણપત યુનિવર્સિટીના 15માં પદવીદાન સમારોહમાં 3,792 યુવા છાત્રોને પદવી અર્પણ તથા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને મેડલ્સ પ્રદાન કર્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તમારી શક્તિ-નોલેજને સમાજ માટે ઉપયોગ કરશો, તો સમાજ પણ તમને બે હાથ ફેલાવીને આવકારશે. તમે પ્રગતિ કરીને કેટલા ઉંચા બનો તે મહત્ત્વનું નથી પરંતુ તમારા વ્યક્તિત્વની ઉંચાઇ કેટલી છે, તે મહત્ત્વનું છે એમ તેમણે યુવાછાત્રોને પ્રેરક સંબોધન કરતાં જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, જે માટીમાં આપણે જન્મ લીધો, મોટા થયા ભણ્યા-ગણ્યા એ ભારત ભૂમિને સમ્રગ વિશ્વમાં પ્રતિષ્ઠા મળે તેવું રાષ્ટ્રહિતનું કામ સૌ વિદ્યાર્થીઓ કરશે તેવો વિશ્વાસ છે. મુખ્યમંત્રીએ વિધાર્થીઓને કેરીયર બનાવો, પૈસા કમાવો પણ રાષ્ટ્રહિત, રાજ્યહિત અને તમારા જ્ઞાનના પ્રકાશથી સમાજના છેવાડાના વ્યક્તિનું કલ્યાણ થાય, ઉન્નતિ થાય તેવો ભાવ દિલમાં હમેશાં રાખવાનું આહ્લાન પણ કર્યું હતું.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાન શક્તિથી રાષ્ટ્ર નિર્માણનો મંત્ર આપ્યો છે તેમ કહી CM ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારત, જ્ઞાન સમૃધ્ધ ભારત, નોલેજ બેઇઝડ ઇકોનોમીમાં ભારતે લીડ લેનારા જગદગરૂ ભારતના પ્રધાનમંત્રીના સપનાને નવયુવાનો સાકાર કરે તેવું આહવાન કર્યુ હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદીએ જ્ઞાન શક્તિ-નોલેજ પાવરમાં આપણો યુવાન વર્લ્ડ કોમ્પીટીટર બને તે માટે ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ એજ્યુકેશનની 90 થી વધુ વિવિધ યુનિવર્સીટીઓની સુવિધા આપી છે. પદવીદાન સમારંભમાં ડિગ્રી-શિક્ષા—દિશા પ્રાપ્ત કરનાર 3,792 યુવાનોને તેમના સુવર્ણ ભવિષ્ય માટે અભિનંદન પાઠવી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો યુવાન વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી વાત કરવા સજ્જ થાય તેવી ઉત્તમ શૈક્ષણિક સુવિઘા આ યુનિવર્સીટીએ પુરી પાડી છે.

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત આપણો સંકલ્પ છે, તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, તમે સૌ એવા સમયે જ્ઞાન-કૌશલ્યથી સજજ થઇને સમાજમાં પદાર્પણ કરી રહ્યા છે, જે સમયે આપણા વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતમાતાને વિશ્વગુરૂ બનવાની દિશામાં પ્રયાણ કરી રહ્યા છીયે. આપણી શક્તિ અને આવડતથી ભારતને જગદગુરૂ અને આત્મનિર્ભર બનાવની દિશામાં બહુ મોટું યોગદાન આપી શકવા યુવાશક્તિ સક્ષમ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

કોઇ વ્યક્તિને નિષ્ઠા, તપસ્યા અને દિર્ધદ્રષ્ટી કેવા પરીણામ આપી શકે છે તેનું ઉત્તમ દષ્ટાંત ગણપત યુનિવર્સીટી છે તેવુ કહી કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પદવી મેળવનાર સર્વે વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રિયમંત્રીએ ઉમેર્યું હતું કે આપણા રાજ્યમાં સરદાર પટેલનું સ્વપ્ન વલ્લભ વિધાનગરના નિર્માણથી સાકાર થયુ છે તેવું બીજુ એક સંકુલ ગણપતયુનિવર્સીટી છે. રાજ્યમાં નર્મદા થકી સિંચાઇની સુવિધામાં વધારો થયો છે જેથી આગામી સમયમાં ગુજરાત રાજ્યની કૃષિ ઉત્પાદન શક્તિમાં આઠ ટકાથી વધુ વધારો થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

 નેનો ટેક્નોલોજીની વિસ્તૃત વાત પોતોની આગવી શૈલીમાં કરતાં કેન્દ્રિયમંત્રીએ ઉમેર્યું હતું કે કૃષિક્ષેત્રે યુરિયા ખાતરનું નેનો ટેક્નોલોજીથી નિર્માણ કરનાર ભારત પ્રથમ દેશ બનશે. ગુજરાત અમુલ ડેરી જેવી સંસ્થાના કારણે દુધ ક્ષેત્રે વિશ્વમાં નેતૃત્વ કરી રહ્યું છે. શિક્ષણક્ષેત્રે ટેક્નોલોજી અનુંસાર ફેરફાર પણ જરૂરી છે તેમ તેમણે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જ્ઞાન શક્તિ સાથે સેવાની ભાવના સાથે કામ કરવા જણાવ્યું હતું. નવી દિશા, નવી ઉડાનની દિશામાં કામ કરવા તેમણે અપીલ કરી હતી.

મંત્રી રાઘવજીભાઇએ જણાવ્યું હતું કે પોતોના વતન પ્રેમ અને બાળકોને ઉત્તમ શિક્ષણની સુવિધા મળી રહે તેવો ઉમદા ભાવ ગણપત પટેલ જેવા સમાજ શ્રેષ્ઠીગણમાં છે. તેમને આ યુનિમાં શિક્ષણની તક મળી છે જે માટે અભિનંદન પાઠવી યુવાનોને નવી ઉત્સાહ સાથે આગળ વધવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે યુવાનોએ સ્વામિ વિવેકાનંદના વિચારો સાથે આગળ આવવા અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp