કારકીર્દી ઘડતર માટે ઓપન યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન શિક્ષણ સમયોચિત માધ્યમ છે: CM

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના યુવાછાત્રોને તેમણે મેળવેલા જ્ઞાનનો રાષ્ટ્ર-રાજ્યના વિકાસમાં સદઉપયોગ કરીને જ્ઞાનના પ્રકાશપૂંજથી આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવાનું આહવાન કર્યુ છે. મુખ્યમંત્રીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના 6ઠ્ઠા પદવીદાન સમારોહમાં 12 હજાર જેટલા પદવીધારક છાત્રોને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ હતું.

પ્રવર્તમાન કોરોના કાળમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ સતત બીજો પદવી દાન સમારોહ વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી આયોજિત કરી અન્યો માટે પ્રેરણા પૂરી પાડી છે તે માટે વિજય રૂપાણીએ અભિનંદન પાઠવ્યા હતા. આ પદવીદાન સમારોહમાં 28 ગોલ્ડ અને 31 સિલ્વર મેડલ પ્રાપ્ત પ્રતિભાવંત છાત્રો, 1936 ગ્રામીણ મહિલાશક્તિ સહિત 12323 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક, ડીપ્લોમા વગેરે અભ્યાસક્રમોની પદવીઓ એનાયત કરવામાં આવી હતી.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે નવ દીક્ષિત યુવાઓને પ્રતિબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, શિક્ષણ એવું ક્ષેત્ર છે જેની સાથે નિરંતર જોડાયેલું રહેવું પડે છે. માત્ર પદવી પ્રાપ્ત કરવા પૂરતી શિક્ષણની આરાધના લાભદાયી નથી આથી જીવનભર હ્વદયમાં વિદ્યાર્થીભાવ જાગૃત રાખી, સતત શિક્ષણ દ્વારા કૌશલ્યવાન બનવાથી જ શ્રેષ્ઠ સફળતા હાંસલ થઇ શકશે.

રાજ્યપાલે જીવનમાં સત્યના માર્ગ પર કર્તવ્યધર્મનું સતત પાલન કરવા અને સ્વાધ્યાયમાં પ્રમાદ નહીં કરવાની શીખ પણ યુવાનોને આપી હતી. જીવનમાં સફળતા માટેના પુરૂષાર્થ સાથે સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે સંકલ્પબદ્ધ થવા પણ રાજ્યપાલે યુવાઓને અનુરોધ કરી નશામુક્તિ, સ્વચ્છતા, પ્રાકૃતિક કૃષિ જેવા ક્ષેત્રે યત્કિંચિત યોગદાન આપવા જણાવ્યું હતું. તેમણે કોરોના સંક્રમણને અટકાવવા લોકજાગૃતિ જ મહત્વની હોવાનું જણાવી યુવાનોને આ ક્ષેત્રે પણ યોગદાન આપવા ભારપૂર્વક જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, 1994માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં સ્થપાયેલી રાજ્યની એકમાત્ર આ ઓપન યુનિવર્સિટી શિક્ષણ, સંસ્કૃતિ અને સદભાવના દિશાબોધન ધામ તરીકે રાજ્યના ધમધમતા શહેરોથી માંડીને અંતરિયાળ છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધીના જનસમૂહોને ઘેરબેઠાં જ્ઞાન ગંગા પહોચાડે છે. તેમણે આ યુનિવર્સિટીએ ટ્રાન્સજેન્ડર, જેલના કેદીઓ, દિવ્યાંગ બાળકો, શહીદવીરોની ધર્મપત્નીઓ-બાળકો અને HIV ગ્રસ્ત લોકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાના યુનિવર્સિટીના અભિગમની પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં શિક્ષણ મેળવવા ઇચ્છુક કોઇ પાણ વ્યક્તિને લાંબી મુસાફરી-સફર કર્યા વિના ઘર આંગણે સમયાનુકુલ શિક્ષણના દ્વાર આ યુનિવર્સિટીએ 250 થી વધુ અભ્યાસ કેન્દ્રો દ્વારા ખોલી આપ્યા છે. વિજય રૂપાણીએ ડિઝીટલ મીડિયા, વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી આ યુનિવર્સિટી આવનારા સમયમાં ફેશન ડિઝાઇનીંગ, ડિપ્લોમા કોર્સ ઇન મલ્ટીમિડીયા એન્ડ એનિમેશન, પંચાયતી રાજ જેવા અભ્યાસક્રમો શરૂ કરીને રાજ્યના યુવાઓ સહિતના લોકોની જ્ઞાન તૃષા સંતોષવા સમયબદ્ધ આયોજન કરી રહિ છે તેની પણ વિસ્તૃત ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીએ પ્રવર્તમાન કોરોનાના વૈશ્વિક મહામારી કાળમાં ઓનલાઇન – દુરવર્તી શિક્ષણના માધ્યમથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નવું જ્ઞાન-નવું કૌશલ્ય, ક્ષમતા વર્ધન અને કારકીર્દી ઘડતર વિકાસ માટે ઘરેબેઠાં યોગ્ય તક અવસર પૂરા પાડી રાષ્ટ્રનિર્માણમાં છાત્રશક્તિને પ્રેરિત કરી રહી છે તેનો પણ હર્ષ વ્યકત કર્યો હતો.

આ છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પદવી પ્રાપ્ત કરનારા સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ગુજરાતમાં યુનિવર્સિટી શિક્ષણને મજબૂત બનાવવા વિધાનસભામાં બિલ રજૂ કરાયું છે હવે ગુજરાતમાં મહિલા યુનિવર્સિટીની પણ સ્થાપના થશે અને શિક્ષણના હબ તરીકે ગુજરાત વધુ મજબૂત બનશે.

તેમણે જીવનના પડકારોને કૌશલ્ય નિર્માણ દ્વારા પહોચી વળવા સૌ વિદ્યાર્થીઓને સક્ષમ બનવાનો અનુરોધ કર્યો હતો. અન્ય કાર્યોમાં વ્યસ્ત વ્યક્તિ પણ આ ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસની મોકળાશ મેળવે છે તેમ પણ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મ વિષ્ણુ પંડયાએ આ દીક્ષાંત સમારોહને નવા જીવનના પ્રારંભના પર્વરૂપ ગણાવ્યો હતો. ‘‘અણદીઠી ભોમકા પર યૌવન માંડે આંખ’’ પંક્તિ દ્વારા યુવાનોને પુરૂષાર્થ માટે પ્રેરણા આપતાં પંડયાએ સુસંસ્કૃત બનવા માટે સંસ્કૃત ભાષાના જ્ઞાનને આવશ્યક ગણાવ્યું હતું. તેમણે સંઘર્ષ, સંકલ્પ, સામંજસ્ય સાથે સિદ્ધિ મેળવવી એ ભારતીય યુવાનોના ડી.એન.એ.માં છે તેમ જણાવી યુવાનોને આળસ છોડી સ્વયં અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે પુરૂષાર્થ કરવા અનુરોધ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ સૌ પદવીધારકોને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રારંભમાં કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી, યુનિવર્સિટીની સફળગાથા દોહરાવી હતી અને પદવીધારક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. વિવિધ વિદ્યાશાખાના વડાઓ, પ્રાધ્યાપકો, પદવી-મેડલ પ્રાપ્ત છાત્રો વર્ચ્યુઅલ માધ્યમથી આ સમારોહમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp