હવે GPSCની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારને ડોક્યુમેન્ટ આપવા ઓફિસ જવું પડશે નહીં

PC: geniusguruji.co.in

GPSCના ચેરમેન દિનેશ દાસાએ પોતાના ફેસબુક અકાઉન્ટમાં GPSCની ભરતી પ્રક્રિયામાં શરૂ કરવામાં આવેલી ઓનલાઈન અરજી સુવિધા બાબતે માહિતી આપતી એક પોસ્ટ અપલોડ કરી હતી. જેમાં તેમને લખ્યું છે કે, 'જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અને ત્યારબાદ પ્રાથમિક/સ્પર્ધાત્મક કસોટીઓ યોજવામાં આવે છે. પ્રાથમિક/સ્પર્ધાત્મક કસોટીઓના પરિણામનાં આધારે રૂબરૂ મુલાકાત કે, મુખ્ય લેખિત પરીક્ષા (Mains) માટે ઉમેદવાર જરૂરી લાયકાત ધરાવે છે કે કેમ? તે ચકાસવા માટે અરજીપત્રકો સાથે જરૂરી પ્રમાણપત્રો મંગાવવામાં આવે છે, જે ઉમેદવારો આયોગની કચેરીમાં રૂબરૂ કે ટપાલ મારફતે મોકલતા હોય છે. આયોગ કક્ષાએ આ તમામ પ્રમાણપત્રોની ભૌતિક ચકાસણી કરવામાં આવે છે.

મેન્યુઅલી અરજીપત્રકો અને પ્રમાણપત્રો પહોંચાડવાની પ્રક્રિયામાં ઉમેદવાર આયોગની કચેરીથી દૂર હોય અથવા બહાર હોય ત્યારે ઉમેદવારને રૂબરૂમાં આવીને દસ્તાવેજો જમા કરાવવામાં ખૂબ જ અગવડ પડે છે. ટપાલ મારફતે મોકલાવતી વખતે ક્યારેક દસ્તાવેજો છુટા પડીને ગુમ થઇ જવા અથવા નિયત સમયમર્યાદા પછી આયોગમાં મળવાની સંભાવનાઓ રહેલી છે. ઉપરોકત સમસ્યાનાં નિવારણ હેતુ તથા અરજી ચકાસણીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આયોગ દ્વારા ઓનલાઈન અરજી ચકસણીની પદ્ધતિ iASS (Integrated Application Scrutiny System) અમલમાં મૂકવામાં આવી છે.

પ્રાયોગિક ધોરણે આયોગે આ પદ્ધતિ પ્રમાણમાં ઓછા ઉમેદવારો હોય તેવી જાહેરાતો ( જાહેરાત ક્રમાંક- 20/2018-19, 106/2018-19 અને 44/2018-19) વિગેરેની ઓનલાઇન ચકાસણીમાં સફળતાપૂર્વક લાગુ પાડ્યા પછી નાયબ સેક્સન ઓફિસર અને નાયબ મામલતદારની જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક 55/2018-19 માટે પ્રાથમિક પરીક્ષાના પરિણામના અંતે મુખ્ય લેખિત પરીક્ષા માટે સફળ થયેલા ઉમેદવારોને તા. 25/3/2019થી 4/4/2019 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો જરૂરી દસ્તાવેજો સાથે અપલોડ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

iASS અંતર્ગત અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી (ફકત બેઠક ક્રમ) અપલોડ કરવામાં આવે છે અને તે પછી અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારો આ વેબ એપ્લીકેશન પર દર્શાવ્યા મુજબનાં તમામ પ્રમાણપત્રો, દાખલાઓ, દસ્તાવેજો વિગેરે ડિજીલોકરનાં માધ્યમથી શેર કરી અથવા સ્કેન કરી https://gpsc-iass.gujarat.gov.in પર અપલોડ કરી શકશે. ઉમેદવારે વેબ એપ્લીકેશનમાં દર્શાવ્યા મુજબનાં તમામ પ્રમાણપત્રો, દાખલાઓ, દસ્તાવેજો અપલોડ કર્યા બાદ, અરજી 'સબમીટ' કરવાથી તેઓને પોતે અપલોડ કરેલ વિગતોની પહોંચ (રસીદ) મળશે. જાહેરાતની જોગવાઇ મુજબના જરૂરી પ્રમાણપત્રો, દાખલાઓ, દસ્તાવેજો અપલોડ કરવા અનિવાર્ય રહેશે, તે સિવાય તેઓની અરજી સબમીટ થઈ શકશે નહિં.

આ વેબ એપ્લીકેશન ઓનલાઈન હોવાના કારણે, ઉમેદવારો છેલ્લી તારીખ સુધી, એટલે કે 10 દિવસ સુધી નિરંતર 24 કલાકમાં કોઈપણ સમયે પોતાના પ્રમાણપત્રો, દાખલાઓ, દસ્તાવેજો અપલોડ કરીને અરજી સબમીટ કરી શકશે.

ઉમેદવાર નિયત સમય મર્યાદામાં, એક કરતા વધુ પ્રયત્નમાં, પોતાનાં પ્રમાણપત્રો, દાખલાઓ, દસ્તાવેજો અપલોડ કરી શકશે અને બધા જ પ્રમાણપત્રો, દાખલાઓ, દસ્તાવેજો અપલોડ થયા બાદ તે સબમીટ કરી શકશે એટલે કે ઉમેદવારને પ્રમાણપત્રો, દાખલાઓ, દસ્તાવેજો અપલોડ કરવાના પ્રયત્નોની મર્યાદા પણ નહિ રહે.

ખોટા પ્રમાણપત્રો, દાખલાઓ, દસ્તાવેજો ભૂલથી અપલોડ થયાનાં કિસ્સામાં, જો ઉમેદવારે અરજી સબમીટ ન કરી હોય તો ઉમેદવાર નિયત સમય મર્યાદામાં પ્રમાણપત્રો, દાખલાઓ, દસ્તાવેજો ફરીથી અપલોડ કરી શકશે.

જો કોઇ ઉમેદવાર અરજી સબમીટ નહિ કરે, તો છેલ્લી તારીખે નિર્ધારિત સમયે સ્વંયસંચાલિત રૂપે (Automatically) અરજી સબમીટ થઈ જશે અને ઉમેદવારે અપલોડ કરેલ પ્રમાણપત્રો, દાખલાઓ, દસ્તાવેજોનાં આધારે જ અરજી ચકાસણી કરવામાં આવશે.

અરજીપત્રકો જરૂરી પ્રમાણપત્રો સાથે અપલોડ થયા પછી આયોગ કક્ષાએ તમામ સ્તરે આ અરજી અને પ્રમાણપત્રોની ઓનલાઇન ચકાસણી થશે અને આ ચકાસણીને અંતે પાત્ર / અપાત્ર ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

આમ, ડિજિટલ ગવર્નન્સના ભાગ અંતર્ગત અરજી મંગાવવાથી લઇ ડોક્યુમેન્ટ્સ જમા કરવા સુધીની તમામ પ્રક્રિયા આયોગ દ્વારા ઓનલાઈન કરવામાં આવી છે. જે જાહેરાત અંતર્ગત ઇન્ટરવ્યૂની જોગવાઈ નથી, માત્ર લેખિત પરીક્ષાના આધારેજ પસંદગી કરવામાં આવે છે, ત્યાં ઉમેદવારોએ એકપણ વખત GPSC ઓફિસ આવવું નહિ પડે'.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp