26th January selfie contest

પદભ્રષ્ટ કુલપતિ પ્રજાપતિએ 45 કૌભાંડો કર્યા, પ્રવેશથી લઇને રોડમાં પણ પૈસા ખાધા

PC: khabarchhe.com

 પાટણની હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ. પ્રજાપતિ (બાબુલાલ અંબાલાલ પ્રજાપતિ)ને ભ્રષ્ટાચારના આરોપસર ગુજરાત સરકારે લોકાયુક્તના અહેવાલ બાદ પદ પરથી હટાવી દીધા છે. તેમની સામે લોકાયુક્તની તપાસ થતાં તેમાં તેઓ કસૂરવાર ઠર્યા છે. તેમની સામે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય પ્રો. કિરીટ પટેલ ઘણા સમયથી લડી રહ્યાં હતા. જેમાં તેમને કુલપતિ પદેથી પદભ્રષ્ટ કરવામાં સફળતા મળી છે. બાબુ પ્રજાપતિના કૌભાંડો જાણતા હોવા છતાં તેમની નિયુક્તિ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યપાલ દ્વારા આપી હતી. ગુજરાતમાં પહેલો બનાવ છે કે આ રીતે ચાલુ કુલપતિને તેમના પદ પરથી દૂર કરાયા હોય. પણ મુખ્યમંત્રીની કચેરીમાં તો કુલપતિ બાબુના કૌભાંડોની 45 અરજીઓ પડેલી હતી. તેમાં તેઓએ તપાસ કરાવી નથી. જ્યાં તપાસ થઈ હતી ત્યાં મુખ્ય પ્રધાનની કચેરીએ દબાવી દીધી હતી. આજ સુધી ભ્રષ્ટાચાર વિરોધી દળને તપાસ કરવાની મંજૂરી પણ સરકારે આપી નથી. એટલે ખરેખર તો એક જાગૃત ધારાસભ્યની લાંબી લડતના કારણે બાબુને જવું પડ્યું છે. નહીં કે મુખ્ય પ્રધાનના કારણે. 300 વર્ષ સુધી ગુજરાતનું પાટનગર રહેલાં પાટણે ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. હવે પાટણ બળાત્કાર કેસ અને પાટણ કુલપતિ કૌભાંડમાં દેશમાં બદનામી પાટણને અપાવી છે.

આવા કૌભાંડ અને અનાચાર બાબુએ કર્યાં છે

બાબુના કૌભાંડો જાણીને શિક્ષણ જગતા તેમના કાળાકરતુતોથી શાણ લોકો કંપી ઊઠે તેમ છે.  બાબુ પહેલા સુરત યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર હતા ત્યારે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કાગળની સપ્લીમેન્ટરી છપાવવામાં કર્યા હતા. સંઘની સંસ્થા એબીવીપીએ ભારતના ટોપ 10 ભ્રષ્ટ કુલપતિની યાદી જાહેર કરી હતી તેમાં પ્રથમ નંબર પર બાબુ હતો. તેમ છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમની નિયક્તિ રાજ્યપાલ દ્વારા અપાવી હતી. પ્રો. પ્રજાપતિએ પુત્રને નોકરીએ રાખવા ઉપરાંત 45 કૌભાંડ, ગંભીર ગેરરીતિઓ તથા ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કરી હતી. તેથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને નિર્ણય લેવાની ફરજ પડી છે.

ભાવીન પટેલે લોકાયુક્તમાં ફરિયાદ કરી

ભાવીન પટેલે લોકાયુક્તમાં ફરિયાદ કરી હતી. પાટણમાં તેઓ ફોટોગ્રફાર છે. તેઓ ધારાસભ્ય કિરિટ પટેલના સંબંધી છે. કિરિટ પટેલે તેમને તમામ દસ્તાવેજો આપીને પોતે પડદા પાછળ રહીને ફરિયાદ કરાવી હતી. કિરીટ પટેલ સરકારી કર્મચારી છે. તેથી તેઓ લોકાયુક્તમાં ફરિયાદ કરી શકે નહીં તેથી ભાવીન પટેલ પાસે ફરિયાદ કરાવી હતી.

RSSનું ગોત્ર

RSS સાથે જોડાયેલા પ્રજાપતિ 2016માં કુલપતિ બન્યા હતા. તે અગાઉ તેઓ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે. ત્યારે પણ તેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. ખુદ સંઘ પરિવારની સંસ્થા એબીવીપીએ તેમની સામે મોરચો ખોલ્યો હતો. છતાં તેમણે ત્રણ વર્ષની ટર્મ પૂરી કરી હતી. વિવાદ છતાં તેઓ ફરીથી તેમને સરકારે સંઘના દબાણથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ પદે બેસાડી દીધા હતા.

ACBમાં ફરિયાદ

કિરીટ પટેલ દ્વારા બી.એ.પ્રજાપતિ વિરુદ્ધ ACBમાં પુરાવા સાથે ફરિયાદ દાખલ કરી હતી. કુલપતિ સામે કોઈ કાર્યવાહી ન થતા ધારાસભ્યએ  મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને તમામ પુરાવા સાથે ફરિયાદ કરી ત્યારે મુખ્ય પ્રધાને કોઈ જ પગલાં લીધા ન હતા. ગ્રાન્ટના ઉપયોગમાં ભ્રષ્ટાચાર થયો હતો. બી.એડ કોલેજોમાં પ્રવેશ આપવા બાબતે પણ ભ્રષ્ટાચાર કરતાં હતા. તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને યોગ્ય પદવી તેમજ અનુભવ વગરના અને શૈક્ષણિક લાયકાત વગરના પોતાના પુત્રને આર્કિટેકચરમાં આસિ.પ્રોફેસર તરીકે નિમણૂંક આપી દીધી હતી. ખોટી રીતે  નવી ઈનોવા કાર ખરીદી હતી.

90 અરજી સીએમ સમક્ષ થઈ હતી

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બાબુએ પેપરની પુરવણી કૌભાંડ કર્યું હતું. જગદીશ પ્રજાપતિ સહિત 3 પ્રોફેસરની ગેરકાયદે નિમણુંક કરવામાં આવે તે પહેલાં બાબુ કૌભાંડ કરવાના છે એવી તેમના વિરૂદ્ધમાં 90 અરજી મુખ્ય પ્રધાન સમક્ષ આવી હતી. તે મુખ્ય પ્રધાન જાણતા હતા. છતાં ભરતી કરવા દેવામાં આવી હતી. મયુર પ્રજાપતિ અને મહેન્દ્ર પ્રજાપતિ એમ પ્રજાપતિઓની ભરતી કરી હોવાની ફરિયાદ કરી હતી. તેમ છતાં તેમની ભરતી થાય તે પહેલાં મુખ્ય પ્રધાને કોઈ પગલાં લીધા ન હતા. એટલે ખરેખર તો મુખ્ય પ્રધાન સામે લોકાયુક્તમાં ફરિયાદ થઈ શકે તેમ છે. મેથ્સ વિભાગના હેડની નિમણુંકની પણ ગેરરીતિ હતી.

બાબુના પુત્ર મયુરને જવા દીધો

બાબુ પ્રજાપતિના દિકરા મયુર પ્રજાપતિની નિમણુંક ગેરકાયદે થઈ છે, એવી એસીબીમાં ફરિયાદ કિરિટ પટેલે કરી તેના ત્રણ જ દિવસમાં રાજીનામું મયુરે આપી દીધું. તેમની સામે ગંભીર ફરિયાદો હતી તે અંગે  કોઈ તપાસ ન કરી. તેમનું રાજીનામું મંજૂર કરાવી દીધું અને નોકરી છોડીને જતાં રહેવું પડ્યું હતું. તેમની પાસેથી સરકારે નાણાં રીકવર કરવા જોઈએ તે કરાયા નથી.

 ખોટી નિમણુંક કરી 

ડો. કે એ પટેલ કે જે આચાર્ય હતા તેઓ તથા ડો. રાઠોડ પ્રોફેસરે અરજી કરી હતી કે બાબુ પ્રજાપતિની નિમણુંક ખોટી રીતે કરેલી છે. યુજીસીનો નિયમ છે કે પ્રોફેસર બનવા માટે બે વિદ્યાર્થીઓ પીએચડી થયેલાં હોવા જોઈએ. બાબુએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થીઓ પોતાના હાથ નીચે પીએચડી બતાવેલા હતા. ખરેખર તો તેઓ ખોટી માહિતી આપીને પ્રોફેસર બન્યા હતા. કારણ કે ડો.રાઠોડે સરદાર પટેલ યુનિવર્સિટી પાસેથી આ અંગે વિગતો માંગી ત્યારે યુનિવર્સિએ સ્પષ્ટ કહી દીધું હતું કે આવા કોઈ પ્રોફેસરે અમારે ત્યાંથી ગાઈડ તરીકે કામ કર્યું નથી કે કોઈ વિદ્યાર્થીઓને પીએચડી તરીકે માન્યતા અપાવી. આમ બાબુની નિમણુંક મુખ્ય પ્રધાન અને રાજ્યપાલે ખોટી રીતે આપી હતી. 2012માં સરકારમાં તે અહેવાલ દબાવી દીધો છે. એસીબીમાં આ અંગે ફરિયાદ કરી હતી, જેમાં પણ કંઈ થયું નથી.

મુખ્ય પ્રધાને બચાવી લીધા

લોકાયુક્ત પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બે સભ્યોની તપાસ સમિતિ બાબુના કૌભાંડોની તપાસ કરવા નિયુક્ત કરી હતી. જેમાં સભ્ય પદે પ્રતાપસિંહ ચૌહાણ અને પંકજ જાની હતા. 4 મહિના પહેલા અહેવાલ આપ્યો હતો કે આવી કોઈ ગેરરિતિ થઈ નથી. રૂપાણી સરકારે તેમને બચાવી લીધા હતા. સરકાર પાસે આ બધા જ મુદ્દાઓ છે. ખરેખર તો જવાબદાર મુખ્ય પ્રધાન છે. તેઓ કોઈક ભાજપના કે સંઘના દબાણ હેઠળ કામ કરી રહ્યાં હોવા જોઈએ.

7 ધારાસભ્યોએ ઓડિયો ક્લીપ આપી

ગુજરાતના 7 ધારાસભ્યોએ અરજી કરેલી હતી કે બાબુ ભ્રષ્ટ છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે. પ્રજાપતિએ 10 કરોડનો ભ્રષ્ટાચાર કરેલો છે. ધારાસભ્યો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રૂબરૂમાં મળ્યા હતા. ત્યારે મુખ્ય પ્રધાનને એક ઓડિયો ક્લીપ આ ધારાસભ્યોએ આપી હતી. જેમાં ઓન લાઈન અરજી ન સ્વીકારીને 90 કોલેજોને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની વાત ટેપ થયેલી હતી. પાટણની 90 સેલ્ફ કોલેજ છે. પ્રવેશ ઓન લાઈન કરવાનો હતો. પણ પ્રત્યેક કોલેજના સંચાલક પાસેથી રૂ.1.50 લાખ લઈને કોલેજોને ભરતી કરવાની મંજૂરી આપી દીધી હતી. તેની ઓડિયો સીડી પણ સરકાર પાસે છે. જેની સામે 4 હજાર વિદ્યાર્થીઓનો પ્રવેશ આ કોલેજોએ આપ્યો હતો. જેમાં એક વિદ્યાર્થી પાસેથી રૂ.50થી રૂ.70 હજાર લેવામાં આવ્યા હતા. રૂ.20 કરોડથી વધુની લૂંટ કોલેજ સંચાલકોએ કરી હતી.

દલાલ કોણ ?

કૌભાંડ કરવા માટે વચ્ચે કોઈ દલાલ હંમેશ હોય છે. બાબુનો દલાલ શૈલેષ મોહન પટેલ હોવાનું કહેવાય છે. જે પાટણ ભાજપ સાથે સંકળાયેલો છે. પાટણનો બુટલેગર છે. જુગારનો અડ્ડો ચલાવે છે. પાટણ ગુજરાત બહારથી ચોરેલી કાર વેચવાનું કૌભાંડ પાટણમાં થયું હતું તેમાં રૂ.35 લાખની ફોરર્ય્યુનર કાર રૂ. 5 લખમાં શૈલેષ પટેલે ખરીદી હતી. તેમની પાસે દોઢ કરોડનો બંગલો છે. ત્રણ કાર છે. 

સરકાર સામે હજુ 45 અરજી પડી છે

કોંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલે કુલપતિ બાબુ સામે 45 અરજીઓ કરી હતી. જેમાં આ તમામ વિગતો આપી છે. તેમ છતાં મુખ્ય પ્રધાને કોઈ પગલાં ભર્યા નથી. તેમણે એસીબીમાં અરજી કરી છે અને આ 45 કૌભાંડોની તપાસની માંગણી કરી છે. પણ તપાસ કરવા માટે સરકાર તેમને મંજૂરી આપતી નથી.

બાબુએ ધારાસભ્યને પણ પરેશાન કર્યા

ધારાસભ્ય કિરીટ પટેલ બાબુ સામે પડી ગયા હતા તેથી તેમની સામે બાબુએ કાયદા વિરૃદ્ધ જઈને પગલાં ભર્યા હતા જેમાં કિરીટ પટેલને સેનેટમાંથી ગેરકાયદેસર રીતે બાબુએ હાંકી કાઢ્યા હતા. તે એક મુદો પણ છે. જેની આજ સુધી કોઈ તપાસ થઈ નથી. ધારાસભ્ય કિરીટ પટેલના ભાઈ  દિલીપ પટેલને યુનિવર્સિટીના કારોબારી સમિતિમાં નિયુક્ત કરવાના થાય છે તેની નિમણુંક કરી નથી. તેમને કાયદા વિરૃદ્ધ સસ્પેન્ડ કરેલા છે. ચોર કોટવાલને દંડે તેમ પ્રજાપતિ સામે ફરિયાદ કરનારા ધારાસભ્ય કિરીટ પટેલ સામે તેમણે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, કિરીટ પટેલે 2012થી 2016 દરમિયાન MSW વિભાગના પ્રિન્સીપાલ હતા ત્યારે  લાખો રૂપિયાની ઉચાપત કરી હતી.

ભાજપના મહામંત્રી બાબુને બચાવતા હોવાનો આરોપ

ધારાસભ્ય કિરીટ પટેલે પાટણમાં મિડિયા સામે જાહેરમાં આરોપ મૂક્યો છે કે કૌભાંડી બાબુ પ્રજાપતિને બચાવવા માટે ભાજપના મહામંત્રી કે. સી. પટેલ કામ કરે છે. જે પોતે મોટો ભ્રષ્ટાચાર કરે છે. તેઓ સરદાર માર્કેટ યાર્ડ બેંકમાં થોડા વર્ષો પહેલાં ક્લાર્ક હતા અને રૂ.2000 પગાર હતો. આજે તેમની પાસે 200 વીઘા જમીન છે. તેમની પોતાની માલિકીની 3 શાળાઓ છે. પાટણમાં જેમના ટ્રસ્ટ દ્વારા જમીન પચાવી પાડવામાં આવી હતી તે ખાલી કરાવવામાં આવી છે. ખરેખર તો સરકારે કે. સી. પટેલ સામે એસીબીમાં ફરિયાદ કરવી જોઈએ.

રોડ કૌભાંડ

ગુજરાતમાં અબજો રૂિપયાનું રોડ કૌભાંડ ચાલે છે. તેમાં બાબુએ પણ હાથ ધોઈ લીધા છે. યુનિવર્સિટી કેમ્પસમાં બે વર્ષ પહેલાં બનેલા સારા રોડ તોડીને તેમણે નવા બનાવ્યા હતા. 7 માર્ચ 2019માં રોડ તોડીને નવા બનાવવાનું કામ ચાલુ છે. જેસીબી અને બુલડોઝરથી તે રોડ તોડાયા છે. ખરેખર તો કાર્પેટીંગ કરવું જોઈએ. પણ તેવું થયું નથી. યુજીસીના નિયમો વિરૃૃદ્ધ જઈને આ રોડ પાછળ ખર્ચ કરાયાનો આરોપ છે. 

20 લાખમાં નોકરી

પ્રોફેસરોની ભરતી કરવામાં રૂ.20 લાખ બાબુએ લીધા હોવાની ફરિયાદ સરકાર સમક્ષ આજે પણ પડી છે. આવી અનેક નિમણૂક કરી છે. જે વિષય માટે પ્રાધ્યાપકો લેવાના થતાં હતા તેના બદલે બીજા વિષયના પ્રાધ્યાપકો લીધા છે. આ મોટું કૌભાંડ છે. નાણાં આપનાર અને લેનાર સામે કોઈ પગલાં સરકારે લીધા નથી.

2000 પાનાથી વધું દસ્તાવેજો

બાબુ સામે લડત ચલાવવા માટે ધારાસભ્ય કિરીટ પટેલે 2000 પાનાના દસ્તાવેજો એકઠા કરેલા છે. તેમની પાસે બાબુના તમામ કૌભાંડોના દસ્તાવેજ છે. આ દસ્તાવેજો શોધવામાં કિરીટ પટેલે દિવસો સુધી કામ કર્યું હતું. તેઓ અનેક લોકોને મળ્યા હતા. તેઓ તપાસ માટે સુરત પણ જઈ આવ્યા હતા. ભય હોવા છતાં તેમણે આ દસ્તાવેજો એકઠા કરીને સરકારને આપ્યા છે. ખરેખર તો આ કામ પોલીસનું છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું છે. સરકારનું છે. સરકારે બાબુ સામે પગલાં ભરવા માટે તો માત્ર તેની ખરાઈ કરવાની હતી. આ દસ્તાવેજોમાં લગભગ 45 કૌભાંડ છે. પણ તેમાં થોડા જ લોકાયુક્ત દ્વારા ચકાસવામાં આવ્યા હતા. પણ હવે રૂપાણી સરકારની પહેલી ફરજ છે કે તેઓ આ કૌભાંડની તપાસ કરવાની મંજૂરી વિભાગ અને લાંચ રૂશ્વત વિરોધી દળને આપે. 2000 પાનાના દસ્તાવેજો  પાસે મોજૂદ છે.

પુરવણી કૌભાંડ

વિદ્યાર્થીઓને પરીક્ષામાં લખવા માટે પુરવણી કાગળ આપવાના હોય છે. જે કરોડોની કિંમતના થાય છે. આવું પુરવણી કૌભાંડ પણ થયું છે. જે સપ્લીમેન્ટરી 3 રૂપિયામાં છપાતી હતી. જે ખાસ કંપનીનો કાગળ વાપરવાની શરત મૂકીને રૂ.8.50માં ખરીદ કરવામા આવી છે. બાબુના સગા ભરત પ્રજાપતિને તે કામ આપવામાં આવ્યું છે. જે કરોડો રૂપિયા બાબુના ઘરમાં જ જઈ રહ્યાં છે. સુરતમાં પણ કરોડોનું પુરવણી કૌભાંડ બાબુએ કર્યું હતું. જેમાં એબીવીપીએ આંદોલન પણ કર્યું હતું. જેની ખરીદી પણ બાબુના સગા ભરત પ્રજાપતિ પાસેથી કરવામાં આવી હતી. આ ફરિયાદ પણ મુખ્ય પ્રધાન સામે પડેલી છે.

ગંભીર ગુનો છતાં પગલાં નહીં

બાબુના પુત્રની વાર્ષિક આવક 6 લાખ કરતાં વધુ હોવા છતાં નોકરીએ રાખ્યો હતો. પછાત વર્ગના પ્રમાણપત્રો બનાવટી હતા. ક્રીમીલેયરનો અહીં સ્પષ્ટ ભંગ છે. ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971 મુજબ કોઈપણ સરકારી કર્મચારી જ્યાં પોતાની સર્વોપરી સત્તા હોય ત્યાં પોતાના નજીકના સગાને નોકરી ન રાખી શકે. બક્ષીપંચના ઉમેદવાર તરીકેની નિમણૂંક આપી હતી.

આદેશપાલનો કિસ્સો

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.આદેશપાલને ભ્રષ્ટાચાર મામલે તાત્કાલિક અસરથી પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું લખાવીને દુર કર્યા હતા. તેમ મુખ્યમંત્રી રૂપાણી પણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને ભ્રષ્ટાચાર મામલે તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ કરી શકે તેમ હતા. પણ તેમ તેઓ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. હવે ઈન્ચાર્જ કુલપતિ તરીકે ઉ.ગુજરાત યુનિ.ના સિનિયર પ્રોફેસર અને ડીન અનિલ નાયકની નિમણૂંક કરી છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp