ગુજરાતની બેકારી દૂર કરવાનો આ છે મજબૂત નુસખો

PC: guardian.ng

ગુજરાતમાંથી બેકારી દૂર કરવી છે તો એક અજબ નુસખો છે. જો કે આ ને નુસખો ન કહેવાય પરંતુ નિયમ કહેવાય, કેમ કે આપણે ત્યાં નિયમ છે પરંતુ તેનું પાલન થતું નથી. ગુજરાતમાં રોજગારીના ઇસ્યુને લાઇટલી લેવામાં આવે છે પરંતુ તે બહું ગંભીર બાબત છે. રાજ્યમાં જે ગતિએ ઉદ્યોગો વધે છે તે ગતિએ રોજગારી વધતી નથી તેનું કારણ 85 ટકા સ્થાનિક ભરતીના નિયમનો અમલ થતો નથી. બીજી તરફ આપણી રોજગાર કચેરીઓમાં તમામ શિક્ષિત વિદ્યાર્થીઓ નામ દાખલ કરાવતા નથી. સરકારે નામ દાખલ કરીને પ્રત્યેક વિદ્યાર્થીને સ્માર્ટકાર્ડ આપી દેવું જોઇએ અને તેમાં વખતોવખત સુધારો કરવામાં આવે. ભાજપની સરકારે યુવાનોને નોકરી મળી રહે તે માટે સરકારમાં અને પ્રાઇવેટમાં નોકરીની તકો ઉભી કરવાનું આયોજન વિચાર્યું છે. આગામી દિવસોમાં 10 લાખ યુવાનોને પ્રાઇવેટ સેક્ટરમાં જોબ મળે તે માટે સરકાર પ્રયાસ કરશે. એ ઉપરાંત સરકાર તેના ભરતી કેલેન્ડરનો સમયસર અમલ કરશે.

સરકારે દાવો કર્યો છે કે મેગા જોબફેરમાં આઠ જ દિવસમાં 1.09 લાખ યુવાનોને સ્થળ પર નોકરી આપી છે. એ ઉપરાત 67000 યુવાનોને રાજ્યસેવામાં ભરતી કરી છે. સરકારી ચોપડા પ્રમાણે રાજ્યમાં નવ લાખ બેરોજગાર છે પરંતુ નહીં નોંઘાયેલા બેકારો સહિતની કુલ સંખ્યા 25 લાખને પાર છે ત્યારે રાજ્ય સરકારે એ હકીકતનો સ્વિકાર કરીને ખાનગી નોકરીઓમાં સ્થાનિક ભરતી પર વધારે ભાર મૂકવો જોઇએ.

ગુજરાતમાં 1988માં 85 ટકા સ્થાનિક ભરતીનો કાયદો બનાવવામાં આવેલો છે. સ્થાનિક ભરતી ઉપરાંત બેરોજગારી ભથ્થું, વય મર્યાદામાં છૂટછાટ અને ઇન્ટરવ્યુ ખર્ચ ઉઠાવવાના આદેશ કરવામાં આવેલા છે. સરકારી આંકડા પ્રમાણે 2006 થી 2012 સુધીના વર્ષોમાં સરકારે 65 લાખથી વધુ રોજગારી આપવાના વાયદા કરેલા છે પરંતુ તે પૂરા થયા નથી તેવો વિપક્ષનો દાવો છે જેની સામે સરકાર કહે છે કે અમે વર્ષે સરેરાશ એક થી દોઢ લાખ યુવાનોને સરકારી અને ખાનગી નોકરી અપાવીએ છીએ તેમ છતાં બેકારી ઘટતી નથી.

ગુજરાતમાં હાલ 60 યુનિવર્સિટી અને 800 શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. આ શિક્ષણ સંસ્થાઓમાંથી દરવર્ષે બહાર આવતા વિદ્યાર્થીઓ પૈકી સરકારી નોકરીની ચાહના ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારી માત્ર 25 ટકા છે. 50 ટકા વિદ્યાર્થીઓ ખાનગી નોકરી પસંદ કરે છે અથવા તો સ્વનિર્ભર થવા માગે છે જ્યારે બાકીના 25 ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અથવા નોકરી માટે વિદેશ જવાનું પસંદ કરે છે.

શિક્ષણ વિભાગના એક તજજ્ઞએ જણાવ્યું હતું કે આપણે શિક્ષણ એ પ્રકારનું બનાવવું જોઇએ કે ગુજરાતમાં જ્યાં નોકરીની તકો હોય અથવા તો બિઝનેસનો સ્કોપ હોય ત્યાં તે યુવાનો ગોઠવાઇ શકે. આપણો શિક્ષણનો ઢાંચો ઉદ્યોગોને અનુરૂપ બનાવવો જોઇએ. આપણે વિદ્યાર્થીઓના ઇનોવેશનને વધારે મહત્ત્વ આપવાની પણ જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp