અભ્યાસ માટે વિદેશ જવું છે, તો GTUનો સંપર્ક કરો, ઍવોર્ડ મળ્યો છે

PC: indiatimes.com

વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે બે મહિના મોકલવાના કાર્યક્રમ માટે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ને ઈનોવેશન ઈન ગ્લોબલ કોલાબોરેટીવ લર્નિંગ ઍવોર્ડ હાંસલ થયો છે. મુંબઈમાં યોજાયેલી વર્લ્ડ એજ્યુકેશન સમિટમાં GTUના ઈન્ટરનેશનલ એક્સપિરીયન્સ પ્રોગ્રામ (IEP)ની કદરરૂપે આ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

વૈશ્વિક સહયોગી ભણતરમાં ઈનોવેશનની કેટેગરીનો ઍવોર્ડ પ્રાપ્ત કરનાર GTU દેશની એકમાત્ર યુનિવર્સિટી છે. GTU વતી નાયબ નિયામક અને IEP વિભાગના વડા ડૉ. કેયુર દરજીએ આ ઍવોર્ડનો સ્વીકાર કર્યો હતો. તેલંગાણા શિક્ષણ કમિશનર ડૉ. એ.અશોક અને ઈલેટ્સ ટેક્નોમિડીયાના સ્થાપક પ્રકાશક તથા સીઈઓ ડૉ. રવિ ગુપ્તાના હસ્તે આ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

બે દિવસીય વિશ્વ શિક્ષણ પરિષદમાં સરકારી તેમજ ખાનગી શાળા-કૉલેજોના અગ્રણીઓ, કેળવણીકારો તથા શિક્ષણમાં ટેક્નોલોજિનો વ્યાપ વધારનાર કંપનીઓના સંચાલકોએ વર્તમાન શિક્ષણવ્યવસ્થામાં રહેલા પડકારો અને તેને હલ કરવાના સંભવિત ઉપાયો વિશે ચર્ચાવિચારણા કરી હતી. GTUએ આંતરરાષ્ટ્રીય ઈનોવેટીવ યુનિવર્સિટીના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરના અભ્યાસનો અનુભવ મળે તેના માટે GTU ઈન્ટરનેશનલ એક્સપિરીયન્સ પ્રોગ્રામ (IEP) ચલાવે છે. GTU દર વર્ષે 400 વિદ્યાર્થીઓને પાંચ દેશોમાં વૈશ્વિક અનુભવ લેવા બે મહિના માટે મોકલે છે. જેમાં અમેરિકા, કેનેડા, જર્મની, રશિયા અને બલ્ગેરીયાનો સમાવેશ થાય છે.

આ યોજનામાં વિદેશમાં રહીને ત્યાંની યુનિવર્સિટીમાં ક્લાસરૂમમાં અભ્યાસ તથા હાઈટેક લેબોરેટરીમાં પ્રેક્ટીકલ જ્ઞાન મેળવવા ઉપરાંત ઔદ્યોગિક મુલાકાતો લેવાની અને ત્યાંના વિદ્યાર્થીઓ સંગાથે પરીક્ષા આપવાની તક પણ મળે છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓને તે દેશની સંસ્કૃતિ અને રહેણીકરણી તેમજ જીવનશૈલિથી વાકેફ કરતા કાર્યક્રમો યોજીને પરસ્પર સાંસ્કૃતિક આદાનપ્રદાનની તક પણ આપવામાં આવે છે. છેલ્લા આઠ વર્ષમાં 1800 વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે.

એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ,ફાર્મસી, આર્કિટેક્ચર અને એમસીએ સહિત 17 વિભાગો માટે વિશ્વની 35 યુનિવર્સિટીઓ સાથે GTUએ કરાર કરેલા હોવાથી વિદ્યાર્થીઓએ અભ્યાસની ફી ચૂકવવી પડતી નથી, પણ આવવા-જવાનો અને રહેવાનો ખર્ચ ભોગવવો પડે છે. તેની સામે વિદ્યાર્થીના સર્ટીફિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અભ્યાસ કર્યાનો ઉલ્લેખ અને પરદેશની ધરતી પર મેળવેલો અનુભવ જીવનમાં ઘણો ઉપયોગી બને તે હેતુસર આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp