સુરત ઝોનની 57 શાળાઓની પ્રોવિઝનલ ફી નક્કી કરાઇ, જાણો કેટલી થઈ ફી

PC: neweraschool.com

રાજ્યની સ્વ-નિર્ભર શાળાઓના ફી નિયમન અંતર્ગત નામ. સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ મુજબ ફી નિયમન ઝોનલ કમિટીઓ દ્વારા જે તે શાળાની વચગાળાની-પ્રોવિઝન ફી નિયત કરવાની પ્રક્રિયા આગળ વધી રહી છે. અમદાવાદ ઝોનની ઝોનલ કમિટી દ્વારા પ્રોવિઝન ફી નિયત કરાયા બાદ સુરત ઝોનની ફી નિયમન ઝોનલ કમિટીએ પણ 57 શાળાઓની પ્રોવિઝનલ ફી નિયત કરી છે. સુરત ઝોનલ કમિટીએ સંબંધિત શાળાઓએ દરખાસ્ત કરેલી ફીની રકમ સામે નિયત કરેલી પ્રોવિઝનલ ફીમાં રૂ. 690 થી લઇને મહત્તમ રૂ. 1,83,000 નો પ્રોવિઝનલ ધોરણે ઘટાડો કર્યો છે.

સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ મુજબ આ માત્ર ને માત્ર પ્રોવિઝનલ ફી છે. જાહેર કરાયેલ પ્રોવિઝનલ ફી સામે સંબંધિત શાળાને વાંધો હોય તો ઝોનલ કમિટી સમક્ષ તે એક અઠવાડિયામાં પોતાની રજૂઆત કરી શકશે. ફી નિયમન અંગેની તમામ કાર્યવાહી નામ. સુપ્રીમ કોર્ટના વધુ આદેશોને આધિન રહેશે. સુરત જિલ્લાની 25 શાળાઓએ ઝોનલ કમિટી સમક્ષ કરેલી ફીની દરખાસ્ત સામે ફી નિયમન ઝોનલ કમિટીએ નિયત કરેલ પ્રોવિઝનલ ફીની તુલનામાં રૂ. 250 થી લઇને રૂ. 1,83,000 સુધીનો પ્રોવિઝનલ ધોરણે ઘરખમ ઘટાડો કરાયો છે.

સુરત ઝોનની જે જિલ્લાઓની 57 શાળાઓની પ્રોવિઝન ફીની જાહેરાત કરાઇ છે તેમાં નર્મદા, નવસારી, તાપી, વલસાડ, ભરૂચ અને સુરત જિલ્લાની શાળાઓનો સમાવેશ થાય છે. નર્મદા જિલ્લાની ત્રણ શાળાઓએ દરખાસ્ત કરેલ અને જાહેર કરેલ પ્રોવિઝનલ ફીમાં રૂ. 3,400 થી રૂ. 20,000 નો ઘટાડો કરાયો છે. નવસારી જિલ્લાની બે શાળાઓમાં રૂ. 2,075 થી લઇને રૂ.12,600 નો ઘટાડો કરાયો છે. તાપી જિલ્લાની ચાર શાળાઓમાં રૂ.3,000 થી લઇને રૂ.71,650 નો ઘટાડો કરાયો છે. વલસાડ જિલ્લાની સાત શાળાઓમાં રૂ.1,000 થી લઇને રૂ. 14,965 સુધીનો ઘટાડો કરાયો છે. જ્યારે ભરૂચ જિલ્લાની 16 શાળાઓમાં રૂ. 690 થી રૂ.32,340 સુધીનો ઘટાડો કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp