રાજ્યના નવા શિક્ષણમંત્રી માટે આ પરીક્ષામાં પાસ થવુ છે મોટો પડકાર

PC: facebook.com

ગુજરાતમાં એક મોટી રાજકીય ઉથલપાથલ થયા બાદ હવે સ્થિતિ સામાન્ય થઈ ચુકી છે. પણ સરકાર માટે મોટા પડકારો છે. નવા મંત્રીઓ પણ યુદ્ધના ધોરણે કામે લાગી ચુક્યા છે. પણ રાજ્યમાં સૌથી મોટો પડકાર એ છે કે, નવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી કઈ પોલીસીથી કામ કરશે. મોટી કસોટી એ પણ છે કે, ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોની 25 ટકા ફી માફીનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. આ પ્રશ્ન હવે ચર્ચામાં રહ્યો છે કે, શું નવા શિક્ષણમંત્રી 25 ટકા ફી માફી મુદ્દે કોઈ નિર્ણય લેશે કે કેમ?

કોરોના વાયરસના કપરાકાળમાં તથા લોકડાઉનમાં સૌથી માઠી અસર શિક્ષણને થઈ છે. દોઢ વર્ષથી વિદ્યાર્થીઓનું ભણવાનું બગડ્યું છે. ઓનલાઈનમાં ઓફલાઈન ક્લાસ જેવો માહોલ જોવા નથી મળતો. ઓનલાઈન એજ્યુકેશન અસરકારક પુરવાર થયુ નથી. જેના કારણે વર્ષ 2020માં શાળામાં ફી માફીનો મુદ્દો જોરશોરથી ચર્ચામાં રહ્યો હતો. વાલીઓએ શાળા સંચાલકો સામે બાંયો ચડાવી દીધી હતી. વાલીઓના પ્રચંડ વિરોધ બાદ રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગે ખાનગી શાળાઓને 25 ટકા ફી માફીના આદેશ કર્યા હતા. આ વખતે વર્ષ પૂરૂ થતા બીજી વેવમાં એજ્યુકેશન બંધ કરવું પડ્યું હતું. હવે ફી માફીનો મુદ્દો ફોકસમાં આવ્યો છે. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બીજો આદેશ ન થાય ત્યાં સુધી 25 ટકા ફી માફી કરવી પડશે એવી સ્પષ્ટતા કરી હતી. પણ હવે શિક્ષણમંત્રીના પદે જીતુ વાઘાણી છે. એક વખતની ફી માફ થશે એવી વાલીઓને આશા બંધાઈ હતી. શિક્ષણમંત્રી બદલાઈ ગયા પણ ફી માફીનો મુદ્દે હજુ સળગે છે. બીજી તરફ ધો. 1થી 5ની શાળાઓ ફરી શરૂ કરાશે કે કેમ? એ ચર્ચાએ રાજ્યભરમાં જોર પકડ્યું છે.

કોરોના વાયરસના કેસ ઘટતા ધો. 6થી 12ના ઓફલાઈન ક્લાસ શરૂ કરી દેવાયા હતા. જોકે, ઓનલાઈન એજ્યુકેશન પણ યથાવત રહ્યું છે. જીતુ વાઘાણી હવે નિર્ણય શું કરે છે એના પર સૌની નજર છે. વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. વાલીઓને આ પહેલા કોઈ મોટી રાહતની અપેક્ષા છે. ખાસ કરીને ફીને લઈને અને બાળકોને મળનારા ગુણવત્તાયુક્ત શિક્ષણને લઈ સારી એવી આશાઓ છે. જોવાનું એ છે કે, પ્રાથમિક શિક્ષણથી લઈને કૉલેજના સ્તર સુધી જીતુ વાઘાણી કઈ યોજના પર કામ કરીને મોટો નિર્ણય કરશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp