શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સુરતની સ્થાપના 100 વર્ષ પુરા, વિવિધ કાર્યક્રમો

PC: Khabarchhe.com

શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભાના પ્રમુખ બંકિમ આર. ઠાકરે જણાવ્યું હતું કે, સંત સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી દ્વારા તા. 7મી મે 1924ના રોજ સુરત ખાતે શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભાની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાનો મુળ હેતુ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં સમાજની સેવા કરવાનો હતો. 100 વર્ષ પછી પણ અમારી સંસ્થા દ્વારા સુરતના આંગણે ઉત્તમ શિક્ષણ અને આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે. હાલમાં તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા દ્વારા સુરત રેલ્વે સ્ટેશન સામે 75 વર્ષથી શ્રી ઓ. હી. નાઝર આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ ચલાવવામાં આવે છે. જેમાં આયુર્વેદ પદ્ધતિથી વિવિધ રોગોનું નિદાન અને સારવાર રાહત દરે કરવામાં આવે છે. સાથો સાથ પંચકર્મ, ફિઝીયોથેરાપી સેન્ટરના માધ્યમથી સેવા કરવામાં આવે છે. તેમજ વરાછા રોડ કાપોદ્રા ખાતે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં બાળ ભવન, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજ વિભાગમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ, બીબીએ, બીસીએ, એમએસસી આઇ ટી અને એન્જિનિયરિંગ વિભાગના ડિગ્રી અને ડિપ્લોમાના વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ એક જ કેમ્પસમાં 14 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભાના શતાબ્દી મહોત્સવની ઉજવણી અંગે વિગતો આપતા શતાબ્દી મહોત્સવના સહ કન્વીનર ડો. મુકેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા હાલમાં શાળા કોલેજના અલગ અલગ 14 વિભાગો ચલાવવામાં આવે છે તેને કુલ 6 વિભાગમાં વહેંચણી કરી તેના દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ માટે શૈક્ષણિક અને આરોગ્ય સેવાને લગતા 100થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

શતાબ્દી વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા માટે શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભાના પ્રમુખ ડો. બંકિમભાઇ આર. ઠાકર, ઉપપ્રમુખ ડો. વજુભાઇ માવાણી, મંત્રી હેમંતભાઇ ટોપીવાળા, ખજાનચી દિનેશભાઇ નાવડિયા, ટ્રસ્ટી ડો. કનુભાઇ માવાણી, ટ્રસ્ટી જીવરાજભાઇ ધારૂકાવાળા, શતાબ્દી મહોત્સવના કન્વીનર ડો. ગીરીશભાઇ શાહ, સહ કન્વીનર ડો. મુકેશભાઇ નાવડિયા, સભ્ય ભરતભાઇ ગોંસાઇ, ડો. પ્રમેજીભાઇ વાઘાણી, રાકેશભાઇ જૈન, બાબુભાઇ કોટડિયા તેમજ તમામ શાળા કોલેજના આચાર્યઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

વર્ષ 2024-2024 દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમ જેવા કે હોસ્પિટલમાં આરોગ્યલક્ષી ઉકાળાનું વિતરણ, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આયુર્વેદનું યોગદાન વિષયનું લોક જાગૃતિ, દરરોજ સવારે હોસ્પિટલમાં યજ્ઞશાળામાં યજ્ઞ કરવો, વિશ્વ આરોગ્ય હેતુ યજ્ઞ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન, શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી સ્મૃતિ ગ્રંથ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી - વાલી સાથે, રક્તદાન કેમ્પ, અંગદાન અંગે જાગૃતિ અભિયાન, વિશ્વ પર્યાવરણ દિવસના સંદર્ભમાં વૃક્ષારોપણ, ઔષધી બાગ નિર્માણ, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને અભિનય ગીત સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શન, આંતરશાળા આંતર કોલેજ રમત સ્પર્ધાઓ,
કારકિર્દી માર્ગદર્શન તેમજ ભુલાઈ ગયેલી ઔષધી પ્રદર્શન, સ્વામીજીના જીવન પર પ્રદર્શન અને વ્યસનમુક્તિ કાર્યક્રમ, વિદ્યાર્થી વાલીના સહયોગથી ભજન સંધ્યાનું આયોજન, સ્વામીજીના જીવન ચરિત્ર ઉપર નાટક અને શ્રી સ્વામીજીના સ્લોગન સાથે વિદ્યાર્થી રેલી, વિદ્યાર્થી-વાલી આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત, વિદ્યાર્થી તથા વાલી માટે મોટીવેશન કાર્યક્રમ, વિજ્ઞાન પર્યાવરણ તથા વાલીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ પ્રદર્શન, માતૃ-પિતૃ પૂજન અને વાલી-વિદ્યાર્થી સમૂહ ભોજન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp