શિક્ષણ મંત્રીએ કહ્યું ફી અંગે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે નહીં

PC: twimg.com

ગુજરાત હાઈકોર્ટમાં આજે ઓનલાઈન શિક્ષણ અને ખાનગી શાળાની ફી મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો ખાનગી સ્કૂલોની ફી માફીનો પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ બાબતે વિગતવાર ચુકાદો આગામી સુનાવણી દરમિયાન કરશે તેવું પણ જણાવ્યું હતું. હાઇકોર્ટ દ્વારા સરકારના પરિપત્રમાંથી ફી બાબતે ચોથા નંબરનો મુદ્દો રદ્દ કરવામાં આવ્યો હતો, બાકી પરિપત્રના અન્ય મુદ્દાઓની યથાવત રાખવામાં આવ્યા હતા. હાઇકોર્ટ દ્વારા શાળા સંચાલકો, વાલીઓને સરકાર સાથે બેઠક કરીને પરિપત્રમાં જણાવવામાં આવેલા મુદ્દા નંબર 4માં ચર્ચા વિચારણા કરી સમાધાન કરવા બાબતે જણાવ્યું હતું. તો બીજી તરફ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઈકોર્ટના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેઓ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે નહીં.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટે ગુજરાત સરકારને પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે જણાવ્યું હતું. ઓનલાઇન શિક્ષણ અને ફી અંગે રાજ્ય સરકારે કરેલી કામગીરી અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનો અમલ આ બધી જ વિસ્તૃત વિગતો અમે નામદાર હાઇકોર્ટમાં જણાવી હતી. ફી અંગે પણ અમે એક પરિપત્ર કરીને અમારો અભિપ્રાય નામદાર હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો. આજે નામદાર હાઈકોર્ટ દ્વારા ફી અંગેનો પરિપત્ર છે, તેને રદ્દ કર્યો છે. અને સાથે એવું પણ કહ્યું છે કે, શાળાની અંદર શિક્ષણકાર્ય શરૂ જ રહેવું જોઈએ. આવતા નજીકના સમયમાં જ નામદાર હાઇકોર્ટનો બાકી રહેલો વિસ્તૃત ચુકાદો આવ્યા પછી ચુકાદામાં આપવામાં આવેલી સલાહ અનુસાર કઈ રીતે આગળ વધવું તે બાબતે રાજ્ય સરકાર હાઇકોર્ટના કહ્યા અનુસાર આગળ વધશે. આ મુદ્દે હાઇકોર્ટ જે સૂચના આપશે તે જ પ્રમાણે અહીંયા જ સમાધાન થાય તે પ્રક્રિયા કરવામાં આવશે. અમે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં જવાના નથી. અમારે 13 એપ્રિલના રોજ શાળા સંચાલકો સાથે સમજૂતી થઈ હતી કે, સપ્ટેમ્બર સુધી સંચાલકોએ વાલી પર ફી માટે દબાણ ન કરવું અને આ સમજૂતી હાલ શરૂ જ છે.

સરકારે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ લોકોને રાહત મળે તે માટે પરિપત્ર કર્યો હતો કે, વર્ષ 2020-21માં કોઈ પણ શાળા ફીમાં વધારો કરી શકશે નહીં. આ ઉપરાંત વાસ્તવિક રીતે જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી કોઇ પણ સ્કૂલ કોઈ પણ પ્રકારની શૈક્ષણિક ફી ઉઘરાવી શકશે નહીં.

તો બીજી તરફ આ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જો ખરેખર વાલીઓનું હિત ઇચ્છતી હોય તો ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. જો સરકાર શિક્ષણ મંત્રીનું પદ બચાવવા સુપ્રીમ કોર્ટમાં જાય છે. તો વાલીઓના હિત માટે શા માટે નથી જતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp