26th January selfie contest
BazarBit

સુરતમાં પહેલીવાર દિવ્યાંગોનો રેમ્પવોક, CM રૂપાણીના પત્નીએ પણ કર્યું રેમ્પવોક

PC: Gujarat Information

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ કેન્‍દ્ર અને રાજ્ય સરકારે દિવ્‍યાંગો માટે સંવેદનશીલ અભિગમ સાથે સુગમ વ્‍યવસ્‍થા ઊભી કરી છે. તેની સાથે સમાજની પણ દિવ્‍યાંગો માટે સામાજિક ઉત્તરદાયિત્‍વની ભાવના ઉજાગર કરવાની છે. જે સમાજ દિવ્‍યાંગોની ચિંતા નથી કરતો, એ સમાજ દિવ્‍યાંગ હોવાનું મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું.

સુરત અવધ યુટોપીયા ખાતે યોજાયેલા દિવ્‍યાંગ રેમ્‍પ વોક કાર્યક્રમને અદ્દભૂત ગણાવી મુખ્‍યમંત્રીએ દિવ્‍યાંગ બાળકોના જીવનમાં ખુશી આવે, આત્‍મવિશ્વાસ વધે તે માટે સમાજના અનેક આગેવાનો રેમ્‍પવોકમાં જોડાયા તેની સરાહના કરી હતી. દિવ્‍યાંગોને ઇશ્વરે બક્ષેલી શકિતને રેમ્‍પ વોક દ્વારા સમાજ સામે ઉજાગર કરવાનો અવસર પુરો પાડયો છે. જે સેવાનું સરાહનીય કાર્ય છે. દિવ્‍યાંગોએ શકિતઓ દ્વારા અનેક સિદ્વિઓ પ્રાપ્ત કરી છે. દિવ્‍યાંગોને હૂંફની જરૂર છે. તેમનામાં આત્‍મવિશ્વાસ વધે એ માટે સધિયારો આપે એવી ભાવના સૌએ કેળવવા મુખ્‍યમંત્રીએ સમાજને અનુરોધ કર્યો હતો.

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્‍થિતિમાં સુરત ખાતે દિવ્‍યાંગોનો રાજ્યનો સૌપ્રથમ રેમ્‍પ વોક શો યોજાયો હતો. જેમાં મંત્રીઓ, સમાજના શ્રેષ્‍ઠીઓએ રેમ્‍પ વોકમાં જોડાઇને સમસ્‍ત સમાજને દિવ્‍યાંગો પ્રતિ, મદદની ભાવના વ્‍યકત કરીને તેઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. રેમ્‍પ વોક દરમિયાન મુખ્‍યમંત્રી દિવ્‍યાંગો સાથે ખુબ જ સહજતાપૂર્વક વ્‍હાલ કરીને, દિવ્‍યાંગો પ્રત્‍યે પ્રેમાળ ભાવના વ્‍યકત કરી હતી. દિવ્‍યાંગો પ્રત્‍યે મદદની ભાવના અને તેમનામાં રહેલી પ્રતિભાશકિતને ખીલવવાના અવસરને મુખ્‍યમંત્રીએ નિખાલસતાથી બિરદાવ્‍યો હતો.

આ વેળાએ મુખ્‍યમંત્રીના હસ્‍તે મહિલા સશકિતરણક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનારી મહિલા સન્નારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મુખ્‍યમંત્રીના ધર્મપત્‍નિ અંજલીબેન રૂપાણીએ દિવ્‍યાંગ બાળકો સાથે રેમ્‍પ વોક કરી, પ્રતિભાવ આપતાં જણાવ્‍યું હતું કે, સુરત ખાતે દિવ્‍યાંગ બાળકો સાથે રેમ્‍પ વોકનો અવસર મળ્‍યો, એ મારા માટે ધન્‍યતાની ક્ષણ છે, જે મારા જીવનનો અમુલ્‍ય સંભારણું બની રહેશે. રાજ્યગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્ય આરોગ્‍ય મંત્રી કિશોર કાનાણી, રાજ્ય રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલ, મેયર જગદીશ પટેલ, સાંસદો, ધારાસભ્‍યો, શહેર મ્યુ.કમિશનર બંછાનિધી પાની, કલેકટર ડો.ધવલ પટેલ, સહિત પોલિસ અધિકારીઓ, ઉદ્યોગગૃહો, હીરાઉદ્યોગના અગ્રણીઓએ રેમ્‍પ વોકમાં જોડાઇને દિવ્‍યાંગોને પણ પ્રોત્‍સાહિત કર્યા હતા.

ગોલ્‍ડન ચેરીયોટ અને અમરદીપ ફાઉન્‍ડેશનના સંયુકત ઉપક્રમે દિવ્‍યાંગ બાળકો અને મહિલા સશકિતકરણ હેતુ માટે યોજાયેલા ચેરિટી ફેશન શો-2019 નું આયોજન દર્શિની કોઠીયા દ્વારા મુખ્‍યમંત્રીના ધર્મપત્‍નિ અંજલિબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સમાજના એવા દિવ્‍યાંગોને રેમ્‍પ પર લાવી એમની સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવા સરાહનીય કાર્ય કર્યું એ ગૌરવની સંવેદનશીલ ઘટના છે. સમાજનું ધ્‍યાન દિવ્‍યાંગો પ્રત્‍યે આકર્ષિત કરવાનું મહત્ત્વનું કાર્ય સુરતની ભૂમિ પરથી થયું હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ વેળાએ જી ડી ગોયેન્કા સ્‍કુલ દ્વારા મુખ્‍યમંત્રી કન્‍યા કેળવણી નિધીમાં રૂા.પાંચ લાખનો ચેક મુખ્‍યમંત્રીને અર્પણ કર્યો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp