26th January selfie contest

ગુજરાત સરકારે ઉત્તરાયણમાં માંજા અંગે લીધો મોટો નિર્ણય

PC: google.co.in

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંજા / પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાના આદેશો કર્યા છે. ઉત્તરાયણના તહેવારો દરમિયાન આવી ચાઇનીઝ તુકકલ અને માંજા/પ્લાસ્ટિક દોરીના ઉપયોગથી માનવ-પશુ-પક્ષીને થતી જાનહાનિ, ઇજાઓ નિવારવાના સંવેદનાસ્પર્શી ભાવથી તેમણે આ નિર્ણયના ચુસ્ત અમલ માટે સૂચનાઓ આપી છે. ગુજરાતમાં સી.આર.પી.સી.ની કલમ 144 અન્વયે આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ઉત્તરાયણના તહેવારો દરમિયાન રાજ્યભરમાં પતંગ રસિકો મોટાપાયે પતંગ ચગાવતા હોય છે. આવા પતંગ ચગાવવામાં ચાઇનીઝ દોરી તરીકે પ્રખ્યાત ચાઇનીઝ માંજા/પ્લાસ્ટીક દોરી માનવજીવન, પક્ષીઓ તેમજ પર્યાવરણ માટે ખતરારૂપ છે. આવી બનાવટથી ઘણીવાર પ્રાણઘાતક ઇજાઓ પણ થાય છે. એટલું જ નહિ, આવી ચાઇનીઝ માંજા/પ્લાસ્ટીક દોરી લાંબા સમય સુધી કુદરતી રીતે નાશ પામતી નથી અને ગટરો-ડ્રેનેજમાં તે જવાથી ગટરો –ડ્રેનેજ જામ થઇ જાય છે. તદઉપરાંત વીજલાઇન અને સબસ્ટેશનમાં આવી દોરી ભરાઇ જવાથી કે પતંગ ભરાવાથી વીજ ફોલ્ટ પણ થાય છે.

Image result for chinese kite manjha

ગાય કે અન્ય પ્રાણીના પેટમાં ખોરાક સાથે ચાઇનીઝ પતંગ-તુકકલ કે દોરી જવાથી ઘણીવાર આફરો-ગભરામણથી પશુ મૃત્યુની ઘટનાઓ રાજ્યમાં બનતી હોય છે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસોમાં રાત્રિના સમયે સ્કાય લેન્ટર્ન-ચાઇનીઝ તુકકલ ઉડાડવાને કારણે તે કોઇ વસ્તુ સાથે અકસ્માતે અથડાય તો આગ લાગવાના બનાવો બને છે. આ બધી જ બાબતોને વ્યાપક જનહિતમાં ધ્યાને લઇને ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ માંજા / પ્લાસ્ટિક દોરીની ખરીદી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ઉપર રાજ્ય સરકારે તત્કાલ અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp