પ્રાચીન યુગનો વેલેન્ટાઇન ડે એટલે વસંત પંચમી, જાણો આજના દિવસનો મહિમા

PC: twitter.com

સંવત 2080 મહા સુદ પાંચમ તા.14-02-2024, મંગળવારના દિવસે વસંત પંચમી એટલે કે સરસ્વતી માના પૂજનનો મહાપર્વ ઊજવવામાં આવે છે. આ દિવસથી વસંત ઋતુ પ્રારંભ થાય છે.

યા દેવી સર્વ ભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા ।

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।

મા સરસ્વતીના પૂજન અર્ચન માટે આ દિવસ વિશેષ મહત્ત્વનો હોય છે. હિન્દુ પરિવારોમાં દરેક ધાર્મિક સ્થળો પર તેમજ અનેક વિદ્યાલયોમાં વસંત પંચમીના દિવસે ધામધૂમથી મા સરસ્વતીનું પૂજન અને વંદન કરવામાં આવે છે. ખરેખર આ દિવસથી વિદ્યાભ્યાસનો પણ પ્રારંભ કરવાનું શાસ્ત્રમાં મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મા સરસ્વતી દેવી વિદ્યાની દેવી હોવાની સાથે સાથે વાણીની પણ દેવી  છે. જેમના પણ મા સરસ્વતી પ્રસન્ન થાય છે, તેમનામાં સ્મરણ શકિત અને જ્ઞાનતંતુઓની ક્ષમતા અદ્દભુત હોય છે. આ સંગીતની દેવી મા સરસ્વતીની ઉપાસના કરવાનો વસંત પંચમી શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસોમાં શીતળ વાયુનો પ્રવાહ વહે છે. ખેતરમાં સરસવનાં પીળાં ફૂલ લહેરાય છે. ચારેય બાજુ વૃક્ષ અને છોડમાં નવાં પાંદડાં આવે છે. આ ભારતીય સંસ્કૃતિમાં આ દિવસને યુવક-યુવતીઓ માટે વિવાહ લગ્નની દૃષ્ટિએ વેલેન્ટાઇન ડેની જેમ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે સફેદ અને પીળાં વસ્ત્રોથી મા સરસ્વતીનું શૃંગાર કરવામાં આવે છે. કેસરીયા ભાત અને પીળી મીઠાઈનું વિશેષ નૈવેદ્ય ધરાવી ધૂપ દીપ પુષ્પ દ્વારા પૂજન કરી વંદન કરવામાં આવે છે.

મા સરસ્વતીની પૂજા કરી વિશેષ ફળ પ્રાપ્તિ કરી શકાયો

બૌદ્ધિક વિકાસ માટે વસંતપંચમીના દિવસે મા સરસ્વતી દેવીનો ૐ ઐં હ્રીં કલીં મહા સરસ્વત્યૈ નમઃ મંત્રનો જપ વિશેષ લાભદાયી હોય છે. આ દિવસે મંત્ર જપ ચાલુ કરી સંપૂર્ણ વર્ષ દરમિયાન મંત્ર જપ કરી શકાય. આ દિવસથી દામ્પત્યજીવનના વિવાદ ટાળવા માટે પારિવારિક મધુરતા વધારવા માટે વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધે એ માટે શાસ્ત્રમાં અર્ગલા સ્તોત્ર અને કીલક સ્તોત્રના પાઠ કરવાનું અને સફેદ વસ્ત્ર દાન કરવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે.

સંગીત ક્ષેત્રમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરવા માટે મા સરસ્વતી દેવીના હ્રીં વાગ્દેવ્યૈ હ્રીં હ્રીં નમઃ મંત્રનો જપ કરવા લાભદાયી રહે તેમજ મધનું નૈવેદ્ય ધરાવવું એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે.

વસંત પંચમી: પ્રાચીન યુગનો વેલેન્ટાઇન ડે

ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ઋતુઓને છ ભાગમાં વહેંચવામાં આવી છે. તેમાં એક વસંત ઋતુ છે. વસંત ઋતુ શરૂ થતાંની સાથે પ્રકૃતિમાં પંચતત્ત્વ વધુ ઉર્જામય બને છે, જેથી મનુષ્ય પશુ-પક્ષી વધુ ઉત્સાહી થઈ જાય છે. વૃંદાવન મથુરા, બરસાનામાં ભગવાન કૃષ્ણને મા રાધાના પ્રેમ વિશેની ચર્ચાઓ શરૂ થઈ જાય છે અને ખૂબ જ આનંદ સાથે નાચ ગાન કરતાં કરતાં વેલેન્ટાઈન ડેની જેમ આ દિવસને ખૂબ ધામધૂમથી ઊજવવામાં આવે છે. બે મિત્રો, પતિ-પત્ની, ગુરુ - શિષ્ય એકબીજાને ભેટ, પુષ્પ દ્વારા આત્મીયતા દર્શાવે છે.

જ્યોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરાએ વધુમાં જણાવ્યું હતું કે, મા સરસ્વતીનું અનેક નામો દ્વારા પૂજન કરવામાં આવે છે. મા શારદા, મા વીણાવાદિની, મા વાગ્દેવી, મા વિદ્યાદેવીનાં નામોથી પૂજન કરી આ દિવસને મા સરસ્વતીના જન્મોત્સવના રૂપમાં ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. પ્રાકૃતિક વાતાવરણ બદલાતાં માનસિક પ્રફુલ્લતા સ્વતઃ વધે છે. પૃથ્વી પર ઋતુ પરિવર્તનના પ્રભાવના કારણે સર્જનાત્મક શક્તિ વધે છે. આ દિવસે સંપૂર્ણ વર્ષ દરમિયાન વધુ પ્રગતિ કરવા માટે ભાવિ જીવનને સફળ બનાવવા માટે નવા વિચારો દ્વારા નવું સંકલ્પ કરવાનું મહત્ત્વ છે.

વસંત પંચમીને ફક્ત ઋતુઓની રાણી જ નહીં પણ વિદ્યા, પ્રેમ અને જ્ઞાનને ગતિશીલ બનાવવા માટે વિશેષ મહત્ત્વ આપી શકાય. આ દિવસે મા શારદાની પૂજા કરી શકાય. વેદના અધ્યયન શરૂ કરવાનું, યુવક યુવતીઓ માટે શુભવિવાહ લગ્ન કરવાનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે.

ખરેખર પ્રેમના પૂર્ણ યોગી ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું, ભગવાન કૃષ્ણ અને રાધાના સ્નેહ સ્વરૂપનું દર્શન કરી પારિવારિક જીવનનું વધુમાં વધુ મધુર બનાવવા માટે સમગ્ર માનવજાતિને એકતાનો સંદેશ આપવા માટે ભગવાન રાધાકૃષ્ણની પૂજા કરવાનું મહત્ત્વ બતાવ્યું છે.

વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા કઈ રીતે કરવી

મા સરસ્વતીની મૂર્તિ અથવા ફોટોને બાજઠ પર પીળું વસ્ત્ર પાથરી ચોખાનું અષ્ટદળ બનાવી સ્થાપન કરવું. મા સરસ્વતીના આગળના ભાગમાં ભગવાન ગણપતિજીની સ્થાપના કરવી. મા સરસ્વતીની પાછળના ભાગમાં આજુબાજુ પીળાં પુષ્પ સજાવવાં. ઘઉં, જવના જવારા પણ આજુબાજુમાં મૂકી શકાય. ત્યારબાદ લાલ પેન, કલમ, પુસ્તક, નોટબુક પાસે મૂકવી અને ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય દ્વારા પૂજા અર્ચના કરી મા સરસ્વતીની આરતી કરવી.

શુભારતિઃ પ્રકર્ત્તાવ્યા વસન્તોજ્જવલભૂષણ

નૃત્માના શુભા દેવી સમસ્તાભરણૈર્યુતા

વીણા વાદનશીલા ચ મદકર્પૂરચર્ચિતા

કામદેવસ્તુ કર્ત્તવ્યો રૂપેણાપ્રતિમો ભુવિ ।

અષ્ટબાહુઃ સ કર્ત્તવ્યઃ શંખ પદ્મવિભૂષણઃ ।।

ચાપબાણકરશ્ચેવ મદાદઞ્ચિતલોચનઃ ।।

રતિઃ પ્રતિસ્તથા શક્તિર્મદશક્તિ-સ્તથોજ્જવલા ।।

ચતષસ્તસ્ય કર્ત્તવ્યાઃ પત્ન્યો રૂપમનોહરાઃ ।

ચત્વાશ્ચ કરાસ્તસ્ય કાર્યા ભાર્યાસ્તનોપગાઃ ।।

કેતુશ્ચ મકર: કાર્યઃ પંચબાણમુખો મહાન ।।

આ રીતે મા સરસ્વતીની કામદેવનું ધ્યાન કરી પુષ્પાદિ અર્પણ કરી પૂજન કરવું આ દિવસે ખેડૂતો અન્ન ગોળ અને ઘીનું મિશ્રણ કરીને હવન પણ કરે છે.

વસંત પંચમી અને પૌરાણિક કથા

પૌરાણિક કથા મુજબ ભગવાન વિષ્ણુના નિર્દેશનથી બ્રહ્માજીએ મનુષ્યની ઉત્ત્પતિ કરી છતાં સંતોષ ન થતાં બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પૃથ્વી પર પાણી છાંટ્યું, જેથી પૃથ્વી પર કંપન પેદા થયું અને અદ્દભુત શકિતના રૂપમાં ચર્તુભુજધારી મા સરસ્વતીની ઉત્ત્પતિ થઈ. મા સરસ્વતીના એક હાથમાં વીણા, બીજા હાથમાં વરદ મુદ્રા, ત્રીજા હાથમાં પુસ્તક અને ચોથા હાથમાં માળા હતી. મા દેવીએ વીણાથી મધુર નાદ કર્યું. જેનાથી સમસ્ત જીવ જંતુઓને વાણી પ્રાપ્ત થઈ તેથી મા સરસ્વતીને વાણીની દેવી કહેવામાં આવે છે. પુરાણોના ઉલ્લેખ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે પણ મા સરસ્વતીને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તમારી આરાધના કરવાથી લોકોને વિશેષ વિદ્યા પ્રાપ્ત થશે.

પુરાણોમાં મા સરસ્વતી દેવીનો મહિમા

મત્સ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, માર્કણ્ડેયપુરાણ, સ્કંધપુરાણ, વિષ્ણુર્મોત્તરપુરાણ તથા અન્ય ગ્રંથોમાં પણ મા સરસ્વતી દેવીના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.

આ ગ્રંથોમાં મા સરસ્વતી દેવીને સતરૂપા, શારદા, વીણપાણિ, વાગ્દેવી, ભારતી, પ્રજ્ઞાપારમિતા, વાગીશ્વરી તથા હંસ વાહિની વગેરે નામોથી વંદન કરવામાં આવ્યું છે. સરસ્વતી સ્તોત્રમાં શ્વેતાબ્જ પૂર્ણ વિમલાસન સંસ્થિતે એટલે કે સફેદ કમળ પર બિરાજમાન અથવા સફેદ હંસ પર બિરાજમાન દેવીના રૂપમાં વર્ણન જોવા મળે છે.

દુર્ગા શપ્તસતિ એટલે કે ચંડીપાઠમાં આદિશક્તિના સ્વરૂપને મહાકાલી, મહાલક્ષ્મીના રૂપમાં વર્ણન કર્યું છે. ચંડીપાઠમાં 13માંથી 8 અધ્યાયમાં મા સરસ્વતીનું વિશેષ વર્ણન જવા માળે છે. એનાથી શબ્દ શકિત, શબ્દ ધ્વનિ જ્ઞાનનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. મા સરસ્વતી દેવી અદૃશ્ય રૂપમાં વાણીના રૂપમાં જીભ પર બિરાજમાન હોય છે. આ ઋતુમાં કોયલના મધુર મધુર અવાજથી દરેક માનવીના જીવનમાં આનંદની અનુભુતિ થાય છે, જેથી વસંતપંચમીના દિવસે મા સરસ્વતીની આરાધના કરી કૃતાર્થ થઈએ સમયસર નિર્ણય લેવા માટે સરસ્વતી ઉપાસનાનું મંત્રોનું ખૂબ જ મહત્ત્વ છે.

વિદ્યાની દેવી મા સરસ્વતી દ્વારા વાણીના ઉદ્દભવ સ્થાનમાં સ્વર અને વ્યંજનનું ખૂબ જ મહત્ત્વ છે. બ્રહ્માંડની રચનાની સાથે જ શરૂઆતમાં સ્વર ધ્વનિની શરૂઆત થઈ હતી. આજે આપણે સૌ ૐ મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ, ત્યારે એના પણ ગંભીરતાથી વિચાર કરીએ તો ૐ બોલતી વખતે જીભનું કંઈ જ કામ હોતું નથી. ખાસ કરીને શરૂઆતમાં ત્રણ ધ્વનિઓ પ્રકટ થઈ તેમાં જેને આપણે નાદબ્રહ્મ કહીએ છીએ તેમાં અ. ઉ. મ. મુખ્ય છે. આ ત્રણ ધ્વનિઓ સાથે જોડાઈને અનેક ધ્વનિઓ ઉત્પન્ન થાય છે, જેમાં જીભનો પણ ઉપયોગ કરવામાં આવે છે, માટે સરસ્વતી મંત્ર ૐ ઐં ૐ મંત્રનો મહત્ત્વ વધી જાય છે. આ મંત્રના ઉચ્ચારણ માત્રથી સમસ્ત વાતાવરણમાં સકારાત્મક ઊર્જા પેદા થાય છે. જ્ઞાનતંતુઓની ક્ષમતા વધે છે. સ્મરણશક્તિમાં વધારો થાય છે, જેથી ખરેખર દરેકે દરેક મા સરસ્વતીમાં માનનારા વ્યક્તિઓએ પોતાની નિર્ણયશક્તિ વધારવા માટે સતત ૐ ઐં ૐનો મંત્રજાપ કરતાં રહેવું જોઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp