ભાઈબીજ પર ક્રિકેટરો અને તેમની બહેનો વિશે જાણીએ

PC: timescontent.com

આજે ભાઈબીજ છે. રક્ષાબંધનની જેમ કદાચ ભાઈબીજને આપણે ત્યાં એટલું બધું મહત્ત્વ નથી અપાતું, પરંતુ આ દિવસે દરેક બહેનને તેનો ભાઈ અને દરેક ભાઈને તેની બહેન જરૂર યાદ આવી જાય છે. આપણા ક્રિકેટરો વર્ષમાં લગભગ 200 થી 250 દિવસ ક્રિકેટ રમતા હોય છે, એવામાં તેમને બહેનોથી લાંબો સમય દૂર રહેવું પડતું હોય તે સ્વાભાવિક છે. પરંતુ જ્યારે જ્યારે સમય આવે ત્યારે ત્યારે તેઓ પોતાની બહેનો પાસે જરૂર પહોંચી જતા હોય છે. ભૂતકાળમાં આપણે પાકિસ્તાનના મહાન ક્રિકેટર ઇમરાન ખાનને તેમની બહેનો સાથે કેટલું જબરદસ્ત બોન્ડિંગ હતું તેની ઘણી બધી વાતો સાંભળી હતી. પણ એ પાકિસ્તાન હતું અને આ આપણું ભારત છે, જ્યાં ભાઈ અને બહેનના સંબંધોની ઉજવણી પણ જોરશોરથી કરવામાં આવે છે. 

અમુક ભારતીય ક્રિકેટરોને તો પોતાની બહેન સાથે એકદમ મજબૂત સંબંધો છે. આવો જોઈએ એવા ભારતીય ક્રિકેટરો જે પોતાની બહેનો સાથે લાગણીના અતૂટ બંધનથી બંધાયેલા છે. 

મહેન્દ્ર સિંઘ ધોની 

ભારતીય વન-ડે ટીમનો પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંઘ ધોની પોતાની બહેન જયંતિ ગુપ્તા સાથે ખૂબ ક્લોઝ છે. ધોનીના પિતાજી પાન સિંઘ ધોની ક્યારેય ધોનીને ક્રિકેટર બનાવવા માગતા ન હતા. પરંતુ જયંતિ તેમજ ધોનીની માતાએ કાયમ માહીને તેનું સ્વપ્ન સાકાર કરવા માટે બળ આપ્યું હતું. ધોની કાયમ પોતાની સફળતાનો શ્રેય આ બંનેને આપતો હોય છે. જયંતિ એક સ્કૂલમાં ટિચર છે. તે કાયમ કહેતી હોય છે કે તેનો ભાઈ ક્યારેય કશું વધારે પડતું નહીં કરે. તે એકદમ નમ્ર છે અને તેને પોતાના સિદ્ધાંતો છે. આ ઉપરાંત માહી એકદમ જવાબદાર પણ છે. એટલે જ જ્યારે ઝારખંડ સરકારે મહેન્દ્ર સિંઘ ધોનીને PhD આપવાનું નક્કી કર્યું ત્યારે તેણે નમ્રતાથી તેને અસ્વીકાર કરી દીધું હતું કારણ કે તે હજી ગ્રેજ્યુએટ પણ નથી થયો. 

વિરેન્દર સેહવાગ 

વિરેન્દર સેહવાગ કાયમ પોતાની માની નજીક હોવાની વાતો તો આપણે ઘણીવાર સાંભળી છે, પરંતુ તે પોતાની બહેન અંજુ મહેરવાલની પણ એટલી જ નજીક છે. અંજુ દિલ્હીમાં એક સ્કૂલ ટિચર છે અને રવિન્દર સિંઘ મહેરવાલ સાથે પરણેલી છે. 2012ની IPL દરમિયાન સેહવાગે એક-બે દિવસની રજા લઈને પોતાની બહેન જે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી રહી હતી તેના પ્રચારમાં પણ ગયો હતો. અંજુ એ ચૂંટણી જીતી પણ ગઈ હતી. 

વિરાટ કોહલી 

વિરાટ કોહલી તેની મોટી બહેન ભાવના સાથે અત્યંત નિકટ છે. વિરાટ કોહલીને તેણે કાયમ ટેકો આપ્યો છે. ખાસ કરીને જ્યારે 2006માં વિરાટના પિતાશ્રીનું અવસાન થયું ત્યાર પછી વિરાટની કારકિર્દીમાં કોઈ તકલીફ ન પડે તેનો ખાસ ખ્યાલ ભાવનાએ રાખ્યો હતો. આમ આ બંને ભાઈ બહેન એક દુજે કે લિયે બન્યા છે એમ કહી શકાય. 

ગૌતમ ગંભીર 

ગૌતમ અને તેની બહેન એકતા એ ભાઈ બહેન કરતા મિત્રો તરીકે ઓળખાવાનું વધુ પસંદ કરતા હોય છે. ગૌતમ ગંભીર તેની બહેનને કાયમ સમજુ અને સહાયક ગણાવતો આવ્યો છે. જ્યારે ગૌતમ ગંભીર કોઈ સમસ્યામાંથી પસાર થતો હોય ત્યારે તે એકતા પાસે જ જઈને તેનું સમાધાન શોધતો હોય છે. આ ભાઈ બહેન વચ્ચેનું બોન્ડિંગ કેટલું મજબૂત છે તેની ખબર ત્યારે પડે છે જ્યારે એકતાના લગ્ન માટે ગૌતમે ભારત અને શ્રીલંકાની ટેસ્ટ સિરીઝમાંથી ખાસ રજા લીધી હતી અને પોતાની બહેનના લગ્ન કર્યા હતા. એકતાને પણ પોતે ગૌતમની બહેન હોવાનું અભિમાન છે. આજે લગ્ન પછી પણ એકતા અને ગૌતમ વારંવાર મળતા રહેતા હોય છે. 

ભુવનેશ્વર કુમાર 

ઉત્તર પ્રદેશના આ ફાસ્ટ બોલરે કાયમ પોતાની સફળતા પાછળ પોતાની મોટી બહેન રેખા જવાબદાર હોવાનું કહે છે. રેખાએ જ્યારે ભુવનેશ્વર માત્ર દસ વર્ષનો હતો ત્યારથી જ તેને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરતી રહેતી હતી. તેર વર્ષના ભુવનેશ્વરને રેખા જ કોચિંગ સેન્ટરમાં લઇ ગઈ હતી. આટલું જ નહીં રેખાએ જ ભુવી માટે ક્રિકેટના સાધનોની ખરીદી કરીને તેને આપ્યા હતા. હાલમાં તો રેખા પરણીને દિલ્હી રહે છે, પરંતુ તે ભુવનેશ્વર સાથેના તેના યાદગાર સંસ્મરણો વાગોળતા કહેતી હોય છે કે, “મને ખ્યાલ આવી ગયો હતો કે ભુવનેશ્વર માટે ક્રિકેટ જ તેની જિંદગી બની રહેવાનું છે. આથી હું કાયમ તેના ટીચરોને જઈને કહેતી કે તેના પર ભણવાનું જરાય પ્રેશર મુક્ત નહીં. હું કાયમ તેની સાથે ભણવા બાબતે નહીં પરંતુ તેનું કોચિંગ કેવું ચાલે છે એનીજ ચર્ચા કરતી રહેતી. મારા પિતાની ટ્રાન્સફર થઇ ગઈ હતી એટલે ભુવનેશ્વરના ક્રિકેટ કોચિંગમાં કોઈ ખલેલ ન પડે તેની તમામ જવાબદારી મારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp