ગણપતિ બાપ્પાને ઉંટગાડી, ટ્રેલરમાં ન લઈ જતા અને મૂર્તિઓને બિનવારસી હાલતમાં....

PC: twitter.com

સુરત શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખૂબ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, ત્યારે આ વર્ષે ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના તા.19-9-2૩ના રોજ થનાર છે. ગણેશજીની પ્રતિમાઓનું વિર્સજન, સરઘસ અને શોભાયાત્રા સાથે તા28-9-23ના રોજ નીકળનાર છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત જળવાઈ રહે તેવા આશયથી સુરત શહેર પોલિસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર શ્રીગણેશજીની મૂર્તિની સ્થાપના તેમજ વિસર્જના દિવસે ચાર વ્હીલર કરતા વધુ વ્હીલરના ટ્રેઇલરો ઉપર ગણેશજીની મૂર્તિઓ લઇ જવા ઉપર, શ્રી ગણેશજીની વિસર્જનની શોભાયાત્રામાં ઉંટગાડી, બળદગાડુ, હાથી કે ટ્રેલરનો ઉપયોગ કરવા પર, ગણેશજીની મૂર્તિઓના વિસર્જનના દિવસે મૂર્તિઓ વાજતે-ગાજતે નાચતા- ગાતા લઇ જતી વખતે ધાર્મિક ભજનો સિવાય ધાર્મિક લાગણી દુભાય તેવા ગીત-સંગીત, ફિલ્મી ગીતો કે બિભત્સ ગીતો વગાડવા ઉપર, ગણેશજીની મૂર્તિના સ્થાપના સ્થળોએ તેમજ વિસર્જનના દિવસે વિસર્જન યાત્રા દરમિયાન કોઇ પણ વ્યક્તિઓએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર તેમજ વાહનોમાં આવતા-જતા માણસો ઉપર કે મકાનો/મિલક્તો ઉપર હાજર રહેલા માણસો ઉપર કોઇ પણ પ્રકારના રંગો કે પાઉંડર ને છુટા પાણી કે અન્ય તૈલી પદાર્થોમાં મિશ્રીત કરી ઉડાડવા/છાંટવા કે ફેંકવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ સિવાય ગણેશજીની માટીની, પી.ઓ.પી.ની મુર્તીઓ અને ફાયબરની મૂર્તિ નદી, તળાવ, કેનાલ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર, મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમિયાન ખંડીત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર, ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર, પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા ઉપર, ગણેશ મહોત્સવ દરમિયાન બિભત્સ ફિલ્મી ગીતો કે ધાર્મિક લાગણી દુભાય તેવા ગીત-સંગીત કે ભાષણો, પ્રવચનો વગાડવા પર તથા ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચાર કરવા પર, કોઇ પણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા ડેકોરેશન કરવા પર,જાહેર માર્ગ પર સામાન્ય ટ્રાફિકને અડચણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે. આ જાહેરનામુ તા.28-9-23 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp