કોઇપણ તહેવાર હોય આ સમયે જ ફોડી શકાશે ફડાકડા, સુપ્રીમનો આદેશ જાણી લો

PC: flickr.com

તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી અસરો સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે, તેનું સંપૂર્ણપણે પાલન કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ માર્ગદર્શિકા મુજબ દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે 8-00 થી 10-00 કલાક સુધી તથા ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાત્રે 23-55 થી 0-30 કલાક સુધીજ ફટાકડા ફોડી શકાશે.

ગૃહ વિભાગની એક યાદીમાં જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં થયેલ પીટીશન સંદર્ભે જે માર્ગદર્શિકાઓ અપાઇ છે તદઅનુસાર સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયનાં તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતાં બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series crackers or Laris) પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓએ જ કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રીમ કોર્ટનાં તા.23/10/2018નાં આદેશનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. ઉપરાંત તમામ ઇ-કોમર્સ વેબસાઇટ પર તમામ પ્રકારના ફટાકડાંના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકાયો છે.

દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે 8-00 થી 10-00 કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતનવર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે 23-55 કલાકથી 0-30 કલાક સુધી જ ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટના હુકમોનું પાલન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે અધિક મુખ્ય સચિવ , ગૃહ વિભાગની અધ્યક્ષતામાં વન અને પર્યાવરણ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી. ફટાકડા ફોડવા સંદર્ભે સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા જિલ્લા સત્તાવાળાઓને સૂચના આપવામાં આવી છે એમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp