નેતા-અધિકારીઓને મોકલાતા દિવાળી શુભેચ્છાના બોક્સમાંથી આ વખતે શું ગાયબ છે?

PC: https://zeenews.india.com

કોર્પોરેટ પ્રતિનિધિઓ, નાના-મોટા વેપારીઓ, વેપારી મહાજનો તેમજ બિલ્ડર સમુદાય સહિત શુભેચ્છકોની આવન-જાવનથી સ્વર્ણિમ સંકુલ અને સચિવાલયના વિભાગોની કચેરીઓ ધમધમી રહી છે પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ અને આર્થિક સંકળામણનો બેવડો માર ઝિલી રહેલા આ વર્ગ તરફથી આપવામાં આવતા દિવાળીના શુભેચ્છા બોક્સની સાઇઝ નાની થઇ ગઇ છે.

સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં બિરાજતા કેબિનેટ મંત્રીઓ તેમજ સચિવાલયના વિભાગોમાં ફરજ બજાવતા બ્યુરોક્રેટ્સની ચેમ્બરોમાં મોટા ગુલદસ્તા સાથે મીઠાઇ અને સૂકામેવાના પેકેટ્સ જોવા મળ્યા છે પરંતુ આ પેકેટ્સની સાઇઝ નાની બની ચૂકી છે. એવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવવધારા અને મોંઘવારીની અસર સચિવાલયની દિવાળી પર પડી છે.

નવું મંત્રીમંડળ અને નવા ઓફિસરો હોવાથી મોટાભાગના બિઝનેસ પ્રતિનિધિઓને કોઇ પરિચય નથી તેમ છતાં પરંપરાગત તેમને કંપની તરફથી આ જવાબદારી નિભાવવી પડતી હોય છે. ગુજરાતમાં સ્થપાયેલી નાની મોટી કંપનીઓના કોર્પોરેટ્સ પ્રતિનિધિઓ સચિવાલયમાં આવી રહ્યાં છે પરંતુ તેમની શુભેચ્છાના બોક્સ ઉડીને આંખે વળગે તેવા રહ્યાં નથી.

સામાન્ય રીતે સૂકામેવાના બોક્સમાં બદામ, દ્રાક્ષ, જરદાલુ, પિસ્તા અને કાજુના અલગ અલગ પેકેટ્સ હોય છે પરંતુ આ વખતે શુભેચ્છકોને બઘો સૂકોમેવો મીક્સ કરીને બોક્સ બનાવવાની ફરજ પડી છે. જો કે આ બોક્સમાંથી અંજીર અને અખરોટ જેવી અતિ કિંમતી ચીજવસ્તુ ગાયબ થઇ ચૂકી છે.

સચિવાલયમાં સામાન્ય રીતે વિભાગના એક ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં ત્રણ પ્રકારના બોક્સ જોવા મળતા હતા. એક મોટું બોક્સ અધિકારી માટે, બીજું મિડીયમ સાઇઝનું બોક્સ તેમના અંગત સ્ટાફ માટે તેમજ ત્રીજું નાનું બોક્સ અથવા કવર વર્ગ-4ના કર્મચારીઓ માટે રાખવામાં આવતું હતું પરંતુ આ વર્ષે કોરોના અને મોંઘવારીના કારણે માત્ર અધિકારીઓને જ શુભેચ્છા બોક્સ આપવામાં આવ્યા છે.

બીજી તરફ સ્વર્ણિમ સંકુલમાં નવા મંત્રીઓની ચેમ્બરો શુભેચ્છા આપલેથી ભરચક બની છે. જો કે કોર્પોરેટના પ્રતિનિધિઓ કે જેઓ વર્ષ દરમ્યાન સચિવાલયમાં આવતા હોય છે તેમને હજી નવા મંત્રીઓનો પરિચય થયો નથી. સ્વર્ણિમ સંકુલમાં ચાર વર્ષથી કામ કરતાં લગભગ તમામ અધિકારીઓ બદલાઇ ચૂક્યાં છે અને તેમના સ્થાને નવી નિયુક્તિ થઇ છે તેથી કોર્પોરેટ પ્રતિનિધિઓને ઓળખની મુશ્કેલી પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp