નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફૂટબોલ ટુર્નામેન્ટનો અમદાવાદમાં પ્રારંભ

PC: google.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સૌ પ્રથમ વાર યોજાયેલી નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર સંતોષ ટ્રોફી ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.
આ 72મી રિલાયન્સ નેશનલ સિનીયર ચેમ્પીયનશીપની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ અમદાવાદ ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાઇ રહી છે.

મુખ્યમંત્રીએ ફૂટબોલના ખેલાડીઓને પ્રેરણા આપતા સ્વામી વિવેકાનંદના કથનનું સ્મરણ કરતા જણાવ્યું કે તેઓ કહેતા કે, ગીતાના પાઠનો બોધ લેવા ફૂટબોલના મેદાનમાં જવું જોઇએે. વિજય રૂપાણીએ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓને આ કથન આત્મસાત કરવા આહવાન કર્યુ હતું.

વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતના વૈશ્વિક વિકાસની સાથોસાથ રમતગમત ક્ષેત્રે પણ ગુજરાત અવ્વલ રહે તે માટે તત્કાલિન મુખ્ય મંત્રી અને વર્તમાન વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભ અને ખેલે ગુજરાત દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે અને તે માટે ખેલાડીઓને અદ્યતન સુવિધાઓ મળી રહે તે માટે સ્ટેડિયમો પણ નિર્માણ કર્યા છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, સંતોષ ટ્રોફીની શરૂઆત 1941માં બંગાળથી થઇ હતી. જે રમત આજે વિશ્વ વિખ્યાત બની ગઇ છે. તેમણે આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓને ગુજરાતની જનતા વતી શુભેચ્છા પાઠવીને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામના પાઠવી હતી.

મુખ્યમંત્રીએ ફૂટબોલને કીક મારીને આ ટુર્નામેન્ટનો પ્રાંરંભ કરાવ્યો હતો.

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલી આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં 7 ટીમોએ ભાગ લીધો છે. જેમાં ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિવ-દમણ તથા ગુજરાત સહિતની ટીમના ખેલાડીઓ ટુર્નામેન્ટ રમશે. આ ટુર્નામેન્ટ આગામી 13મી જાન્યુઆરી સુધી ચાલશે અને ટુર્નામેન્ટમાં વિજેતા થનારી ટીમ આંતરરાષ્ટ્રિય કક્ષાએ ભાગ લેશે.

આ પ્રસંગે રમત ગમત રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય જગદીશ પંચાલ, સુરેશ પટેલ, ગુજરાત ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ધનરાજ નથવાણી, ટ્રાન્સટેડિયાના ઉદીત શેઠ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તથા રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp