ગુજરાતના 5 લાખ કર્મચારીઓને મળશે આ ભેટ, સરકાર ટુંક સમયમાં જાહેરાત કરશે

PC: twitter.com

ગુજરાતના 5 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરકાર ટુંક સમયમાં જ કર્મચારીઓ માટે એક મોટી ભેટની જાહેરાત કરી શકે છે. સરકારી કર્મચારીઓ હવે નોટ ગણવા તૈયાર થઇ જાઓ.

ગુજરાતના લગભગ પાંચ લાખ કર્મચારીઓને ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે. ગુરુવારે રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થું જાહેર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. રાજ્ય સરકાર કર્મચારીઓ માટે 8 ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. ગત વર્ષની જેમ ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થું આપવામાં આવશે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના કર્મચારીઓને જે 34 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે તેમાં ચાર ટકાનો વધારો કરીને અપાય છે. જાન્યુઆરી 2023થી આ 38 ટકામાં હવેથી 4 ટકાનો વધારો કરીને 42 ટકા મોંઘવારી ભથ્થુ અપાય તેવી માંગ છે.

ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મંત્રી ગોપાલ પંડ્યાએ કહ્યું હતું કે,હાલ જે કેન્દ્ર સરકાર દ્વારા ભથ્થું આપવામાં આવે છે તેમાં રાજ્યના કર્મચારીઓને 10-10 મહિના સુધી રાહ જોવી પડે છે. ત્યારે રાજ્યના કર્મચારીઓમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી સાથે અસંતોષની લાગણી જોવા મળી છે. રાજ્ય સરકાર સત્વરે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરે તેવી કર્મચારીઓની માંગણી છે.

મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવતી રકમ છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. તે સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.

સરકારી કર્મચારીઓને એટલો બધો ફાયદો મળતો હોય છે કે ઘણા બધા લોકો આ વ્હાઇટ કોલર જોબ મેળવવાના સપના જોતા હોય છે. એકવાર સરકારી નોકરી મળી જાય પછી નૈયા પાર થઇ જાય એવું ઘણા લોકો માને છે. જો કે અર્થતંત્ર માટે સારી વાત એ છે કે સરકારી કર્મચારીઓના ગજવામાં જેમ રૂપિયા આવશે તે રૂપિયા બજારમાં ફરતા થશે અને એ રીતે બજારમાં ખરીદીનું પ્રમાણ વધશે. જેની લીધે ઘણા બધા પરિવારોને રોજગારી મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp