30મી એપ્રિલના સાંજે 6 વાગ્યા પછી ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓને રાહત!

PC: torial.com

(હરેશ ભટ્ટ) સુરત.30મી એપ્રિલે સાંજે છ વાગ્યાને દસ મિનિટ પછી રાજ્યના ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ આનંદમાં આવી ગયા. કારણ કે આ સમયે લાંચ રુશ્વત વિરોધી દળના વડા કેશવકુમાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. તેમને એક્ટેન્શન મળશે એ ચર્ચાના કારણે ભ્રષ્ટ અધિકારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા પણ એક્ટેન્શન ન મળ્યું અને તેઓ નિવૃત્ત થતાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓએ રાહતનો દમ ખેંચ્યો હતો.

શા માટે લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ કેશવકુમારથી ડરતા હતા? એ મુદ્દે વાત કરીએ તો કેશવકુમાર નિષ્ઠાવાન, પ્રમાણિક અધિકારી ગણાય છે. વળી, સીબીઆઈનો તેમને ખાસ્સો અનુભવ હતો. પોતે અભ્યાસુ અને અનુભવી અધિકારી હોવા ઉપરાંત સીબીઆઈનો અનુભવ તેમાં ભળ્યો એટલે તેમની કામ કરવાની પદ્ધતિ અલગ પ્રકારની હતી. કોઇની પણ શેહ શરમમાં આવ્યા વગર તે તટસ્થ રીતે કામ કરવા માટે જાણીતા હતા. તેમના કાર્યકાળમાં એન્ટિ કરપ્શન બ્યૂરોની 15 વર્ષની કામગીરીનો રેકોર્ડ તૂટ્યો હતો. એમાં પણ આવક કરતા વધુ સંપત્તિ ધરાવનારા સામે ગાળિયો ફીટ કરવામાં તેઓ માસ્ટર હતા. જેના કારણે લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ કેશવકુમારના નામ માત્રથી ફફડી ઉઠતા હતા.

હાલમાં એસીબીનો ચાર્જ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પાસે છે. તેઓ પણ ખૂબ જ અનુભવી, અભ્યાસુ, પ્રમાણિક અધિકારી ગણવામાં આવે છે. પણ વાત એમ છે કે તેમના માથે મુખ્ય જવાબદારી અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની છે. વળી, હાલમાં કોરોનાની મહામારીના કારણે થોડી જવાબદારી વધી જાય એ સ્વાભાવિક છે. પરિણામે તે ધારે તો પણ એસીબીમાં વધુ સમય ન ફાળવી શકે. તે પણ એટલી જ સહજ બાબત છે. પરિણામે લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓને થોડા દિવસો માટે ઘી કેળા જેવો સમય આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp