મોદી કેબિનેટનો મોટો નિર્ણય, PM E- બસ અને વિશ્વકર્મા યોજનાને મંજૂરી,જાણો શું છે આ

PC: lokmatnews.in

કેન્દ્ર સરકારીને કેબિનેટ બેઠકમાં કેટલાંક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.PM મોદી કેબિનેટે પ્રધાનમંત્રી E- બસ સેવા અને વિશ્વકર્મા યોજનાને મંજૂરીની મહોર મારી છે. PM E-બસ સેવા માટે 57,613 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને તેના હેઠળ 10,000 નવી ઇલેક્ટ્રિક બસ ચલાવવામાં આવશે. આ ઇલેક્ટ્રિક બસના ટ્રાયલ 100 શહેરોમાં કરવામાં આવશે.

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મીડિયા સાથે શેર કર્યા છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે પ્રધાનમંત્રી E-બસ સેવાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના 57,613 કરોડ રૂપિયાની છે. આ 57,613 કરોડ રૂપિયામાંથી 20,000 કરોડ રૂપિયાનું ફંડ સરકાર આપશે જ્યારે  બાકીની રકમ રાજ્ય સરકારો આપશે. આ યોજનાથી 10 વર્ષ માટે બસ ઓપરેટર્સને સપોર્ટ કરવામાં આવશે. ઠાકુરે કહ્યુ કે આ બસોની ખરીદી PPP મોડલ હેઠળ કરવામાં આવશે. એના માટે બીડિંગ પ્રક્રિયા શરૂ થશે, એના માટે ખાનગી કંપનીઓને સોનેરી અવસર મળશે. આ યોજના 2037 સુધી ચલાવવામાં આવશે.

ઠાકુરે કહ્યું કે, આ યોજના હેઠળ એવા શહેરોને પ્રાથમિકતા આપવામાં આવશે જયાં બસ સેવાનું કોઇ સંગઠિત માળખું નથી. આ યોજનાને કારણે 45 હજારથી 55,000 જેટલી રોજગારી ઉભી થશે.

કેન્દ્રીય કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીએ PM વિશ્વકર્મા યોજનાને પણ મંજૂરી આપી છે. આમાં પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોનો સમાવેશ થાય છે જેમ કે સુવર્ણ, લુહાર, વાળંદ અને મોચી. સ્કીમ હેઠળ નિર્ધારિત શરતો હેઠળ એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.

વિશ્વકર્મા યોજના કારીગરો અને શિલ્પકારોના ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવા અને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે આ ઉત્પાદનોની પહોંચનો વ્યાપ વધારવા પર ભાર મુકશે.

કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવે કહ્યું કે ડિજિટલ ઇન્ડિયાએ આપણા આઇટી પ્રોફેશેનલ્સની સ્કીલ્સના સ્તરમાં સુધારો કર્યો છે. 5 લાખથી વધારે આઇટી પ્રોફેશનલ્સના કૌશલ્યમાં સુધારો થયો છે. ઉમંગ પ્લેટફોર્મ પર સરકારની 1700 સેવાઓ ઉપલબ્ધ છે અને તેમાં વધુ 540 સેવાઓને જોડવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનમાં અનેક યોજનાઓ વિશે વાત કરી હતી,તેમાં વિશ્વકર્મા યોજના પણ સામેલ હતી.

તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં વિશ્વકર્મા જયંતિ પર અમે 13-15 હજાર કરોડ રૂપિયા સાથે નવી તાકાત આપવા માટે વિશ્વકર્મા યોજના શરૂ કરીશું. PMએ કહ્યું હતું કે સરકાર આ યોજના દ્વારા પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp